• Home
  • News
  • ક્રિકેટરની દરિયાદિલી:11 વર્ષીય વરદને બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ માટે 35 લાખની જરૂર હતી, ક્રિકેટર કેએલ રાહુલે 31 લાખની મદદ કરતાં સર્જરી થઈ શકી
post

દીકરાની સારવાર માટે પૈસા ભેગા કરવા માતા-પિતાએ ક્રાઉડ ફંડિંગ શરૂ કર્યું હતું

Written By newsonline | Ahmedabad | Published: 2022-02-23 10:43:56

મુંબઈ: ટીમ ઈન્ડિયાના ઓપનર લોકેશ રાહુલે એક પ્રશંસનીય કામ કર્યું છે. રાહુલે એક દુર્લભ બીમારીથી પીડાતા વરદ નલવાડે નામના 11 વર્ષીય બાળકની મદદ કરી છે. વરદનાં માતા-પિતા સચિન નલવાડે અને સ્વપ્ના ઝાએ દીકરાના બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ માટે જરૂરી 35 લાખની રકમ મેળવવા માટે ક્રાઉડ ફંડિંગ અભિયાન શરૂ કર્યું હતું. ક્રિકેટર લોકેશ રાહુલને વરદની સ્થિતિ અંગે માહિતી મળતાં તેણે સારવાર માટે જરૂરી 35 લાખમાંથી 31 લાખની મદદ કરી હતી.

ગત વર્ષ સપ્ટેમ્બરથી પાંચમા ધોરણમાં ભણતો વરદ મુંબઈની જસલોક હોસ્પિટલમાં હેમેટોલોજિસ્ટની દેખરેખ હેઠળ હતો, કારણ કે વરદને એપ્લાસ્ટિક એનિમિયા નામની દુર્લભ બીમારી હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. વરદના લોહીમાં પ્લેટલેટ્સનું સ્તર ઘણું ઓછું હતું, એને કારણે સામાન્ય તાવમાંથી પણ બહાર આવતાં વરદને ઘણા દિવસો લાગી જતા. વરદની સારવાર માટે મદદ કરનાર લોકેશ રાહુલે કહ્યું હતું કે મને વરદની સ્થિતિ અંગે માહિતી મળી તો મારી ટીમે ગીવઈન્ડિયા એનજીઓનો સંપર્ક કર્યો, જેથી અમે વરદની શક્ય એટલી મદદ કરી શકીએ. મને આનંદ છે કે વરદની સર્જરી સફળ રહી. મને આશા છે કે વરદ હવે પોતાના સ્વપ્નને પૂર્ણ કરશે.

વરદની માતા સ્વપ્નાએ કહ્યું હતું કે વરદની સર્જરી માટે આટલી મોટી રકમ થકી મદદ કરવા બદલ અમે લોકેશ રાહુલના આભારી છીએ. આટલા ઓછા સમયમાં બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ કરવું અશક્ય હતું. અમે રાહુલનો આભાર માનીએ છીએ.

વરદની સર્જરી સફળ રહેવાનો આનંદ છે, હવે તે ક્રિકેટર બનવાનું સ્વપ્ન પૂર્ણ કરી શકશેઃ રાહુલ
મધ્યવર્ગીય પરિવાર પાસે 11 વર્ષીય વરદની સારવાર માટે પૂરતા પૈસા નહોતા. પિતા સચિન નલવાડેએ દીકરા વરદના ક્રિકેટર બનવાના સ્વપ્નને પૂર્ણ કરવા માટે પોતાના પીએફની સંપૂર્ણ રકમ તેની સારવાર પાછળ ખર્ચી નાખી. તેમણે પોતાના દીકરાને 11મા જન્મદિવસે એક ફેન્સી ક્રિકેટ બેટ પણ આપ્યું હતું, જેથી તેના ક્રિકેટર બનવાની આશા જીવંત રહે.