• Home
  • News
  • ભાવનગરની સરકારી હોસ્પિટલમાં કોરોના મૃતકનો મૃતદેહ 18 દિવસ પી.એમ. રૂમમાં પડી રહ્યો, તંત્ર અંતિમવિધિ કરવાનું જ ભૂલી ગયું!
post

ભાવનગરના એક આધેડને તા. 8મીએ હાર્ટનો પ્રોબ્લેમ થતાં સર ટી.માં દાખલ કરાયા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-28 11:44:03

ભાવનગરની સરકારી સર ટી. હોસ્પિટલની બેદરકારીને કારણે કોરોનાથી મૃત્યુ પામેલા એક યુવાનનો મૃતદેહ 18 દિવસ સુધી પોસ્ટમોર્ટમ રૂમમાં પડી રહ્યો હતો. હોસ્પિટલ તંત્ર એની અંતિમવિધિ કરવાનું જ ભૂલી ગયું હતું. 18 દિવસ બાદ આર.એસ.એસ. અને હિન્દુ જાગરણ મંચના કાર્યકરોએ આ મૃતદેહની અંતિમવિધિ કરી હતી. બનાવની કરૂણતા એ છે કે મૃતકના પરિવારના તેનાં માતા-પિતા વૃદ્ધાશ્રમમાં રહે છે, જ્યારે અન્ય કોઈ તેના પરિવારમાં નથી. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ, ભાવનગર ખાતે રહેતા તરલ મહેતા નામના યુવાનને 8 સપ્ટેમ્બરના રોજ હાર્ટનો પ્રોબ્લેમ થતાં તેમને ભાવનગર ખાતેની સર ટી.હોસ્પિટલમા દાખલ કર્યા હતા, જયાં તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવેલો અને ઓક્સિજન ઓછો થઈ જતાં 10 સપ્ટેમ્બરના રોજ વહેલી સવારે તેમનું મૃત્યુ થયું હતું. મૃતકના માતા-પિતા વૃદ્ધાશ્રમમા રહે છે અને મૃતકનાં માતા તૃપ્તિબેનને પણ કોરોના પોઝિટિવ આવેલો છે. જ્યારે પિતા પરિમલભાઈ 80 વરસના છે. જેથી તેમને મૃતક અંગેની જાણ કરવામાં આવી ન હતી. મૃતકના એક સગાને બોલાવી હોસ્પિટલના પટાવાળાએ જરૂરી ફોર્મમાં સહી કરાવી લીધી હતી. મૃતકના આ સંબંધીઓએ મૃતદેહની અંતિમવિધિ કરવા માટે હોસ્પિટલને જણાવ્યું હતું. હોસ્પિટલે મૃતદેહને કોરોના પોઝિટિવ માટેના સ્પેશિયલ પી.એમ. રૂમના 16 નંબરના ખાનામાં મૂકી દીધો. ત્યાંથી અંતિમવિધિ માટે મોકલવાને બદલે 18 દિવસ સુધી જેમની તેમ પી.એમ. રૂમમાં પડી રહ્યો હતો.

હોસ્પિટલમાં જ ફરજ બજાવતી એક નર્સ કે જે મૃતકના સગા થતા હતા તેને તરલભાઈનો મૃતદેહ પોસ્ટમોર્ટમ રૂમમાં પડ્યો હોવાની જાણ થતાં તેમણે હોસ્પિટલ તંત્રને જાણ કરેલી અને તંત્ર દ્વારા ગાંધીનગર ખાતે હોમગાર્ડ અધિકારી તરીકે ફરજ બજાવતા નાગર જ્ઞાતિના મોહનીસ વસાવડાને જાણ કરતાં તેમણે ભાવનગરમાં ખમીર મજમુદાર તથા મૃતકના કઝિન સાળા અભિજિતભાઈને જાણ કરતાં મૃતકનાં સગાં-સંબંધીઓ ચોંકી ઊઠ્યા હતાં. અને હોસ્પિટલ જઈ આવું કેમ બન્યું તેનો તંત્ર પાસે ખુલાસો માગ્યો હતો. અંતે 10 તારીખે મૃત્યુ પામેલ તરલભાઈની લાશ તા.27 ને રવિવારે 18 દિવસે આર.એસ.એસ. અને હિન્દુ જાગરણ મંચના કાર્યકરોએ મૃતદેહ સ્વીકારી તેની અંતિમવિધિ કરી હતી.

