• Home
  • News
  • અમદાવાદમાં કોરોના પોઝિટિવનું SVP હોસ્પિટલમાં નિદાન થયેલા દર્દીઓમાંથી એક યુવતીએ તેની આપવીતી શેર કરી
post

હું માનતી હતી કે આખી દુનિયાને છોડી કોરોનાનો ચેપ મને કેવી રીતે લાગશે?

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-24 09:47:56

અમદાવાદઃ કોરોના પોઝિટિવનું નિદાન થયેલા દર્દીઓમાંથી હું એક છું. હોસ્પિટલના બિછાને પડ્યા પડ્યા મને એમ લાગ્યું કે મારે મારો અનુભવ લોકો સાથે શેર કરવો જોઈએ. 2020ની શરૂઆતમાં મેં ફિનલેન્ડમાં નોર્ધર્ન લાઈટ્સ જોવાના આયોજન સાથે કરી. ચીનના વુહાનમાં કોરોનાના વાવરના સમાચારો પર હું 15 જાન્યુઆરીથી જ નજર રાખી રહી હતી. મને મનોમન થયું કે આવનારા દિવસોમાં આખી દુનિયા કોઈ અભૂતપૂર્વ અને ભયાનક સંકટનો સામનો કરવાનું છે. પણ બીજો વિચાર એવો આવ્યો કે આ બલા મારાથી તો હજુ ઘણી દૂર છે. મને લાગ્યું કે મેં ઘણું વાંચ્યું છે અને તકેદારીના પૂરતાં પગલાં લઈશ. મનમાં પાક્કી ખાતરી હતી કે આખી દુનિયાને છોડીને આ કોરોના મને તેની ઝપટમાં કેવી રીતે લેશે? માર્ચમાં મેં ફિનલેન્ડની ફ્લાઈટ પકડી. મેં સાવચેત થઈ N-99 માસ્ક પહેરી લીધું, સેંકડો વખત 30 સેકન્ડ સુધી સેનિટાઈઝરથી હાથ ચોખ્ખા કર્યા. મારા ટ્રે ટેબલ અને આર્મ રેસ્ટ પણ જંતુમુક્ત કર્યા. 90થી 95 ટકા લોકો માસ્ક પહેરતા ન હોવાથી માસ્ક પહેરવાનું મને જરા વિચિત્ર લાગ્યું. એમ પણ થયું કે માસ્ક પહેરવાથી મારો ચહેરો કેવો લાગશે?

જરૂરી વસ્તુઓ કાઢી બેગ બાથરૂમમાં મૂકી દીધી હતી
મેં ફિનલેન્ડનો પ્રવાસ શરૂ કર્યો ત્યારે ત્યાં માંડ દસેક કેસ હશે. આમાં મને કોરોનાનો ચેપ લાગવાના ચાન્સ બહુ ઓછા કહેવાય. હું ભારત પાછી આવી ત્યારે COVID-19 દુનિયાભરમાં મહામારી ઘોષિત થઈ ચૂકી હતી, પણ સદનસીબે ભારતમાં આંગળીના વેઢે ગણાય એટલા કેસ હતા. ઘરે પાછા આવ્યા પછી મેં નક્કી કર્યું કે ઘરના સભ્યોને ગળે નહિ મળું. તેમનાથી સલામત અંતર પણ જાળવ્યું. જરૂરી વસ્તુઓ કાઢી લઈ મારી બેગ પણ બાથરૂમમાં ધકેલી દીધી.

ડોલનું હેન્ડલ પણ ડેટોલથી સાફ કરતી
14
માર્ચે મને હળવો તાવ આવ્યો. તરત જ મેં મારી જાતને એક રૂમમાં જુદી પૂરી દીધી. બીજા દિવસે સવારે મારી મમ્મી-પપ્પાએ ફેમિલી ડોક્ટર સાથે વાત કરી. મારું ટેમ્પરેચર 99થી 100ની વચ્ચે હતું. હું ફિનલેન્ડની માઈનસ 15 ડિગ્રીમાંથી અહીંના 25 ડિગ્રી વાતાવરણમાં આવી હોવાથી ડોક્ટરે થોડી એન્ટિ-બાયોટિક્સ લખી આપી. પણ હું અલગ રૂમમાં જ પૂરાઈ રહી. મારા રૂમના દરવાજા બહાર એક નાનું ટેબલ મૂકાવડાવ્યું. અને મારી જરૂરી બધી વસ્તુ આ ટેબલ પર જ મૂકવામાં આવતી. મેં મારાં વાસણો મારા બાથરૂમની સિંકમાં ઉકળતા પાણી અને સાબુથી સાફ કર્યાં. વાસણ પેલા નાનકડા ટેબલ પર મૂકવા માટે દરવાજો ખોલતા પહેલાં 30 સેકન્ડ સાબુથી હાથ ધોયા. મારે કાળજી લેવાની હતી કે મને લાગેલો ચેપ વાસણ મારફતે થઈ ઘરના કોઈ સભ્યને ના લાગે. હું વાસણ ટેબલ પર મૂકું પછી મારી મમ્મી તેને ફરીથી ઉડકી સ્વચ્છ કરતી હતી. હું મારા કપડાં ગરમ પાણીમાં ડેટોલ નાખીને જાતે ધોતી. ડોલનું હેન્ડલ પણ ડેટોલથી સાફ કરતી હતી. હું મારી પર્સનલ કારમાં ડોક્ટરને ત્યાં તાવના લક્ષણો તપાસવા પહોંચી. આ કાર બીજું કોઈ વાપરતું નથી. ક્લિનિકમાં મેં N-99 માસ્ક પહેરી રાખ્યું અને બીજા દર્દીઓથી દૂર બેઠી.

