• Home
  • News
  • ગુજરાતમાં કોરોના વાઈરસથી પહેલું મોત, પોઝિટિવ કેસ વધીને 18 થયા
post

તમામ બોર્ડર સીલ, ગાંધીનગર અને કચ્છ પણ હવે લૉકડાઉન, જરૂરિયાતની વસ્તુ મળશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-23 10:03:33

ગાંધીનગરઃ રવિવાર ગુજરાત માટે ઘાતક પુરવાર થયો હતો. કોરોનાના કેસ વધવાની સાથે રાજ્યનું સૌ પ્રથમ મોત સુરતમાં નોંધાયું હતું. 69 વર્ષીય એક વૃદ્ધનું સુરતની મહાવીર હોસ્પિટલમાં કોરોનાથી અવસાન થયું છે. રવિવારે વધુ ચાર નવા કેસ મળ્યા હતા જેમાં બે અમદાવાદ અને બે ગાંધીનગરના હતા. સૌથી વધુ કેસ 10 અમદાવાદ અને ગાંધીનગરમાં છે. આ સાથે જ રાજ્ય સરકારે ગુજરાતને મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મ.પ્ર.ને જોડતી બોર્ડરને સીલ માર્યું છે. કચ્છ અને ગાંધીનગરમાં પણ હવે લૉકડાઉન જાહેર કરાયું છે. બીજીબાજુ જનતા કર્ફ્યૂને લઇને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લોકોનો આભાર માન્યો છે. જનતા કર્ફ્યૂ પળાઇ રહ્યો હતો તે દરમિયાન સૂરતમાંથી એક ખરાબ સમાચાર આવ્યાં છે, જેમાં સારવાર હેઠળ રહેલાં કોરોનાના એક દર્દીનું મોત નિપજ્યું છે. 69 વર્ષીય આ પુરુષ દર્દી વિદેશ ગયો ન હતો પરંતુ દિલ્હીથી જયપુર, અમદાવાદ થઇને સુરત પરત ફરેલા આ હીરાના વેપારીને ઘરે આવ્યાં બાદ ચેપની અસર જણાતાં તે સારવાર હેઠળ હતો.

વિદેશથી ગુજરાતમાં નો એન્ટ્રી
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના જણાવ્યાં અનુસાર આ દર્દીની ઉંમર વધુ હતી તથા તેને કીડની સહિતની અન્ય બિમારીઓ પણ હતી તેથી તેની સ્થિતિ વધુ લથડી હતી. આ ઉપરાંત વડોદરામાં પણ એક આધેડ મહિલા અલગ-અલગ તકલીફોને કારણે મૃત્યુ પામી છે પરંતુ તેના કોરોના વાઈરસનો ટેસ્ટ રીઝલ્ટની રાહ જોવાઇ રહી છે.
આ તરફ અમદાવાદમાં પત્રકારો સાથે વાત કરતાં નાયબ મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે ગુજરાતમાં આજે કોરોનાના કુલ કેસની સંખ્યા 18 પર પહોંચી છે જેમાં અમદાવાદમાં 7, ગાંધીનગર-3, કચ્છ-1, વડોદરા-3, રાજકોટ-1 અને સુરતમાં 3 કેસ નોંધાયા છે. રાજ્ય સરકાર વિચારી રહી છે કે આ 18 પોઝિટિવ કેસના નામ જાહેર કરવામાં આવે જેથી કરીને આ લોકોના સંપર્કમાં આવેલાં લોકો પોતે અટકાવના પગલાં લઇ શકે અને સાવચેત બની શકે. 18 પૈકીના 11 લોકો વિદેશથી આવેલાં છે, જો કે હવે વિદેશથી અન્ય લોકો ગુજરાતમાં આવી શકશે નહીં.

273 સેમ્પલ લેબોરેટરીમાં મોકલાયા
શનિવારે નોંધાયેલાં 14 કેસમાં રવિવારે અન્ય ચાર કેસનો ઉમેરો થયો છે જેમાં ગાંધીનગરના શનિવારે પોઝિટીવ જણાયેલાં બિલ્ડરના પરિવારના બે લોકો તથા અમદાવાદના બે અન્ય દર્દીનો સમાવેશ થાય છે. ગુજરાતમાંથી કુલ 273 સેમ્પલ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. જેમાં 18 કેસ પોઝિટિવ આવ્યા છે જ્યારે 253 નેગેટિવ ટેસ્ટ આવ્યા છે. તેમજ બેના રિપોર્ટ આવવાના બાકી છે. જ્યારે 6000 લોકોને હજુ સુધી કોઇ લક્ષણ જણાયા નથી. 

