• Home
  • News
  • કોરોના વાઇરસ મ્યુટેશનને લીધે નબળો પડતાં અમદાવાદમાં પોઝિટિવ કેસનો દર 35%થી ઘટી 2.5% થયો, છતાં હજુ માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ જરૂરી
post

એકમાંથી બીજાને ચેપ ફેલાય ત્યાં સુધીમાં વાઇરસની ઘાતકતા નબળી પડે છે, જેથી મૃત્યુદર ઘટ્યો: નિષ્ણાતો

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-26 10:09:18

કોરોના વાઇરસમાં મ્યુટેશન એટલે કે બદલાવને કારણે વાઇરસ નબળો પડતાં માર્ચથી મે કરતાં ઓગસ્ટમાં કેસ અને મૃત્યુદર ઘટ્યા હોવાનો નિષ્ણાતોએ મત વ્યક્ત કર્યો છે. તેમના જણાવ્યા મુજબ, કોરાના વાઇરસ એકમાંથી બીજા અને બીજામાંથી ત્રીજા સુધી પહોંચે ત્યાં સુધીમાં તેની ઘાતકતા નબળી પડી જાય છે. શહેરમાં કોરોનાના પોઝિટિવ કેસોનો દર 35 ટકાથી ઘટીને સીધો 2.5 ટકા થઈ ગયો છે.

છેલ્લાં એક મહિનાથી અમદાવાદમાં કોરોનાના પોઝિટિવ કેસો તો ઘટ્યાં જ છે, સાથે સાથે કોરોનાને લીધે દર્દીની હાલત ગંભીર થતાં વેન્ટિલેટર પર રાખવાનું પ્રમાણ પણ ઘટ્યું છે અને આ સાથે મૃત્યુદરમાં પણ ઘટાડો થયો છે.

આ સ્થિતિ માટે કોરોના વાઇરસ નબળો પડવાની સાથે તેમાં બદલાવ થયો હોવાનું નિષ્ણાત માની રહ્યા છે. જોકે તેઓ એવી પણ સલાહ આપી રહ્યા છે કે,આગામી છ મહિના સુધી સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે માસ્કને જીવનશૈલીમાં વણી લેવા પડશે. અમદાવાદ સહિત રાજ્યભરમાં કોરોનાના પોઝિટિવ કેસો અને મૃત્યુદરમાં ઘટાડો થયો છે, જેની પાછળ કોરોનાના વાઇરસમાં મ્યુટેશનની સાથે કોરોના વાઇરસ 1થી 5માં સ્ટેજ સુધી પહોંચતાં નબળો પડ્યો છે.

હાલની સ્થિતિમાં કોરોનાના ગંભીર કેસોની સંખ્યા ઘટી
રાજ્યની કોવિડ કોર કમિટીના સભ્ય ડો. અતુલ પટેલે કહ્યુ- કોરોનાના વાઇરસના મ્યુટેશન કે વાઇરસ નબળા પડવાના કોઈ સાયન્ટિફિક ડેટા નથી, પણ વાઇરસ એકમાંથી બીજી અને ત્રીજી વ્યક્તિને સંક્રમણ લાગે ત્યારે વાઇરસની ઘાતકતા નબળી થાય છે. આથી હાલની સ્થિતિમાં કોરોનાના કોમ્પિલકેટેડ કેસ ઘટ્યા છે તેમ જ મોટે ભાગે લોકો હોમ આઇસોલેશન બાદ સ્વસ્થ થઈ રહ્યા છે. જ્યારે કોરોનાના કેસ વધ્યા ત્યારે લોકોને એકાએક શ્વાસોશ્વાસમાં તકલીફને લીધે આઈસીયુમાં દાખલ કરવા પડતા હતા. જોકે હવે લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્કને લોકોએ જીવનશૈલીમાં વણી લેવું પડશે.

ટેસ્ટિંગ વધતાં દર્દીમાં કોમ્પ્લિકેશનનું પ્રમાણ ઘટ્યું
રાજ્યની કોવિડ કોર કમિટીના સભ્ય ડો. તેજસ પટેલે કહ્યુ- કોરોનાના ટેસ્ટિંગનું પ્રમાણ વધતાં અર્લી સ્ટેજમાં દર્દીને નિદાન થાય છે, જેથી ઝડપથી સારવાર શરૂ થાય છે. આમ કોરોનાનું સંક્રમણ વધી જાય તે પહેલાં દર્દીની સારવાર થતી હોવાથી દર્દીમાં કોમ્પ્લિકેશન થવાનું પ્રમાણ ઘટી રહ્યું છે. વાઇરસનું બીજું, ત્રીજું, ચોથું અને પાંચમુ મ્યુટેશન જેમ જેમ થાય તેમ વાઇરસ નબળો પડ્યો છે. આમ ટેસ્ટિંગ વધવાથી ઝડપથી નિદાન-સારવાર અને વાઇરસના મ્યુટેશનથી કેસો અને મૃત્યુદરમાં ઘટાડો થયો છે. જોકે તેમ છતાં ઓછામાં ઓછા છ મહિના સુધી સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું અને માસ્ક પહેરવો જરૂરી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post