• Home
  • News
  • સૌથી વધુ કેસ અને મોતના મામલે દેશમાં ગુજરાત બીજા નંબરે, 24 કલાકમાં 239 પોઝિટિવ કેસ, કુલ 90 લોકોના મોત
post

રાજ્યમાં એક દિવસમાં 19 મોત, માત્ર અમદાવાદમાં 15 મોત થયાં

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-22 10:35:13

ગાંધીનગર: રાજ્યમાં મંગળવારે કોરોનાના કુલ 239 કેસોના ઉમેરા સાથે હાલ કુલ આંકડો 2,178 પર પહોંચ્યો છે. આ દરમિયાન 19 લોકોના મોત સાથે કુલ આંકડો 90એ પહોંચ્યો છે. અત્યાર સુધીમાં 24 કલાકની અંદર સૌથી વધુ મોત નોંધાયા હોય તેવો આ કિસ્સો છે. તેમાંય અમદાવાદમાં જ 15 મૃત્યુ નોંધાતા સરકારમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. જોકે રાજ્ય સરકાર હજુ દાવો કરે છે કે જે લોકો અન્ય બીમારીથી પીડાતા હોય તેઓ માથે જોખમ વધુ છે.

8 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવી
આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ કહ્યું કે, મૃત્યુનો દર અને ચેપનો ફેલાવો ઓછો કરવા માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. ક્રિટિકલ કંડિશનમાં હોય તેવા અમદાવાદના બે દર્દીઓને ભારતીય તબીબી સંશોધન પરિષદની મંજૂરી બાદ પ્લાઝમાં ચઢાવવામાં આવ્યા છે. એસવીપી હોસ્પિટલમાં એક મહિલા અને એક પુરુષ પર પ્રાયોગિક રીતે આ પદ્ધતિનો અમલ કર્યો છે અને તેના સારા પરિણામો પ્રાપ્ત થ‌શે. આ સાથે તેમણે જણાવ્યું હતું કે 8 દર્દીઓને સાજા થયા બાદ રજા અપાઈ હતી અને અત્યાર સુધીમાં કુલ 139 દર્દીઓ સાજા થઈ ઘરે ગયા છે. મોટી ઉંમરના અને હૃદય, શ્વસનતંત્ર, કીડની, ડાયાબિટીસ, લીવર જેવી બિમારી ધરાવતા લોકોમાં રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાથી તેમને ચેપ લાગ્યા બાદ મુશ્કેલી પડે છે. એટલે કોઇપણ વ્યક્તિમાં કોરોનાના લક્ષણો દેખાય તો વાર ન લગાડતાં તરત જ દવાખાનાનો સંપર્ક કરવો જોઈએ. અત્યાર સુધીમાં કોરોનાથી બચીને રહેલા વલસાડ, તાપી અને નવસારીમાં પણ હવે કોરોનાએ પગપેસારો કર્યો છે.

ક્યાં કેટલા નવા કેસ નોંધાયા?
અમદાવાદમાં હજુ પણ સૌથી વધુ કેસ બહાર આવવાનો સિલસિલો ચાલુ રહ્યો છે અને મંગળવારે 130 નવા કેસો નોંધાયા હતા. સૂરતમાં 78, વડોદરામાં 6, અરવલ્લી અને બનાસકાંઠા જિલ્લામાં 5-5, વલસાડમાં 3,રાજકોટ અને બોટાદમાં 2-2 તથા ગીર, ખેડા, તાપી, ભરૂચ, મહેસાણા, સાબરકાંઠા, દાહોદ, નવસારી અને નર્મદા જિલ્લામાં 1-1 કેસ નોંધાયા હતા.

સરકારી કર્મચારીઓની ટેસ્ટની બૂમો પડી, સરકાર કહે છે મુખ્યમંત્રીનો પણ ટેસ્ટ નથી કરાયો 
રાજ્યમાં પોલીસ, તબીબો અને મેડિકલ સ્ટાફ, ફાયરબ્રિગેડ, સ્થાનિક પ્રશાસનના કર્મચારીઓ અને આવશ્યક સેવા સાથે સંકળાયેલા કર્મચારીઓ કોરોના ગ્રસ્ત થતા તેમના સાથી કર્મચારીઓએ પોતાના ટેસ્ટ કરાવવા માંગણી કરી હતી. તેની સામે સત્તાધીશોએ પરવાનગી વગર કોઇના પણ ટેસ્ટ ન કરવા જણાવ્યું છે. એવામાં સરકાર તરફથી સ્પષ્ટતા આવી છે કે ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાના સીધા સંપર્કમાં આવ્યા હોવા છતાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તથા ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પોતાના ટેસ્ટ કરાવ્યા નથી પરંતું તેઓ જાતે જ આઇસોલેશનમાં જતા રહ્યા છે. 

