• Home
  • News
  • અનલોકની આડઅસર:ગુજરાતમાં ફરી વધી રહ્યો છે કોરોનાનો કહેર, માત્ર 4 મહિનામાં જ કોરોનાના કેસમાં 8 ગણો વધારો
post

31 મે સુધી રાજ્યમાં 16794 કેસ હતા, જે છેલ્લા 4 મહિનામાં વધીને 1,33,219 થયા

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-29 09:58:17

19 માર્ચથી ગુજરાતને ભરડામાં લેનાર કોરોના રાજ્યમાં કાળો કેર વર્તાવી રહ્યો છે. સરકારે કોરોનાના સંક્રમણને નિયંત્રિત કરવા માટે લોકડાઉન જાહેર કર્યું હતું. મહદંશે લોકડાઉનમાં કોરોનાનું સંક્રમણ નિયત્રંણમાં હતું, પરંતુ 1 જૂનથી તબક્કાવાર અનલોકની અમલવારી કરવામાં આવ્યા બાદ રાજ્યમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. અનલોકની આડઅસર થી હોય તેમ એકલા ગુજરાતમાં આજસુધીમાં 1.33 લાખથી વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે. છેલ્લા 4 મહિનામાં કોરોનાના કેસોમાં 8 ગણો વધારો થયો છે. 31 મે સુધી રાજ્યમાં 16794 કેસ અને 1038 મોત નોંધાયાં હતાં, જ્યારે 27 સપ્ટેમ્બર સુધીમાં આ આંકડો 8 ગણા વધારા સાથે 1 લાખ 33 હજાર 219એ પહોંચ્યો છે.

કેસનો તફાવત સંક્રમણની ભયાનકતા તરફ ઇશારો
કોરોના ડેટા જોઈએ તો ગત 31 મેના રોજ 24 કલાકમાં 438 કેસ નોંધાયા હતા, જ્યારે ગઈકાલે 27 સપ્ટેમ્બરના રોજ 1411 કોરોના કેસ સપાટી પર આવ્યા છે. આ તફાવત સંક્રમણની ભયાનકતા તરફ ઇશારો કરી રહ્યું છે. અનલોકના ચાર મહિનાનો આંકડો જોઈએ તો જૂનમાં 15849 કેસ, જુલાઈ મહિનામાં કોરોનાના 28,795 કેસ નોંધાયા હતા. ઓગસ્ટ માસમાં 34,997 લોકો સંક્રમિત થયા હતા, જ્યારે સપ્ટેમ્બર માસના છેલ્લા 27 દિવસમાં 36,784 કેસ સપાટી પર આવી ચૂક્યા છે.

કુલ કેસના 87 ટકા કેસ માત્ર 119 દિવસમાં
19
માર્ચથી 24 માર્ચ સુધી રાજ્યમાં કોરોનાના 34 કેસ નોંધાયા હતા. 25 માર્ચથી 31 મે સુધી રાજ્યમાં 66 દિવસનું લોકડાઉન હતું. આ સમયગાળા દરમિયાન રાજ્યમાં 16760 કેસ નોંધાયા હતા, જે કુલ કેસના 12.5 ટકા હતા. જ્યારે 1 જૂનથી રાજ્યમાં તબક્કાબાર અનલોકની અમલવારી કરવામાં આવી રહી છે. 1 જૂનથી 27 સપ્ટેમ્બર સુધીના 119 દિવસમાં રાજ્યમાં 1,16,425 કેસ નોંધાયા છે, એટલે કે કુલ કેસના 87.5 ટકા કેસ છેલ્લા 119 દિવસમાં નોંધાયા છે. દરરોજના સરેરાશ કેસ જોઈએ તો લોકડાઉનમાં દરરોજ સરેરાશ 254 કેસ નોંધાતા હતા, જે અનલોકમાં વધીને દરરોજ સરેરાશ 978 કેસે પહોંચ્યા છે. જે દર્શાવે છે કે રાજ્યમાં સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક ન પહેરવાની બેદરકારીને કારણે અનલોકમાં કેસનો આંકડો વિસ્ફોટક રીતે વધી રહ્યો છે.

છેલ્લા 119 દિવસમાં 2381નાં મોત
શરૂઆતમાં જ કોરોના સંક્રમણથી ગુજરાતમાં જે મૃત્યુદર નોંધાયો છે એને લઈ ખૂબ ચર્ચા રહી છે. અન્ય રાજ્યની સરખામણીએ ઊંચા મૃત્યુદરને લઈ આ પહેલાં પણ દેશનું ધ્યાન ગુજરાત તરફ હતું. અત્યારસુધીમાં રાજ્યમાં 3419 લોકોનાં મોત થયાં છે, જેમાંથી 31 મે એટલે કે લોકડાઉનના ગાળા સુધીમાં રાજ્યમાં 1038 દર્દીનાં મૃત્યુ થયાં હતાં. જ્યારે અનલોકના 119 દિવસ એટલે કે 1 જૂનથી 27 સપ્ટેમ્બર સુધીમાં 2381 દર્દીનાં મૃત્યુ થયાં છે. આમ, લોકડાઉનમાં જ્યાં સરેરાશ દરરોજ 16 મોતની સરખામણીએ અનલોકમાં સરેરાશ દરરોજ 20 મોત નોંધાયાં છે.

 

સપ્ટેમ્બરમાં ટેસ્ટની સંખ્યામાં વધારો જોવા મળ્યો
રાજ્યમાં તા. 31 જુલાઈ સુધીમાં 7 લાખ 64 હજાર 777 ટેસ્ટ થયા હતા. ત્યાર બાદ ઓગસ્ટ માસમાં એકાએક રાજ્ય સરકારે ટેસ્ટ કરવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. તા. 31 ઓગસ્ટ સુધીમાં ટેસ્ટની સંખ્યા વધીને સીધી જ 23 લાખ 31 હજાર 836 થઈ ગઈ હતી. ઓગસ્ટ માસમાં 15 લાખ 67 હજાર 059 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જોકે, 1 સપ્ટેમ્બર થી 27 સપ્ટેમ્બર વચ્ચે ટેસ્ટની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. આ 27 દિવસમાં કુલ 19 લાખ 572 ટેસ્ટ થયા. એટલે કે, સરેરાશ 70,391 ટેસ્ટ થયા હતા. અત્યાર સુધીમાં 42 લાખ 32 હજાર 408 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

સાજા થનારા દર્દીના દરમાં વધારો
તો બીજી બાજુ રાજ્યમાં દિવસે ને દિવસે સાજા થનારાના દરમાં વધારો થઈ રહ્યો છે. તા. 31 જુલાઈના રોજ રિકવરી રેટ 73.09 ટકા હતો, જે તા. 31 ઓગસ્ટના રોજ વધીને 80.66 ટકા થઈ ગયો હતો. ગઈકાલે 27 સપ્ટેમ્બરના રોજ રિકવરી રેટ વધીને 84.93 ટકા નોંધાયો હતો. સપ્ટેમ્બર માસમાં 36,784 નવા કેસની સામે 35,658 દર્દી સાજા થયા હતા. અત્યારસુધીમાં 1 લાખ 13 હજાર 140 દર્દી કોરોનાને માત આપી ચૂક્યા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post