• Home
  • News
  • પ્રજ્ઞેશ પટેલે મોઢાના કેન્સરની સારવાર માટે માગેલા જામીન કોર્ટે નામંજૂર કર્યા, સારવાર માટે 10 દિવસ ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ લઈ જવાશે
post

પ્રગ્નેશ પટેલની જામીન અરજી પર 19 ઓગસ્ટે મૃતકોના પરિવારજનોએ વાંધા અરજી દાખલ કરી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2023-08-21 18:32:38

અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં 9 લોકોના મોત થયા હતા. એ સમયે અકસ્માત કરનાર 20 વર્ષીય તથ્ય પટેલના પિતા પ્રગ્નેશ પટેલ ઘટનાસ્થળે આવ્યા હતા. લોકોને ધમકાવીને અને રિવોલ્વર કાઢવાની ધમકી આપીને આરોપી તથ્યને ત્યાંથી હોસ્પિટલ લઈ ગયા હતા. લોકોને ધમકાવવાના ગુના માટે પ્રગ્નેશ પટેલની પોલીસે ધરપકડ કરી હતી. પ્રગ્નેશે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં મોઢાના કેન્સરની સારવાર માટે જામીન અરજી દાખલ કરી હતી. જેને કોર્ટે ફગાવી દિધી હતી. અત્યારે પ્રગ્નેશ પટેલ જ્યુડિશિયલ કસ્ટડીમાં અમદાવાદ જેલમાં બંધ છે. ત્યારે આજે કોર્ટે પ્રગ્નેશ પટેલની મેડિકલ ગ્રાઉન્ડ ઉપર ફાઈલ કરેલ વચગાળાની જામીન અરજી પણ ફગાવી દીધી છે. સરકારી વકીલ પ્રવીણ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, પ્રગ્નેશ પટેલને કોર્ટના હુકમ મુજબ જેલ ઓથોરિટી દ્વારા સારવાર માટે ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અસારવા ખાતે 10 દિવસ લઈ જવાશે. જેનો રિપોર્ટ કોર્ટને આપવાનો રહેશે.

હવે હાઇકોર્ટમાં પ્રગ્નેશ પટેલ દ્વારા મેડિકલ ગ્રાઉન્ડ ઉપર જ જામીન અરજી કરવાની શક્યતા છે. જ્યારે તથ્ય પટેલની જામીન અરજી પર આજે સરકારે એફિડેવિટ ફાઈલ કરી છે. જોકે, મૃતકોનાં પરિવારજનોએ કોર્ટમાં તથ્યને જામીન આપવા માટે વાંધો ઉઠાવ્યો છે. જોકે, તથ્યની જામીન અરજી પર હવે આવતીકાલે સુનાવણી થશે.

કયા આધારે જામીન અરજી ફાઈલ કરાઇ હતી વચગાળાની જામીન અરજીમાં પ્રગ્નેશ પટેલના વકીલ નિસાર વૈદ્યએ કહ્યું હતું કે, પ્રગ્નેશ પટેલને મોઢાનું કેન્સર છે. તેને મુંબઈની ટાટા હોસ્પિટલમાં સારવાર અર્થે જવાનું રહે છે. જેના આધાર પર આ જામીન અરજી ફાઈલ કરાઈ છે. ઉલ્લેખનીય છે કે, પ્રગ્નેશ પટેલે પર ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં પોલીસે IPCની કલમ 279, 337, 338, 304, 308, 504, 506(2) અને ઝડપથી ગાડી ચલાવવા બદલ મોટર વ્હિકલ એક્ટ 177, 184 તેમજ 34 (બી) અંતર્ગત ફરિયાદ દાખલ કરી છે.

પ્રગ્નેશને 2019થી મોઢાના કેન્સરની બીમારી
વચગાળાની જામીન અરજી પર પ્રગ્નેશ પટેલના વકીલ નિસાર વૈદ્યએ કોર્ટમાં રજુઆત કરી હતી કે, પ્રગ્નેશ પટેલને 2019થી મોઢાના કેન્સરની બીમારી છે. મુંબઈની હોસ્પિટલની એપોઇન્ટમેન્ટ સ્લીપ ઇ-મેઇલથી મળી છે. અગાઉના ઇલાજને લગતા કાગળો પણ છે. તેની રેગ્યુલર ટ્રિટમેન્ટ ચાલુ છે. કોર્ટ તેની તપાસ કરી શકે છે. તેને કેન્સર જેવી ગંભીર બીમારી છે. જો તેનો ઈલાજ છૂટી જશે તો આ બીમારી બીજા સ્ટેજમાં પહોંચે તેવી શક્યતા છે. આખા ભારતમાં મુંબઈની ટાટા હોસ્પિટલમાં જ ટાંકા લીધા વગર સારવાર થાય છે. સારવારના પૈસા પણ ભર્યા છે.