લક્ષણમુક્ત દર્દીઓ અને તબીબો હોટલમાં પણ રહી શકશે, રોજનું ભાડું 3000 રૂપિયા
લક્ષણ ન ધરાવતા કોરોના પોઝિટિવ દર્દીઓ જો ચાહે તો તેઓ અમદાવાદમાં ફર્ન હોટલમાં રહી શકે છે. જ્યારે સરકારી હોસ્પિટલના સ્ટાફ માટે પણ બે હોટેલની વ્યવસ્થા કરવામાં આવી છે. નાયકા હોટેલ અને સિલ્વર કલાઉડ હોટલમાં હોસ્પિટલના ડોકટર અને નર્સ રહી શકશે. આ હોટલમાં રહેવાનો પ્રતિદિન ખર્ચ 3000 રૂપિયા રહેશે જ્યારે વેન્ટિલેટર તથા મેડિકલ ચાર્જ અલગ રહેશે.

ચીને હલકી ગુણવત્તાના પીપીઇ બાદ રેપિડ ટેસ્ટીંગ કીટ ભટકાડીને છેતર્યા
હાલ આઇસીએમઆર દ્વારા ચીનથી આયાત કરવામાં આવેલી રેપિડ ટેસ્ટીંગ કીટ ઉપયોગમાં લેવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આ કીટમાં પરિણામ સ્પષ્ટ ન મળતાં હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. આથી ઝડપથી ખૂબ ટેસ્ટ કરી લેવાના ગુજરાત સરકારના પ્લાન પર પાણી ફરી વળ્યું છે. હજુ બે દિવસ ચકાસણી બાદ આ ટેસ્ટ કીટ ઉપયોગમાં લેવામાં આવે તેવી સૂચના કેન્દ્રમાંથી આપી હોવાનું આરોગ્ય સચિવ જયંતિ રવિ એ જણાવ્યું હતું. આ કીટ લગભગ હવે પરત મોકલી દેવામાં આવશે કારણ કે તે નકલી કે સાવ ગુણવત્તા વગરની હોવાનું જાણવા મળ્યું છે. આથી હવે ભારત સરકાર કીટનો નવો જથ્થો મળી જાય તે વ્યવસ્થા કરી રહી છે. અગાઉ ચીનથી આવેલા લાખો પીપીઇ સુટ પણ હલકી ગુણવત્તાના હોઇ પરત મોકલવા પડ્યા હતા. 

14 દર્દીઓ વેન્ટિલેટર પર છે
જે જિલ્લા માં ડબલ ડિજિટ કેસ છે તે બધા જિલ્લા માં સ્પેશ્યલ સિનિયર અધિકારીઓ ને જવાબદારી આપવામાં આવી છે. ટેસ્ટ અને દર્દીઓ છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કુલ 3,513 ટેસ્ટ કરાયા હતા તે પૈકી કુલ 239 પોઝિટીવ આવ્યા હતા જ્યારે 3274 નેગેટીવ આવ્યા હતા. તે ઉપરાંત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 36, 829 ટેસ્ટ કરાયા તેમાંથી 2178 પોઝિટિવ અને 34,651 નેગેટીવ આવ્યા છે. મૃત્યુ પામેલા અને સાજા થઈ ઘરે ગયા હોય તેવા દર્દીઓને બાદ કરતાં કુલ 2,178 માંથી 1949 એક્ટિવ દર્દીઓ છે. જેમાંથી 14 દર્દી વેન્ટિલેટર પર છે અને 1935 દર્દીઓની હાલત સ્થિર છે. હજુ 30,354 લોકો ક્વોરન્ટાઇન અવસ્થામાં છે. અમદાવાદ કોરોનાને કારણે મોતના મામલે સૌથી મોટું હોટસ્પોટ બની ગયું છે. અત્યાર સુધી અહીં 53 મોત થઈ ચૂક્યા છે, જે 31 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં થયેલા મોતની સંખ્યા કરતા વધુ છે. અમદાવાદમાં મંગળવારે એક જ દિવસમાં 15 મોત થયા હતા. એક જ દિવસમાં આટલા મોત નોંધાવનાર અમદાવાદ બીજું શહેર છે. આ પહેલા મુંબઈમાં 12 એપ્રિલે 16 મોત થયા હતા. કુલ મોતના મામલે મહારાષ્ટ્ર હજુ પણ નંબર વન છે. 