મારી જાતને આઇસોલેશનમાં મૂકી
મને હજુ પણ તાવ હતો અને ડોક્ટરે મને શ્વસનતંત્રમાં ઈન્ફેક્શન હોવાનું કહી દવા ચાલુ રાખવા સલાહ આપી. હું ઘરે ગઈ. કાર પણ બરાબર તડકો પડતો હોય એવી જગ્યાએ પાર્ક કરી. મેં લિફ્ટનો ઉપયોગ કર્યો નહીં. નીચેથી ફોન કરી મમ્મીને ઘરનો દરવાજો ખુલ્લો રાખવા કહ્યું. મારો ઈરાદો દરવાજાના હેન્ડલને સ્પર્શ નહિ કરવાનો હતો. હું સીધી મારા રૂમમાં જ જતી રહી. બે દિવસ સુધી તાવ ઉતર્યો નહિ. જો કે કફ, ખાંસી કે શ્વાસ લેવામાં તકલીફ જેવાં લક્ષણો તો જરાય ન હતાં જેના માટે મેં છ વર્ષ મહેનત કરી, તે એવોર્ડ લેવાપણ હું ગઈ નહિ. તાવના પ્રથમ દિવસથી જ મેં મારી જાતને આઈસોલેશનમાં મૂકી દીધી. મને ખબર હતી કે પૂરતી તકેદારી લઈએ તો બીમારી ફેલાતી રોકી શકાય. પોતાના ઘરના સભ્યોને જ ચેપ લાગે એવું ઈચ્છે પણ કોણ?

આઠ દિવસથી પરિવારજનો ક્વોરેન્ટાઇન છે
મારી એક મિત્ર અને SVP હોસ્પિટલમાં ડોક્ટર મિત્રએ મને ખૂબ મદદ કરી. મારી બહેને ડોકટરને મારાં લક્ષણોની જાણ કરી હતી. જે દિવસે મેં ડોકટર સાથે વાત કરી તે દિવસે મને સારું હતું. બીજા દિવસે મને તાવ ન હતો અને કોઈ લક્ષણો પણ દેખાતા ન હતાં. પણ 16 માર્ચે મને ઉધરસ શરૂ થઈ અને છાતીમાં કંઈક ભરાયું હોય એવું લાગ્યું. મેં ડોકટરને ફોન કર્યો અને તેણે મને SVP બોલાવી. હું ફરી માસ્ક પહેરી મારી કારમાં એકલી જ તેને મળવા ગઈ. ડોકટરે તપાસ કરી ત્યારે મને છાતીમાં કફ બોલતો હતો. આખરે તેણે COVID-19નો ટેસ્ટ કરાવવાની સલાહ આપી. ટેસ્ટ પોઝિટિવ આવ્યો. મારા ઘરના સભ્યોનું શું થશે તે ચિંતા સતાવતી હતી? ભગવાનને પ્રાર્થના કે તેમને કંઈ ન થાય. મેં પૂરેપૂરી કાળજી લીધી હતી છતાં ક્યાંક ચૂક રહી ગઈ હોવી જોઈએ. મારા ઘરના સભ્યો આઠ દિવસથી ક્વોરન્ટાઈનમાં છે. તેમનામાં કોઈ લક્ષણ દેખાયા નથી. 

સોશિયલ ડિસ્ટન્સિંગનું લોકો હવે મહત્ત્વ સમજશે
મને કોરોના વાઇરસનું નિદાન થયું ત્યારથી 36 કલાક મારું નામ, એડ્રેસ, ફોન નંબર, ફોટો, ટ્રાવેલ હિસ્ટ્રી અને મેડિકલ હિસ્ટ્રી નિરર્થક વોટ્સએપ પર ફરતી થઈ ગઈ હતી. આ બધી વિગતો પર્સનલ છે. તે મારી પ્રાઇવસી પર હુમલો છે. મને આશા છે કે, અમદાવાદના લોકોને મહેસૂસ થયું હશે કે, આ બધી બાબતોથી વ્યક્તિ પર કેટલી અસર કરે છે. આ બધું તણાવ આપે છે. મને કોરોના પોઝિટિવ આવ્યો તે સાંભળવું મારા માટે કઠિન હતું. હાલ મારી સ્થિતિ સ્થિર છે. જ્યારે હું ન્યૂ યોર્કથી લેન્ડ થઈ, હું મારી જાતે ક્વોરન્ટાઇન થઈ હતી. જેમ જેમ મારામાં લક્ષણ જોવા મળ્યા, મારા પિતાએ તુરંત અધિકારીઓને જાણ કરી હતી. હું જે લોકોના સંપર્કમાં આવી હતી તેમના વિશે પણ મેં જાણ કરી દેતા પગલાં લેવામાં આવ્યાં.  આવા નાજુક સમયે લોકો હવે સોશિયલ ડિસ્ટન્સિંગ અને આઇસોલેશનનું મહત્ત્વ જ સમજશે. આવા મુશ્કેલ સમયમાં મારી સાથે ઊભા રહેનારાનો આભાર માનું છું. (SVPમાં દાખલ વધુ એક યુવતી)

 

 

adv

Related News

post
post
post
post
post
post
post