સર ટી.ની બેદરકારી
ભાવનગરના એક આધેડને તા. 8મીએ હાર્ટનો પ્રોબ્લેમ થતાં સર ટી.માં દાખલ કરાયા હતા અને ત્યાં કોરોના પોઝિટિવ આવ્યા બાદ તા.10મીએ મૃત્યુ પામ્યા હતા. તેમના મૃતદેહના તા.27મીએ અંતિમ સંસ્કાર કરાયા.

દિવસો સુધી લાશ પડી રહેતાં વાઇસ વધારે લોકોને સંક્રમિત કરી શકે છે
ભાવનગર સર ટી.હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ દર્દીના મૃત્યુ બાદ તેનો મૃતદેહ 18 દિવસ સુધી પી.એમ.રૂમમાં પડી રહ્યો પરિણામે, તેના વાઇરસ વધારે લોકોને સંક્રમિત કરી શકે છે.

તંત્રની પ્રક્રિયા ખૂબ ખામી ભરેલી છે, પટાવાળા કક્ષાની વ્યક્તિ જાણ કરે છે
કોરોનામાં મૃત્યુ પામેલાના અંતિમ દર્શન પણ તેના સ્વજનોને થતા નથી. પટાવાળા કક્ષાની વ્યકિત દ્વારા તેના સ્વજન મૃત્યુ પામ્યાની તેનાં સગાં- સંબંધીઓને જાણ કરાય છે. ફોર્મમાં સહી લેવામાં આવે છે. પરિણામે, લાશની ઓળખ કોઈ ચોક્કસ રીતે થતી નથી. આ પદ્ધતિ ખૂબ ખામી ભરેલી છે.

કરુણતા એ છે કે વૃદ્ધ માતા-પિતાને તેમનો દીકરો મૃત્યુ પામ્યાની જાણ પણ નથી
બનાવની કરૂણતા એ છે કે મૃતકના પિતા પરિમલભાઈ મહેતા અને માતા તૃપ્તિબેન મહેતા વૃદ્ધાશ્રમમાં રહે છે. બન્નેની ઉંમર 80 વર્ષ આસપાસની છે. અધૂરામા પૂરું મૃતકનાં માતાને પણ કોરોના પોઝિટિવ છે, જેથી તેમના એકના એક દીકરાના મૃત્યુ અંગેની જાણ કરાઈ નથી. અને તેમને કહેવાની કોઈની હિંમત પણ ચાલતી નથી.

આ અંગે મારા ધ્યાનમાં કશું આવ્યું નથી
કોરોના પોઝિટિવ દર્દીની 18 દિવસ સુધી ભાવનગર સર ટી.હોસ્પિટલમા પી.એમ.રૂમમાં લાશ પડી રહેવાની બાબત મારા ધ્યાનમા નથી.તપાસ કરીશું. - ડો.વિકાસ સિન્હા , સીએમઓ, સર ટી.હોસ્પિટલ, ભાવનગર

કોરોનાથી મોત પણ તંત્રના ચોપડે નથી !
તરલ મહેતાનું તા.10 સપ્ટેમ્બરે કોરોનાને કારણે મૃત્યુ થયું છે, પણ હોસ્પિટલ અને તંત્ર દ્વારા બનાવાતા સત્તાવાર મોતના આંકમાં તા.10-11માં કોઈ મૃત્યુ નથી. તા.12ના રોજ બે મહિલાનાં મોત થયાં છે. તો તરલનું કોરોનાના કારણે મૃત્યુ થયું હોય તો એ તંત્રએ કેમ દર્શાવ્યું નથી ?

 

adv

Related News

post
post
post
post
post
post
post