• Home
  • News
  • અમદાવાદીઓનાં બે રૂપ:કોઈને કોરોનાની ફિકર તો કોઈ બેફિકર, માત્ર કોવિડ સેન્ટરો પર જ ગાઇડલાઇન્સનું પાલન, બાકી કોરોનાથી આપણને કઈ ના થાય એવી અમુક લોકોની સ્થિતિ
post

નાસ્તાની લારીઓ-ચાની કીટલીઓ પર એકસાથે 10-10 લોકો ઊભા રહી માસ્ક-સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કરે છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-05 11:34:35

શહેરમાં કોરોનાની સ્થિતિ દિવસે દિવસે ખૂબ જ ગંભીર બની રહી છે. જોકે આપણે રસી વગર પણ કોરોનાને કાબૂમાં લાવી શકીએ છીએ, પરંતુ કેટલાક નઠોર લોકોને કારણે સંક્રમણ ઘટવાની જગ્યાએ સતત વધી રહ્યું છે. છેલ્લા 2 મહિનાથી શહેરમાં અમદાવાદીઓનાં બે રૂપ જોવા મળ્યાં છે, જેમા એકમાં જનતા કોરોના ગાઈડલાઈન્સનું પાલન કરતી જોવા મળી, ત્યારે બીજી બાજુ, બેફામ નાસ્તાની લારીઓ તેમજ ચાની કીટલીઓ પર એકસાથે 10-10 લોકો માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કરી ઊભા રહે છે. જો આ જ પ્રકારની સ્થિતિ રહી તો શું અમદાવાદમાં રસી આવ્યા બાદ પણ કોરોના કાબૂમાં આવશે?

નાસ્તાની લારીઓ-ચાની કીટલી પર એકસાથે 10-10ની ભીડ
કોરોના સંક્રમણ અટકાવવા તંત્ર-સરકાર દ્વારા સતત માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા માટે અપીલો કરવામાં આવી રહી છે. તેમ છતાં કેટલાક લોકોમાં અપીલની કોઈ અસર જોવા મળતી નથી. આ પ્રકારના લોકો નિયમનો ભંગ કરી પોતાને તેમજ પોતાના પરિવારને પણ કોરોના સંક્રમણ દિશા તરફ લઈ જઈ રહ્યા છે. શહેરમાં અનેક વિસ્તારોમાં મફત કોવિડ ટેસ્ટ સેન્ટરો ખોલવામાં આવ્યાં છે, જ્યાં તમામ લોકો ફરજિયાત માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે લાઈનમાં ઊભા રહીને કોવિડ ટેસ્ટ કરાવતા હોય છે, પરંતુ બીજી તરફ, કેટલાક લોકો જાહેરમાં બાઈક ચલાવતા, નાસ્તાની લારીઓ પર, ચાની કીટલીઓ પર તેમજ અન્ય સ્થળો પર ભીડ કરી એકઠા થાય છે. પોલીસની ગાડીઓ ચેકિંગ પર આવતાંની સાથે જ લોકોને ગાઈડલાઈન્સનું પાલન કરવાનું યાદ આવે છે.

શું ગાઇડલાઇન્સનું પાલન કરાવવામાં પોલીસ અસફળ?
ત્યારે કેટલાક વિસ્તારોમાં પણ પોલીસ દ્વારા પણ કડક કાર્યવાહી ન થવાનાં દશ્યો જોવા મળ્યાં છે. સોશિયલ મીડિયામાં ઘણા વિડિયો પણ વાઈરલ થયા છે, જ્યાં પોલીસ સ્ટેશનની આસપાસ જ લોકો નિયમનો ભંગ કરતા હોય છે છતાં કોઈ કાર્યવાહી થતી નથી. સંક્રમણ અટકાવવા માટે હાલમાં શહેરના ભદ્ર માર્કેટ સહિતના ભીડભાડવાળા વિસ્તારો બંધ કરવામાં આવ્યા છે, પરંતુ અન્ય વિસ્તારોનું શું? જો ત્યાં પણ સમયસર ચેકિંગ હાથ ધરવામાં આવે તો લોકોને ગાઈડલાઈન્સનું યોગ્ય રીતે પાલન ન કરાવી શકાય? હાલમાં શહેરના એવો કોઇ વિસ્તાર બાકી નથી, જ્યાં કોરોનાના 10થી ઓછા કેસ હશે. તેમ છતાં લોકો બેફામ ફરી રહ્યા છે અને જો પકડાય તો અલગ-અલગ બહાનાં બતાવીને છૂટવાનો પ્રયાસ કરતા હોય છે.

કોરોના સૌથી વધુ વૃદ્ધો માટે જોખમી છતાં સતત બેદરકારી કેમ?
શહેરના સિંધુભવન, કાલુપુર માર્કેટ, કુબેરનગર, વસ્ત્રાપુર સહિતના વિસ્તારોમાં ફૂડ ઝોન તેમજ ખરીદી કરવા માટે લોકો ઊમટી પડે છે. હવે તો સ્થિતિ એવી છે કે કરિયાણાની દુકાનો, દવાની દુકાનો તેમજ દૂધની ડેરી પર પણ લોકો માસ્ક તેમજ ડિસ્ટન્સિંગનો ભંગ કરતા નજરે ચઢે છે, જેમાં નાનાં બાળકોથી લઈને મોટી ઉંમરના લોકો પણ સામેલ છે. ત્યારે અત્યારસુધીમાં કોરોનાનું સૌથી વધુ જોખમ નાનાં બાળકો તેમજ વૃદ્ધોમાં જ જોવા મળ્યું છે. તેમ છતાં આ પ્રકારની બેદરકારી રાખવી જોખમી બની શકે છે.

adv

Related News

post
post
post
post
post
post
post