• Home
  • News
  • એક દિવસમાં સૌથી વધુ 19 મોત, 11 દર્દીના હોસ્પિટલમાં દાખલ થયાના 3 દિવસમાં જ જ્યારે 7નાં સપ્તાહમાં મૃત્યુ
post

નવા 178 કેસ, પ્રહલાદનગર અવલ, રામદેવનગર સુમેરુ બંગલોઝ, માણેકબાગમાં સ્વયંભૂ એપાર્ટમેન્ટમાંથી પણ કેસ નોંધાયા

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-27 11:46:07

અમદાવાદ:  શહેરમાં રવિવારે નવા 178 કેસ નોંધાયા હતા અને 18ના મોત થયા હતા. એક જ દિવસમાં આટલા મોતની આ પહેલી ઘટના છે. કુલ મૃત્યુઆંક 105 પર પહોંચી ગયો છે. 19 મૃત્યુમાં 11 કેસ દર્દી એવા હતા જેઓ માત્ર એક-બે કે ત્રણ દિવસ પહેલાં જ દાખલ થયા હતા. જ્યારે 7 દર્દી ત્રણથી સાત દિવસની સારવાર લીધા પછી મૃત્યુ પામ્યા છે. મૃતકોમાં પાલડી, વાસણા, ખોખરા, ગોમતીપુર, શાહપુર, દરિયાપુર અને જમાલપુરમાં રહેતા લોકોનો સમાવેશ થાય છે. 10 મૃતકોને  કોરોના ઉપરાંત મલ્ટિપલ બીમારી હતી. જ્યારે 8 લોકોના મૃત્યુ માત્ર કોરોનાના લીધે જ થયા છે.

અનેક કેસ છૂટાછવાયા વિસ્તારના
નવા 178 કેસમાં શહેરના છૂટાછવાયા વિસ્તારોમાંથી મળી આ‌વ્યા છે. જેમાં વસ્ત્રાપુર ગવર્નમેન્ટ કોલોની, નારાણપુરાની રૂપલ પાર્ક સોસાયટી, સરખેજના અંબર ટાવર, પ્રહલાદનગર અવલ બંગલોઝ, રામદેવનગર પાસેના સુમેરુ બંગલોઝ ઉપરાંત ગુલબાઈ ટેકરાના ન્યુ વૈભવ ફ્લેટ, માણકેબાગના સ્વયંભૂ એપાર્ટમેન્ટ સહિત ભદ્રનો સમાવેશ થાય છે. હોટ સ્પોટગણાતા જમાલપુર, શાહપુર, દરિયાપુર વિસ્તારમાંથી પણ કેસ મળ્યા છે. જો કે, અન્ય વિસ્તારોની સરખામણીમાં હોટ સ્પોટમાં કેસ ઓછા મળ્યા હોવાનું જાણવા મળ્યું છે. અસારવા વિસ્તારમાંથી પણ કેસ મળી આવ્યા છે.

દર દોઢ કલાકે એકનું મોતછેલ્લા 24 કલાકમાં શહેરમાં 178 નવા કેસ અને 18 દર્દીના મોત થયા છે. આ સાથે કુલ 2181 પોઝિટિવ કેસ અને મૃત્યુઆંક 104 થયો છે. છેલ્લા 24 કલાકમાં જ 18 દર્દીના મોત થતા મોતનો આંકડો 100ને પાર પહોંચ્યો છે. છેલ્લા 24 કલાકમાં દર દોઢ કલાકે 1 દર્દી મોતને ભેટ્યો છે. આ ઉપરાંત આજે 25 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જેમાં 9 પુરુષ અને 16 મહિલા છે. આ સાથે જ અત્યાર સુધીમાં કુલ 140 દર્દીઓ ડિસ્ચાર્જ થઈને ઘરે પરત ફર્યા છે.

26 એપ્રિલની સવારથી લઈ અત્યાર સુધીની મહત્વપૂર્ણ ઘટનાઓ

કોરોનાને કારણે બદરુદ્દિન શેખનું મોત

મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના પૂર્વ નેતા અને બહેરામપુરાના કોંગ્રેસના કોર્પોરેટર બદરુદ્દીન શેખનું કોરોના વાઇરસને કારણે SVP હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત થયું છે. કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. છેલ્લા એક અઠવાડિયાથી તેમને વેન્ટીલેટર પર રાખવાની ફરજ પડી હતી. દિવસે ને દિવસે તેમની તબિયત નાજૂક થઈ રહી હતી. છેવટે આજે તેઓ કોરોનાથી હારી જતા તેમનું મોત થયું હતું. કોંગ્રેસના સિનિયર નેતા શક્તિસિંહ ગોહિલ, જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા સહિતના કોંગ્રેસના નેતાએ દુઃખ વ્યક્ત કર્યું હતું. 

ઇમરાન ખેડાવાલાને ડિસ્ચાર્જ કરાયા

જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાના બંને કોરોના વાઇરસના રિપોર્ટ સારવાર બાદ નેગેટિવ આવ્યા છે. ત્યારે આજે તેમને SVP હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. મહત્વનું છે કે, ગત અઠવાડિયે ઇમરાન ખેડાવાલાનો કોરોના વાઇરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જો કે સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવતા તેઓના પ્રશંસકોમાં ખુશી છવાઈ ગઈ છે.

