• Home
  • News
  • લોકડાઉનમાં સેવા કરતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો: ગરીબોની સેવા કરવી અ’વાદી યુવકને ભારે પડી
post

અમદાવાદના મણિનગર વિસ્તારમાં સેવા કરવા જતા હતા પોઝિટિવ દર્દી

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-06 10:19:22

અમદાવાદ : કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે ત્યારે આજે અમદાવાદ શહેરમાંથી વધુ આઠ કેસો સામે આવ્યા છે. સેવાના નામે બહાર આવતા લોકો માટે એક લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. હાલ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદના મણિનગરમાં જે કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા છે તે સેવા કરવા જતા હતા. જો કે, તેઓને આ ચેપ ક્યાંથી લાગ્યો તે અંગે તંત્ર હાલ તપાસ કરી રહ્યુ છે.

 

કેટલાક સ્થાનિક લોકોએ નામ ન લખવાની શરતે જણાવ્યું છે કે, જે વ્યક્તિને કોરોના થયો છે તે ભાઈ ગરીબોને સેવાર્થે ભોજન આપવા અને અન્ય સેવાઓ માટે જતા હતા. કોરોનાનો ચેપ લાગતા 55 વર્ષીય આ વ્યક્તિને સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. જો સ્થાનિકોનું માનીએ અને આ વાત સાચી હોય તો આ વ્યક્તિને કઈ જગ્યાએ સેવા કરતા કરતા કોરોનાનો ચેપ લાગ્યો છે ? અને સેવા દરમ્યાન આ વ્યક્તિ અન્ય કેટલા લોકોના સંપર્કમાં આવ્યા છે? તે એક તપાસનો વિષય છે અને તંત્રએ આ મામલે ઊંડાણ પૂર્વક તપાસ કરવી પડશે.

 

હાલ આ વ્યક્તિ જ્યાં રહે છે તે મણિનગરની પુષ્પકુંજ સોસાયટીમાં આવેલા સ્નેહ સરિતા એપાર્ટમેન્ટને કોરોન્ટાઇન કરી દેવામાં આવ્યું છે. આ વ્યક્તિની સેવા કરતી એક તસ્વીર પણ સામે આવી છે. જો કે પરિપત્ર મુજબ કોરોના ગ્રસ્ત દર્દીની ઓળખ જાહેર ન થાય તે હેતુથી ચહેરો ઢાંકવામાં આવ્યો છે. આસપાસના લોકો પણ કોરોના પોઝિટિવ કેસ આવતા ડર અનુભવી રહ્યા છે. જો કે તંત્ર દ્વારા કોઈને પણ ઘર બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે.

 

સમગ્ર રાજ્યમાં પ્રથમવાર આવો કેસ નોંધાયો છે કે જેઓ સેવા કરવા ગયા હોય અને કોરોનાનો ચેપ લાગ્યો હોય. આ કેસની ગંભીરતા જોતા રાજ્યમાં સેવા કરનારા લોકોએ સાવધાન થઇ જવાની જરૂરિયાત ઉભી થઇ છે.

 

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં રવિવારે 15 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. સવારે 14 કેસ સામે આવ્યા બાદ બપોર બાદ જામનગર અને મોરબીમાં પહેલો પોઝિટિવ કેસ નોંધાયો છે. તેમજ સુરતમાં એક અને ભૂજમાં 1 કેસ નોંધાયો છે. આ સાથે આજે કુલ 18 દર્દીઓ સામે આવ્યા છે. આમ અત્યાર સુધીમાં ગુજરાતમાં કોરોનાના 126 દર્દી થઈ ગયા છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post