• Home
  • News
  • એક દિવસમાં 90 કેસના વધારા સાથે કુલ આંકડો 468 પર પહોંચ્યો, વધુ ત્રણ મોત નોંધાતાં કુલ 22 ભોગ બન્યા
post

અમદાવાદ પછી હવે વડોદરાનો વારો, વધુ 18 કેસ સાથે એક જ દિવસમાં 36 કેસ, કુલ આંક 95 થયો

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-13 09:55:18

ગાંધીનગર: અમદાવાદમાં શનિવારે નારણપુરા અને સારંગપુર વિસ્તારમાં કોરોનાના પોઝિટિવ કેસ મળતા હવે ગુજરાત સરકારે અમદાવાદમાં જે વિસ્તારમાં હજુ સુધી એકપણ પોઝિટિવ કેસ ન નોંધાયો હોય ત્યાં અગમચેતીના ભાગરૂપે રેન્ડમ ટેસ્ટિંગ શરૂ કરાવ્યાં છે. આ તરફ અમદાવાદના ધનિક લોકોના ફાર્મ હાઉસ છે તેવાં રાંચરડા વિસ્તારમાં છ વર્ષનો એક બાળક પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. આ બાળકનો પિતા કોઇ ફાર્મ હાઉસમાં જ સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો હોવાનું જણાયું છે. રાંચરડા કલોલ તાલુકામાં આવતું હોઇ આ કેસ ગાંધીનગર જિલ્લામાં નોંધાયો છે. આરોગ્ય સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે આ બાળકની કોઇ કોન્ટેક્ટ હિસ્ટ્રી મળી નથી પણ વધુ વિગતો મંગાવાઇ રહી છે. આ તરફ શનિવારે સાંજ સુધીમાં નવા 90 કેસના ઉછાળા સાથે રાજ્યમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 468 પર પહોંચી છે. શનિવારે 3 દર્દીઓના મૃત્યુ થતાં કુલ 22 લોકો કોરોના વાઇરસનો ભોગ બન્યાં છે.

એક પણ પોઝિટિવ કેસ ન ધરાવતાં પાંચ જિલ્લામાં પણ ટેસ્ટ શરૂ કરાયા
નવી વ્યૂહાત્મક પદ્ધતિ પ્રમાણે આરોગ્ય વિભાગે શનિવારે પાંચ જિલ્લા કે જ્યાં એક પણ કોરોના પોઝિટિવ દર્દી નોંધાયો નથી ત્યાં રેન્ડમ ટેસ્ટ કરવાનું શરૂ કર્યું છે. તે હેઠળ બનાસકાંઠા, તાપી, નવસારી, જૂનાગઢ અને અમરેલીમાં આ ટેસ્ટ કરાયાં છે. તમામના પરિણામો રવિવારે જાહેર થશે. આવાં કુલ 14 જિલ્લામાં 100-100 ટેસ્ટ કરાશે.

હજુ પણ રેપિડ ટેસ્ટ કિટ નથી પહોંચી
ગુજરાત સરકારે કેન્દ્ર પાસેથી 40,000 રેપિડ ટેસ્ટ કિટ માંગી છે પરંતુ તેમાંની એક પણ ગુજરાત પહોંચી નથી. આ માટે આરોગ્ય કમિશ્નર જયપ્રકાશ શિવહરે દિલ્હીમાં ગુજરાતના નિવાસી કમિશ્નર આરતી કંવર સાથે સતત સંકલન કરી રહ્યા છે, પરંતુ હજુ સુધી કોઇ હકારાત્મક પ્રતિસાદ મળ્યો નથી. આખરે આરોગ્ય સચિવ જયંતિ રવિએ જણાવ્યું છે કે હવે જ્યારે આવી કિટ આવશે ત્યારે જણાવવામાં આવશે.

24 કલાકમાં 2000થી વધુ ટેસ્ટ
હવે સરકારે ટેસ્ટમાં ઝડપ લાવવાનું નક્કી કર્યું હોવાથી શનિવારે છેલ્લાં 24 કલાકમાં કુલ 2045 ટેસ્ટ કરાયાં જેમાંથી 90 પોઝિટિવ જયારે 1,548 નેગેટિવ આવ્યાં તથા 407ના પરિણામ આવવાના બાકી છે. માત્ર અમદાવાદમાં જ આ પૈકી 241 ટેસ્ટ કરવામાં આવ્યાં હતાં જેમાંથી 46 પોઝિટિવ રહ્યાં હતાં. શનિવારે એક જ દિવસમાં કુલ 1400થી વધુ ટેસ્ટ કરાયાં હતા.

મુખ્યમંત્રીએ મ્યુનિસિપલ કમિશનરો અને મેયરો સાથે વાત કરી
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શનિવારે વીડિયો કોન્ફરન્સથી રાજ્યની આઠ મહાનગરપાલિકાના મેયર તથા મ્યુનિસિપલ કમિશનરો સાથે વાત કરી રવિવારથી તેમના વિસ્તારમાં હોટસ્પોટ વિસ્તારોમાં મહત્તમ ટેસ્ટ અને સ્ક્રીનિંગ કરવાની સૂચના આપી છે. તમામ વિસ્તારોમાં દસ વ્યક્તિનું ગ્રૂપ બનાવી સ્થિતિની સમીક્ષા કરવાની સૂચના પણ આપી હતી.

પોલીસ કડક કાર્યવાહી કરશે

રાજ્યમાં સતત કોરોના પોઝિટિવ કેસોમાં વધારો થઇ રહ્યો છે. એક વ્યક્તિ અનેકને સંક્રમિત કરી રહ્યો છે. આવી સ્થિતિમાં લોકડાઉનનો ભંગ ચલાવી શકાય તેમ નથી. કોઇપણ સંજોગોમાં પોલીસ લોકડાઉનનું પાલન કરાવશે. લોકડાઉનનનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ અને મેડિકલ ટીમ પર હુમલો કરનાર સામે પાસા સહિતના આકરા પગલા લેવામાં આવશે. શાકમાર્કેટ, બેન્કો અને દુકાનોમાં ડ્રોનથી સર્વેલન્સ રાખવામાં આવશે તેમ રાજ્ય પોલીસવડા શિવાનંદ ઝાએ જણાવ્યું છે. 

રાજ્યમાં કુલ પોઝિટિવ દર્દીઓનો આંકડો 469 એ પહોંચ્યો
કોરોનાની અપડેટ વિગતો આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છેકે, રાજ્યમાં સવારે નવા 54 પોઝિટિવ કેસ નોંધાયા બાદ સાંજ સુધીમાં નવા 37 કેસ નોઁધાયા છે. આ સાથે રાજ્યમાં કુલ પોઝિટિવ દર્દીઓનો આંકડો 469એ પહોંચ્યો છે. જ્યારે 23 લોકોના મોત નીપજ્યા છે. તો 44 લોકો સાજા થયા છે. આણંદ જિલ્લાના ખંભાતમાં એક પોઝિટિવ કેસ નોંધાયો છે.  નોંધનીય છેકે, ક્લસ્ટર કરવામા આવેલા વિસ્તારોની સાથે સાથે હવે ભરૂચ જેવા નવા જિલ્લાઓમાં પણ કોરોના પોઝિટિવના કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 1593 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 124 પોઝિટિવ અને 1187 નેગેટિવ આવ્યા છે, જ્યારે 282 ટેસ્ટ પેન્ડિંગ છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post