• Home
  • News
  • રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ 30થી વધીને 70 ટકા થયો, હવે 9ની જગ્યાએ 32 દિવસે દર્દીઓ ડબલ થાય છે
post

કોરોનાનું સંક્રમણ ઘટાડવા મુખ્યમંત્રીના નિવાસસ્થાને દરરોજ કોર ગ્રૃપની બેઠક યોજાય છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-16 10:13:29

અમદાવાદ: રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ, તબીબી સ્ટાફ, નર્સિંગ તથા પેરામેડિકલ સ્ટાફ સહિતના કોરોના વૉરિયર્સના અથાગ પ્રયત્નો તથા નાગરિકોના સતત મળી રહેલા સહકાર ઉપરાંત સારી, ઝડપી અને સમયસર સારવાર તથા એક્ટિવ સર્વેલન્સના કારણે રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓનો રિકવરી રેટ (સાજા થવાનો દર) 30 ટકાથી વધીને 70 ટકા જયારે અઠવાડિક ડેથ રેટ (મૃત્યુ દર) 6.50 ટકાથી ઘટીને 1.50 ટકાએ પહોંચ્યો છે. તેવું નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું છે.

રાજ્યમાં ડબલિંગનો રેટ 32 દિવસ થયો
રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં આવેલી એક્સપર્ટ ગ્રૃપ ઓફ ડૉકટર્સની કમિટીએ આપેલા માર્ગદર્શન તેમજ આરોગ્ય વિભાગના સક્રિય પ્રયત્નોથી ડેથ રેટ ઉપરાંત ડબલિંગ રેટ ઉપર પણ ખૂબ જ નિયંત્રણ આવ્યું છે. રાજ્યમાં અગાઉ કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા જે 9 દિવસે બમણી થતી હતી તે હવે 32 દિવસે બમણી થાય છે. તેટલું જ નહીં કોરોના સંક્રમણ ઘટાડવા મુખ્યમંત્રીના નિવાસસ્થાને દરરોજ કોર ગ્રૃપની બેઠક યોજવામાં આવે છે. જેમાં સંબંધિત જિલ્લાઓની પરિસ્થિતિનો રિવ્યૂ કરી જરૂરી માર્ગદર્શન-આદેશો આપવામાં આવે છે. કોરોના સંક્રમણ ઉપર નિયંત્રણ લાવવા રાજ્યના તમામ જિલ્લાઓમાં એક-એક સિનિયર અધિકારીઓને વિશેષ જવાબદારી પણ સોંપવામાં આવી છે.

ખાનગી હોસ્પિટલમાં 50 ટકા સરકારી બેડ આરક્ષિત
કોરોનાના રોગચાળા દરમિયાન રાજ્યમાં તારીખ 14મી જુલાઈ 2020 સુધીમાં કુલ 43,723 કેસ પોઝિટીવ નોંધાયેલા છે. જેમાંથી 30,555થી વધુ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આમ, રિકવરી રેટ 70 ટકા થયો છે. રાજ્ય સરકાર દ્વારા કોરોનાના દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં પણ મફત સારવાર મળી રહે તે માટે રાજ્યની ખાનગી હોસ્પિટલોમાં 50 ટકા બેડ આરક્ષિત રાખવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવાયેલો છે. જેનો ખર્ચ રાજ્ય સરકાર ઉપાડે છે. આ સારવાર માટે રાજ્ય સરકારે પેકેજ તૈયાર કર્યું છે. ગુજરાત સરકારના આ નિર્મયને લઇને સુપ્રીમ કોર્ટે પણ અન્ય રાજ્યોને ગુજરાત મોડલ અનુસરવા સૂચન કર્યું હતું.

રાજ્યના 41 જિલ્લામાં ધન્વંતરી યોજનાનો અમલ
રાજ્યના તમામ નાગરિકોને ઘરઆંગણે તેઓના વિસ્તારમાં જ સારવાર મળી રહે તે માટે તમામ જિલ્લા/કોર્પોરેશનમાં ધન્વંતરી આરોગ્ય રથ શરૂ કરવામાં આવ્યા છે. જેમાં કોરોના ઉપરાંત અન્ય તમામ રોગોની જરૂરી સારવાર કરવામાં આવી રહી છે. ધન્વંતરી રથ અંગે વધુ માહિતી આપતા નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં 41 જિલ્લા/કોર્પોરેશનમાં કુલ 953 ધન્વંતરી આરોગ્ય રથ દ્વારા 3643 જેટલા વિસ્તારોમાં સેવા આપવામાં આવી રહી છે. રાજ્યમાં 925થી વધુ ધન્વંતરી રથ દ્વારા દરરોજ અંદાજે સવા લાખ જેટલાં નાગરિકોની ઘરે-ઘરે જઈને તપાસ કરવામાં આવે છે. જે દર્દીઓને વધુ સારવારની જરૂરીયાત જણાય તેમને હોસ્પિટલમાં રિફર કરી સર્વશ્રેષ્ઠ સારવાર આપવામાં આવી છે.

ડોર ટુ ડોર સર્વેલન્સ પણ કરવામાં આવે છે
આ પરિણામ સુધી પહોંચવા પાછળ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી સર્વેલન્સ કામગીરી ખૂબ જ અગત્યની સાબિત થઇ છે. ધન્વંતરી રથ સિવાય આરોગ્ય વિભાગની વિવિધ 4910 જેટલી ટીમો સર્વેલન્સ કામગીરી માટે હાલ કાર્યરત છે. આ ટીમમાં 2 આરોગ્ય કર્મી, 1 આશાવર્કર તથા ઉપલબ્ધિ હોય તો આયુષ ડૉક્ટરનો સમાવેશ કરવામાં આવે છે. આ ટીમ ડોર ટુ ડોર સર્વેલન્સ કરે છે. એટલું જ નહીં તેમને પલ્સ ઓક્સિમીટર પણ આપવામાં આવ્યું છે. જે દર્દીને ઓક્સિજન ઓછા પ્રમાણમાં મળતો હોય તેવું ધ્યાને આવે તો તાત્કાલિક તેમને હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે. 

દરેક રાજ્યમાં કોરોનાની હોસ્પિટલ બનાવી છે
રાજ્યમાં હાલના તબક્કે કુલ 3644 કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયેલા છે. આ કન્ટેનમેન્ટ ઝોનમાં નાગરિકોના અવરજવર ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકાયો છે. કોરોના સંક્રમણની સાંકળ તૂટે અને સંક્રમણ વધતું અટકે તે માટે કન્ટેનમેન્ટ ઝોન પર કડક નિયંત્રણ જરૂરી છે. જેને કારણે કન્ટેનમેન્ટ ઝોન વાળા વિસ્તારોમાં  લોકડાઉનની જેમ જ કડકાઇથી અમલવારી કરાવવામાં આવી રહી છે. સમગ્ર રાજ્યમાં સરકાર દ્વારા આગોતરી તૈયારીના ભાગ રૂપે 597 હોસ્પિટલ/કોવિડ કેર સેન્ટર ખાતે કુલ 42,051 આઈસોલેશન બેડ કોરોનાના દર્દીઓ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. સાથે સાથે કોવિડ-19 ડેઝિગ્નેટેડ હોસ્પિટલો ખાતે 3250 આઈ.સી.યુ. બેડ અને 2231 વેન્ટીલેટર ઉપલબ્ધ છે. રાજ્યનો એક પણ જિલ્લો આ સુવિધાથી બાકાત નથી.

 

adv

Related News

post
post
post
post
post
post
post