2019થી સારવાર ચાલુ છે
અગાઉ જ્યારે અન્ય કેસમાં પ્રગ્નેશ પટેલ જેલમાં હતા, ત્યારે પેરોલ મળતા સારવાર કરાવી હતી. આ વર્ષ 2021-22ની વાત છે. તેમની 2019થી સારવાર ચાલુ છે. પ્રગ્નેશ પટેલના વકીલે કોર્ટને બે હાથ જોડીને સારવાર માટે શરતો સાથે વચગાળાની જામીન આપવા વિનંતી કરી હતી. સાથે જ જણાવ્યું હતું કે તેમની 23 ઓગસ્ટે અપોઇમેન્ટ છે.

સારવાર કરાવી કે નહીં તે જાહેર થતું નથી
સરકારી વકીલ પ્રવીણ ત્રિવેદીએ રજુઆત કરી હતી કે, 4 નવેમ્બર 2019 પછી આરોપીએ કોઈ સારવાર લીધી નથી. જે પેપર્સ કોર્ટ સમક્ષ રજૂ કરાયા છે તે 2019 સુધીના જ છે, તે પણ રસીદો જ છે. જેમાં આરોપીએ સારવાર કરાવી કે નહીં તે જાહેર થતું નથી. અહીં પણ સારવાર ઉપલબ્ધ છે, એ પછી વાત આવે કે તેમને મુંબઈ સારવાર કરાવવા જવું કે નહીં. પહેલી રેગ્યુલર જામીન અરજીમાં કે બનાવ બન્યો ત્યારથી આજ સુધી પ્રગ્નેશ પટેલે કેન્સરનો ઉલ્લેખ કર્યો નથી.

19 ઓગસ્ટે મૃતકોના પરિવારોએ વાંધા અરજી કરી
ઉપરાંત પ્રગ્નેશ પટેલની જામીન અરજી પર 19 ઓગસ્ટે મૃતકોના પરિવારજનોએ વાંધા અરજી દાખલ કરી હતી. પ્રગ્નેશ પટેલની જામીન અરજી સામે મૃતક રોનક, અક્ષર અને કૃણાલના પરિવારજને એડવોકેટ દર્શન વેગડ મારફતે વાંધા અરજી દાખલ કરી હતી. જેમાં જણાવ્યું હતું કે, પ્રગ્નેશ પટેલ ઘટનાસ્થળે લોકો સાથે ઝઘડ્યા હતા અને મુખ્ય આરોપી એવા પુત્રને ઘટનાસ્થળેથી ભગાડી ગયા હતા. ઘાયલ લોકોને હોસ્પિટલ લઈ જવાની માનવતા દાખવી નહોતી. પ્રગ્નેશ પટેલ સુખી સંપન્ન પરિવારના છે. જેથી પરિવારના ભરણપોષણનો પ્રશ્ન ઉદભવતો નથી. પ્રગ્નેશ પટેલે અગાઉ ગેરકાયદેસર કામગીરી કરીને ઘણી સંપત્તિ એકઠી કરી છે.

સરકારી હોસ્પિટલમાં સારવાર કરાવી શકાય
પ્રગ્નેશ પટેલ પર અગાઉ ઘણા કેસ દાખલ છે. જો તેને જામીન મળે તો તે નાસી જાય. સાક્ષીઓને દબાવવા, ધમકાવવા અને ફોડવા જેવા કામ કરી શકે છે. પ્રગ્નેશ પટેલનો કેન્સરનો દાવો છે તો તેની સારવાર જેલ ઓથોરિટી દ્વારા સરકારી હોસ્પિટલમાં કરાવી શકાય છે. આરોપીએ ધરપકડ વખતે, ત્યારબાદ અને રેગ્યુલર જામીન અરજી વખતે પોતાને કેન્સર છે તેવું જણાવ્યું નથી. આરોપીએ માત્ર જેલની બહાર આવવા કેન્સરનું બહાનું આગળ ધર્યું છે. દરેક જામીન અરજીમાં બીમારીનું કોમન ગ્રાઉન્ડ જ હોય છે. આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે તેની રાજકીય લાગવગ પણ છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post