લોકડાઉનનો વ્યાપ વધ્યો
આ તરફ ગુજરાત સરકારે સ્થિતિની સમીક્ષા કરી એક નિર્ણય લીધો છે જેમાં ચાર મહાનગરો ઉપરાંત કચ્છ અને ગાંધીનગરમાં પણ પચીસ માર્ચ સુધી લોકડાઉન જાહેર કરાયું છે. અગાઉ જ્યાં ટ્રાન્સપોર્ટ સેવાને લોકડાઉનની અસરથી બાકાત રખાઇ હતી ત્યાં રવિવારે નિર્ણય લેવાયો છે કે રાજ્યની તમામ પ્રકારની ટ્રાન્સપોર્ટ સેવાઓ પણ પચીસ માર્ચ સુધી લોકડાઉનની અસરમાં જ રહેશે અને ચાલશે નહીં. માત્ર જરૂરી વસ્તુઓની હેરાફેરી કરતાં વાહનો, ખાનગી વાહનો અને સરકારી વાહનોને મુક્તિ અપાઇ છે. આ ઉપરાંત ગાંધીનગર સચિવાલયમાં કામ કરતાં કર્મચારીઓને આવવા-જવા ઉપયોગમાં લેવાતી એસટી બસો ચાલું રહેશે. એક એવી શક્યતા રહેલી છે કે આ લોકડાઉનને લંબાવી 31 માર્ચ સુધી લઇ જવામાં આવે, પરંતુ હજુ આ અંગે કોઇ સત્તાવાર જાહેરાત કરાઇ નથી. આ સાથે સરકારે રાજ્યની તમામ બોર્ડર સીલ કરીને રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાંથી આવતાં વાહનો પર પ્રતિબંધ મૂક્યો છે.

સરકાર રાજ્યસભાની ચૂંટણી ટાળવા અપીલ કરશે
ગુજરાત સરકાર 26 માર્ચે યોજાનારી રાજ્યસભાની ચાર બેઠકો માટેની ચૂંટણી હાલ મોકૂફ રાખવા ચૂંટણી પંચને અપીલ કરશે. આ અંગે વાત કરતાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે હાલની સ્થિતિને જોતાં આ માટે રાજ્યસરકાર લેખિતમાં કેન્દ્રીય ચૂંટણી પંચને અરજ કરશે. આ સાથે સોમવારે જ વિધાનસભામાં સત્રને ટૂંકાવવા માટેની પ્રક્રિયા પણ થઇ શકે છે.

8 મોટા નિર્ણય
ચેપગ્રસ્ત અને શંકાસ્પદો માટે

·         બધા દર્દીઓના નામ હવે જાહેર થશે જેથી નાગરિકોને ખબર પડે કે જે સંપર્કમાં આવ્યા હોય તેઓ ટેસ્ટ માટે આવે.

·         હવે જે નવા શંકાસ્પદ દર્દી આવશે તેમને ઘરે જવા નહીં દેવાય, નવા શંકાસ્પદોને હોમ ક્વોરન્ટાઈનના બદલે સરકારી ક્વોરન્ટાઈનમાં રખાશે

·         જ્યમાં 6092 દર્દીઓ ક્વોરન્ટાઈનમાં, જે નાગરિક પ્રોટોકોલનો ભંગ કરશે તેને સીધા હોસ્પિટલમાં ભેગા કરાશે

·         ક્વોરન્ટાઈનમાં રહેલા દર્દીઓને અધિકારીઓ સ્વસ્થ જાહેર ન કરે ત્યાં સુધી તેમણે બહાર ન નીકળવું, નહીં તો તેમની વિરુદ્ધ FIR થશે.

લોકો ચેપગ્રસ્ત ન બને તે માટે

·         રાજ્યની તમામ બોર્ડર (મ.પ્ર., રાજસ્થાન અને મહારાષ્ટ્ર) સીલ કરાઈ, પ્રાઈવેટ કાર પણ જઈ નહીં શકે.

·         ચાર મોટા શહેરો પછી હવે ગાંધીનગર-કચ્છ પણ લૉકડાઉન કરાયું, આ શહેરોમાં જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓની દુકાન ખુલ્લી રહેશે.

·         અમદાવાદમાં જનતા કર્ફ્યૂ દરમિયાન દવાનો છંટકાવ, હવે અન્ય મોટા શહેરોમાં પણ આવા છંટકાવની તૈયારી

·         રાજ્યસભાની ચૂંટણી ટાળવા સરકાર ચૂંટણીપંચને અપીલ કરશે, સંપૂર્ણ રાજ્યમાં 25મીથી વધારી 31મી સુધી લૉકડાઉન થઈ શકે.