હાલ ડબલિંગ રેટ 8 દિવસનોરિકવરી રેટ 4થી 5 ટકાથી વધીને 10 ટકાથી વધુ

આ પહેલા બપોરે શહેરમાં કોરોનાની સ્થિતિ અને વ્યવસ્થા અંગેની માહિતી આપતા અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ જણાવ્યું કેગઈકાલથી આજ સુધી 49 દર્દી ડિસ્ચાર્જ થયા છે. શહેરમાં અત્યાર સુધીમાં 193 દર્દી સાજા થયા છે. તેમજ શહેરના વેપારીઓએ લોકડાઉનની મુદ્દત 3 મે સુધી સ્વૈચ્છીક રીતે દુકાનો ન ખોલવાનો નિર્ણય કર્યો છે. વેપારી એસોસિયેશને સામેથી જ આ પ્રસ્તાવ મુક્યો હતો. આ નિર્ણય બદલ હું તેમને બિરદાવવા માગું છું.  વેપારી એસોસિયેશન સાથેની ચર્ચા વિચારણા બાદ હવે ખુલેલી દુકાનો પણ 3 મે સુધી બંધ રાખવામાં આવશે.

એક સમયે સરખી ચાલતી રિકવરીની સંખ્યા મૃત્યુ કરતા ડબલ થઈઃ વિજય નેહરા 

વિજય નેહરાએ આગળ કહ્યું કે, શહેરમાં 18 એપ્રિલે 243 કેસ સામે હતા ત્યાર બાદ 234, 257, 228 થયા હતા. થોડા દિવસ પહેલા 4 દિવસે ડબલિંગ રેટ હતો જે આપણા તમામના પ્રયાસોથી 8 દિવસનો થયો છે. તેમજ રિકવરી રેટ 4થી 5 ટકાથી વધી 10 ટકાથી વધુ થયો છે. જ્યારે એક સમયે રિકવરી અને મૃત્યુઆંક સરખા હતા. પરંતુ હવે રિકવરીની સંખ્યા મૃત્યુ કરતા ડબલ થઈ ગઈ છે. હોટલ ફર્નમાં રૂ.3500ના દૈનિક ખર્ચ થશે જ્યારે અન્ય એક હોટલ સાથે પણ કરાર કરવામાં આવ્યા છે. જેમાં સંપન્ન લોકો દરરોજ રૂ.3500ના ખર્ચ સાથે આઈસોલેશનમાં રહી શકશે.

નરોડામાં નિર્માણાધીન હોસ્પિ. ઉપયોગમાં લેવાશે
નરોડામાં એક ખાનગી હોસ્પિટલ બની રહી હતી, આ નિર્માણાધીન હોસ્પિટલનો ઉપયોગ શરૂ થયો ન હોવાથી કોવિડ હોસ્પિટલ તરીકે ઉપયોગ કરવા ઓફર કરી અને 200 બેડની હોસ્પિટલ તૈયાર કરી છે. રાજ્ય સરકાર પાસે મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફની માંગણી કરી છે. જ્યારે એક મહિલાની પીવાના પાણીની ફરિયાદના વીડિયો મુદ્દે વિજય નેહરાએ કહ્યું કે, સમરસ હોટલમાં પીવાના પાણીની 3 પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને જેટલી બોટલ જોઈએ એટલું
પાણી આપવામાં આવશે.

ગેરેજ, પંચરથી લઈ AC,  વાસણ અને મોબાઈલની દુકાનો ખુલી
કેન્દ્રીય ગૃહમંત્રાલયની ગાઈડલાઈન પ્રમાણે રાજ્યમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે દુકાનો ખોલવા માટે છૂટ આપવાના નિર્ણયને લઈ આજથી અમદાવાદમાં દુકાનો ખુલી હતી. વેપારીઓએ સોશિયલ ડિસ્ટન્સ જાળવવાની તમામ તૈયારીઓ સાથે દુકાનો ખોલી હતી. સવારથી જ ગેરેજ, પંચરની, વાસણની, સ્ટેશનરીની, મોબાઈલ સેલ અને રિપેરિંગ, રિચાર્જ, એસી, ઇલેક્ટ્રોનિક, કપડાંના શો રૂમ, દરજી, સ્ટોર્સ સહિતની દુકાનો ખુલી ગઈ હતી. દુકાનદારોએ દુકાનની આગળ ટેબલ મૂકી અને દોરી બાંધી દીધી હતી, જેથી ગ્રાહકોની દુકાનમાં ભીડ ન થાય. બહારથી ગ્રાહકોને વસ્તુ આપવામાં આવતી હતી. લોકો પણ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરતા જોવા મળ્યા હતા. ગેરેજની દુકાનો પર પણ લોકો વાહન સર્વિસ અને રિપેરીગ માટે જોવા મળ્યા હતા. જે જગ્યાએ લોકો સોશિયલ ડિસ્ટન્સ નહોતા જાળવતા ત્યાં લોકોને સમજાવી અને પાલન કરાવતા હતા.

અમદાવાદ જિલ્લામાં કોરોના વધુ ત્રણ પોઝિટિવ કેસ નોંધાતા કુલ દર્દી 25

અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકામાં કોરોનાના વધુ ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા છે. દસક્રોઈના પ્રજાપતિ વાસની બે મહિલા અને એક પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે ગ્રામ્ય વિસ્તારમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 25 થઈ છે. જિલ્લામાં અત્યાર સુધીમા સાણંદ, બાવળા, વિરમગામ, દસક્રોઈ, ધંધુકામાં કોરોનાના કેસ નોંધાયા છે. જેમાં દસક્રોઈમાં જ 18 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. ગ્રામ્ય વિસ્તારના કુલ 25 પોઝિટિવ  કેસમાંથી આઠ દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે.