• Home
  • News
  • આરોપીની ધરપકડ કરી જજ સમક્ષ રજુ કરતા પહેલા કોરોના ટેસ્ટ કરાવવો પડશે, સેન્ટ્રલ જેલમાં નવા કેદીઓનો પણ ટેસ્ટ થશે
post

આરોપીનો કોરોના ટેસ્ટનો રિપોર્ટ ન આવે ત્યાં સુધી પોલીસની દેખરેખ હેઠળ તેને ક્વોરન્ટાઈન રાખવાનો રહેશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-27 12:02:22

અમદાવાદ: કોરોના વાઇરસનો ફેલાવો શહેરના તમામ વિસ્તારમાં થઈ ગયો છે. પોલીસ સ્ટેશનમાં ગુનામાં ધરપકડ કરીને લાવતા આરોપીનો પણ હવે કોરોના ટેસ્ટનો રિપોર્ટ કરાવવામાં આવશે. પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ એક પરિપત્ર કરી આરોપીને કોર્ટમાં રજૂ કરતા પહેલા તેનો કોરોના ટેસ્ટ અને તેની પ્રકિયા કરવા સૂચના આપી છે. આરોપીને પોલીસ સ્ટેશનમાં જામીન આપી ન શકાય અને કોર્ટમાં જજ સમક્ષ રજુ કરવાનો હોય તો તેનો કોરોના પોઝિટિવનો ટેસ્ટ કરાવવાનો રહેશે. કાયદેસરની ધરપકડ કરતાં પહેલા મેડીકલ ઓફિસરને જાણ કરી તેના પરિવારને પણ જાણ કરવાની રહેશે. 

જ્યાં સુધી આરોપીનો કોરોના ટેસ્ટનો રિપોર્ટ ન આવે ત્યાં સુધી પોલીસની દેખરેખ હેઠળ તેને ક્વોરન્ટાઈન રાખવાનો રહેશે. આરોપીનો કોરોના ટેસ્ટ કરાવવાની પ્રકિયા કરી છે અને તેના રિપોર્ટ આવ્યા બાદ તેની કાયદેસરની ધરપકડ કરવામાં આવશે તેવો કોર્ટમાં રિપોર્ટ કરવાનો રહેશે. પોઝિટિવ રિપોર્ટ આવે તો તાત્કાલિક હોસ્પિટલમાં મોકલી આપવાનો રહેશે. નેગેટિવ આવે તો ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવાનો રહેશે. આરોપીઓને જ્યારે જ્યુડિશિયલ કસ્ટડીમાં જેલમાં મોકલવામાં આવે ત્યારે આરોપી કોરોના પોઝિટિવ નથી તેવી ખાતરી કર્યા બાદ જ જેલમાં મોકલવાનો રહેશે. સાબરમતી સેન્ટ્રલ જેલમાં નવા આવતા કેદીઓનો કોરોના ટેસ્ટ કરાવવા સૂચના આપવામાં આવી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post