અમદાવાદની એક ફાર્મા કંપનીમાં કોરોનાની દવાનું રિસર્ચ થઈ રહ્યું છે
ગુજરાતની એક અગ્રણી ફાર્માસ્યુટિકલ કંપનીના રિસર્ચનું કામ ચાલી રહ્યું છે અને તેમાં કોરોના સામે ક્લોરોક્વીન અને એઝિથ્રોમાઇસીન દવા સારું પરિણામ આપી શકે તેવી શક્યતા છે. આ અંગે વાત કરતાં આરોગ્ય સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે હાલ આ અંગે ચાલી રહેલાં પરીક્ષણોમાં જો સફળતા મળે તો ખૂબ સારાં પરિણામો મળશે. જો કે હજુ આ અંગે કોઇ સંપૂર્ણ સચોટ માહિતી પ્રાપ્ત થઇ નથી.

ધો. 3થી 9 તેમજ 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાશે, આજે નિર્ણય
દિનેશ જોષી, ગાંધીનગરઃ કોરાના વાયરસના કેસ રાજયમાં દિનપ્રતિદિન વધી રહ્યા છે. ગુજરાત સરકાર કોરોના સાથે પરીક્ષાની ચિંતામાં આશરે 70 લાખ બાળકોને મુકવા માગતી નથી. આથી ધો. 3થી 8 અને ધો. 9, 11ના વિદ્યાર્થીઓને સરકાર માસ પ્રમોશન એટલે કે પરીક્ષા લીધા વિના જ આગળના વર્ષમાં પ્રમોશન આપવા જઇ રહીં છે. આ બાબતે સોમવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં મળનારી બેઠકમાં નિર્ણય લેવાશે.

ડોક્ટરો સ્વસ્થ હોવાની સૂચના ન આપી ત્યાં સુધી ક્વોરેન્ટાઈન બહાર નીકળવું નહીં
સરકારી કે ઘરમાં ક્વોરોન્ટાઇનમાં હોય તેઓએ ઓછામાં ઓછા 14 દિવસ રહેવું અને જ્યાં સુધી ડોક્ટરો સ્વસ્થની સૂચના ન આપી ત્યાં સુધી બહાર નીકળવું નહીં. હાલ લોકો ઘરમાં ક્વોરેન્ટાઇનમાં રહે છે. આ લોકોને ઘર બહાર ન નીકળવા સૂચના આપી છે. ગાંધીનગરમાં લોકો 2 સરકારી ક્વોરેન્ટાઇનમાં છે. શરૂઆતમાં એરપોર્ટ પર ગુજરાતમાં આવેલા હતા, તેઓને ક્વોરેન્ટાઇનમાં રહેવા માટે કહ્યું હતું. જેમાંથી 93 લોકોએ ક્વોરેન્ટાઇનનો ભંગ કર્યો હતો. જેથી તેઓને ફરીથી ક્વોરેન્ટાઇનમાં મુકવામાં આવ્યા છે. હવે જે પણ ક્વોરેન્ટાઇનમાં 14 દિવસ રહીને સર્ટિફિકેટ વગર બહાર નીકળશે તો તેમની સામે પોલીસ ફરિયાદ કરી જેલમાં મોકલવામાં આવશે. આ લોકોને ફરજીયાત 14 દિવસ સરકારી ક્વોરેન્ટાઇનમાં રાખીશું. સરકારી ક્વોરોન્ટાઇનમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.
ક્વોરેન્ટાઈનનો સહેજ પણ નિયમ ભંગ થશે તો જેલમાં જવું પડશે.

જીવન સ્થગિત થઈ ગયું છે અને આવનારું જીવન ભયમુક્ત બનશેઃ નીતિન પટેલ
રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે, આજે જનતા કરફયુને દેશે આવકાર્યો છે અને દેશમાં તમામ કામગીરી બંધ છે. દુકાનો, બજારો, અવરજવર,વાહનવ્યવહાર બંધ છે. કોરોના વાયરસની ચેઇન તોડવા ઘરમાં રહી અને બહાર જવાનું ટાળી સહયોગ આપ્યો છે. રાજ્યની જનતાનો કરફ્યુ માટે આભાર માનું છું. આજે દેશ થંભી ગયો છે, જીવન સ્થગિત થઈ ગયું છે અને આવનારું જીવન ભયમુક્ત બનશે.

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post