• Home
  • News
  • શાળાઓમાં ઈદની ઉજવણીનો વિવાદ:કચ્છના મુન્દ્રામાં વિદ્યાર્થીઓ પાસે નમાજ પઢાવવામાં આવતાં હિન્દુ સંગઠનોમાં નારાજગી, મહેસાણાની શાળામાં પણ ઉજવણી થતાં હોબાળો
post

મહેસાણાની શાળામાં ઈદની ઉજવણીને લઈ હોબાળો

Written By newsonline | Ahmedabad | Published: 2023-06-30 18:30:26

કચ્છના મુન્દ્રા અને મહેસાણાની ખાનગી શાળામાં બકરી ઈદની ઉજવણી કરવામાં આવતાં વિવાદ થયો છે. મુન્દ્રાની શાળામાં હિન્દુ બાળકો પાસે નમાજ અદા કરાવવામાં આવી હોવાનો વીડિયો વાઈરલ થયા બાદ હિન્દુ સંગઠનો અને વાલીમંડળ દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી છે. તો મહેસાણાની શાળામાં પણ ઉજવણીને લઈ હોબાળો થયો હતો. હોબાળાના પગલે બંને શાળાના સંચાલકો દ્વારા માફી માગવામાં આવી હતી.

મુન્દ્રાની શાળામાં બાળકોએ નમાજ અદા કર્યાનો વીડિયો વાઈરલ કચ્છના મુન્દ્રાના ભોરારા સીમ વિસ્તારમાં આવેલી પર્લ્સ સ્કૂલમાં બકરી ઈદ પૂર્વે 28મી જૂને ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શાળાનાં બાળકો નમાજ અદા કરતાં હોય એવો વીડિયો શાળા દ્વારા જ સોશિયલ મીડિયામાં અપલોડ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ વાલીઓમાં અને હિન્દુ સંગઠનોમાં નારાજગી ફેલાઈ હતી અને આ મામલે શાળા-સંચાલકો અને પોલીસ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી.

શાળા-સંચાલકોએ ફેસબુક પેજ પરથી વીડિયો દૂર કર્યો
વિશ્વ હિન્દુ પરિષદ મુન્દ્રા નગરના પ્રમુખ નરેન્દ્રસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે શાળામાં નમાજ પઢાવવાની વાત સામે આવતાં આજે સનાતની ધર્મના વાલીમંડળ સાથે શાળાના સંચાલકો સમક્ષ મૌખિક રજૂઆત કરી હતી અને શાળામાં માત્ર શિક્ષણકાર્ય પર ધ્યાન આપવામાં આવે એવી માગ કરી હતી. શાળાના સંચાલકોને ભૂલ સમજાતાં નમાજનો જે વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો એને દૂર કરી દેવાયો હતો.

શું કહી રહ્યાં છે શાળાના સંચાલક?
પર્લ્સ સ્કૂલનાં પ્રિન્સિપાલ અને ટ્રસ્ટી પ્રીતિ વાસવાણીએ કહ્યું હતું કે અમારી શાળામાં 28મી જૂને ઈદ રિલેટેડ ઉજવણી કરવામાં આવી હતી, જેને લઈ કેટલાક વાલીઓ અને સંગઠનોની ભાવનાને ઠેંસ પહોંચી છે. અમારો ઈરાદો કોઈની લાગણી દુભાવવાનો હતો નહીં. કોઈની લાગણી દુભાણી હોય તો હું માફી માગું છું અને ખાતરી આપું છું કે કોઈની લાગણીની ઠેસ પહોંચે એ પ્રકારની ઉજવણી હવે ભવિષ્યમાં કરવામાં આવશે નહીં.

ડીડીઓ દ્વારા તપાસનો આદેશ આપવામાં આવ્યો
આ સમગ્ર મામલો સામે આવ્યા બાદ કચ્છ જિલ્લાના ડીડીઓ એસ.કે. પ્રજાપતિએ ઈન્ચાર્જ જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને તપાસ માટે આદેશ આપ્યો છે. તાલુકા શિક્ષણાધિકારીની ટીમને તપાસ માટે મોકલવામાં આવી છે, જેના રિપોર્ટ આધારે કાર્યવાહી કરાશે. શાળાના સંચાલકોએ આચાર્યને સસ્પેન્ડ કરવા માટે સૂચના આપી હોવાનું જણાવ્યું હતું.

મહેસાણાની શાળામાં ઈદની ઉજવણીને લઈ હોબાળો
મહેસાણામાં રાધનપુર રોડ પર આવેલી કિડ્સ કિંગ્ડમ સ્કૂલમાં નાનાં બાળકો દ્વારા બકરી ઇદની ઉજવણી ગુરુવારે કરવામાં આવી હતી, જેના ફોટો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં ભારે વિવાદ સર્જાયો હતો. એને પગલે આજે સ્કૂલ સામે હિન્દુ સંગઠનો દ્વારા ભારે હોબાળો મચાવવામાં આવ્યો હતો. સમગ્ર મામલે આજે સવારે 9 કલાકે જિલ્લાનાં તમામ હિન્દુ સંગઠનો રાધનપુર રોડ પર આવેલી કિંગ કિંગડમ સ્કૂલમાં આવી પહોંચ્યાં હતાં, જ્યાં વહેલી સવારથી ચુસ્ત પોલીસ-બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. સમગ્ર મામલે 9 કલાકે હિન્દુ સંગઠનોએ આ મામલે સ્કૂલ સામે ભારે વિરોધ નોંધાવ્યો હતો.

શાળાની સંચાલિકાએ માફી માગી
શાળા પર હિન્દુ સંગઠનોએ હોબાળો કરી શાળાના સંચાલકો માફી માગે એવી માગ કરી હતી. એને પગલે શાળાની સંચાલિકા પોલીસ-બંદોબસ્ત વચ્ચે શાળા પર પહોંચ્યાં હતાં. શાળાનાં સંચાલિકા રાશિ ગૌતમે કહ્યું હતું કે મારા અને મારી સ્કૂલ તરફથી કોઈની લાગણી દુભાઈ હોય તો હું માફી માગું છું. અમારો કોઈની લાગણી દુભાવવાનો ઉદ્દેશ હતો નહીં. ભવિષ્યમાં લોકોની લાગણી દુભાઈ તેવા કોઈ કાર્યક્રમની શાળામાં ઉજવણી કરવામાં નહીં આવે.

adv

Related News

post
post
post
post
post
post
post