અમદાવાદ 14, સુરત 7, વડોદરા-રાજકોટમાં 1-1 હોટસ્પોટ
સૌથી વધુ કેસ એટલે કે શહેરના હોટસ્પોટની વાત કરીએ તો અમદાવાદમાં 14 વિસ્તાર છે કે જે સૌથી વધુ ક્રિટિકલ ઝોનમાં છે. તેમાં ઘાટલોડિયા, દરિયાપુર, ચાંદખેડા, જમાલપુર, જુહાપુરા, શાહીબાગ, બહેરામપુરા, મણિનગર, રાયપુર દરવાજા, હાથીજણ, વસ્ત્રાલ, નારણપુરા, દાણીલીમડા છે. તો સુરતમાં 7 વિસ્તાર - લંબે હનુમાન રોડ, ઉધના, સલાબતપુરા, પાંડેસરા, કતારગામ, લાલગેટ, લિંબાયત છે. 

ગુજરાતમાં પોઝિટિવ કેસ 2000ને પાર
દેશમાં 2000થી વધુ પોઝિટિવ કેસ ધરાવનાર ગુજરાત દેશનું બીજું રાજ્ય બન્યું છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 2178 કેસ નોંધાયા છે. તેમાં પણ અમદાવાદનો હિસ્સો 65 ટકાથી વધુ છે. 5218 કેસ સાથે મહારાષ્ટ્ર પ્રથમ અને 2156 કેસ સાથે દિલ્હી ત્રીજા નંબરે છે. 

કર્ફ્યૂગ્રસ્ત વિસ્તારમાં 24 એપ્રિલ સુધી કર્ફ્યૂનો અમલ યથાવત
રાજ્યભરમાં લોકડાઉન અને કર્ફ્યૂના પાલન માટે પુરતા પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે.  અમદાવાદ, સુરત અને રાજકોટના કેટલાક કર્ફ્યૂગ્રસ્ત વિસ્તારમાં 24 એપ્રિલ સુધી કર્ફ્યૂનો અમલ યથાવત છે. કર્ફ્યુભંગ કરવા બદલ રાજ્યભરમાં 364 લોકોની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદમાં 163, સુરતમાં 125 અને રાજકોટમાં 70 લોકોની ધરપકડ કરવામાં આવી હોવાનું રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું છે. તેમણે જણાવ્યું છેકે, કર્ફ્યૂમુક્તિ દરમિયાન લોકો સોશિયલ ડિસ્ટન્સ જાળવતા નથી. 

રાજ્યમાં પ્રથમવાર કોરોનાના દર્દીની સિઝેરિયનથી ડિલવરી થઈ, દેશનું પ્રથમ પ્લાઝમા સ્ટડી સેન્ટર SVPમાં શરૂ
અમદાવાદમાં રાજ્યમાં સૌપ્રથમવાર કોરોનાના દર્દીની સિઝેરિયન દ્વારા ડિલવરી કરવામાં આવી છે. જ્યારે દેશમાં આ સાતમો કિસ્સો છે. તેની સાથે સાથે દેશનું પ્રથમ પ્લાઝમા સ્ટડી સેન્ટર SVPમાં શરૂ કરવામાં આવ્યું છે અને એક દર્દીનું પ્લાઝમા ટ્રાન્સમિશન પણ કરવામાં આવ્યું છે. રાજ્યની તમામ યુનિવર્સિટીની કોલેજોમાં પરીક્ષા લેવામાં આવશે તેવો નિર્ણય શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. રાજ્યમાં 27,800 ઉદ્યોગો ગઇકાલથી શરૂ થયા છે. જેમાં 1 લાખ 80 હજાર શ્રમિકો કામે લાગ્યા  હોવાનું મુખ્યમંત્રી સચિવ અશ્વિની કુમારે જણાવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છેકે, સુજલામ સુફલામ યોજનાને સત્વરે શરૂ કરવામાં આવશે. ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં કામગીરી હાથ ધરવામાં આવશે. શ્રમિકોને રોજગારી મળવાની શરૂઆત થશે. 27 એપ્રિલથી ઘઉંની ખરીદીની શરૂઆત થશે. 27 એપ્રિલથી  30 મે સુધી ખરીદ પ્રક્રિયા ચાલુ રહેશે. ખેડૂતોને એસએમએસથી સમય અને તારીખ જણાવવામાં આવશે.