• Home
  • News
  • વિદ્યાર્થિનીઓને પ્રેમજાળમાં ફસાવી યૌન શોષણ કરનારો લંપટ શિક્ષક ધવલ ત્રિવેદી બે વર્ષે ઝડપાયો, દિલ્હી ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ
post

ધવલ જે યુવતીને ચોટીલાથી ભગાડી ગયો હતો તે ગત જૂન માસમાં ઘરે પરત ફરી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-14 10:20:38

સગીરાઓના યૌન શોષણનો આરોપી લંપટ શિક્ષક દોષિત ધવલ ત્રિવેદી ઝડપાઈ ગયો છે. ધવલ ત્રિવેદીની દિલ્હી ક્રાઈમ બ્રાન્ચની આંતરરાજ્ય સેલે હિમાચલ પ્રદેશણાંથી ધરપકડ કરી છે. તેના પર રૂપિયા પાંચ લાખનું ઈનામ હતું. ધવલ ત્રિવેદી બે વર્ષ પહેલા ચોટીલાની સગીરાને લઈને નાસી છૂટ્યો હતો.

છેલ્લે ચોટીલાની સગીરાને લઈ નાસી છૂટ્યો હતો
2018ના ઓગસ્ટમાં લંપટ શિક્ષક ધવલ ત્રિવેદી ચોટીલાની યુવતીને ભગાડી ગયો હતો. જો કે આ યુવતી જૂનમાં તેના માતાપિતાના ઘરે પરત આવી હતી. જેના પગલે ચોટીલા પોલીસ અને સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI)એ યુવતીની પૂછપરછ કરી હતી. CBIએ ધવલ યુવતીને ક્યાં- ક્યાં લઈ ગયો હતો તે અંગે ઝીણવટપૂર્વકની માહિતી એકઠી કરી હતી. ધવલ ત્રિવેદીને 2018માં પડધરીમાંથી ધોરણ 11માં અભ્યાસ કરતી બે સગીરાઓને ભગાડી જઈને દુષ્કર્મ કરવાના આરોપસર આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. ત્યાર બાદ ઓગસ્ટ 2018માં ધવલ ત્રિવેદી પેરોલ પર જેલ બહાર આવ્યો અને ચોટીલાની સગીરાને લઈ નાસી છૂટ્યો હતો.

હિમાચલમાં શિખ નામ અને વેશ ધારણ કરી રહેતો હતો
હાલ સૂત્રો પાસેથી જાણવા મળ્યા પ્રમાણે એક સપ્તાહ પહેલા જ દિલ્હી પોલીસને ધવલ અંગે જાણકારી મળી હતી. દિલ્હી પોલીસના અધિકારીઓએ CBIના અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી ઓપરેશન ધવલને અંજામ આપવાનો નિર્ણય કર્યો હતો. દિલ્હી પોલીસને જણકારી મળી હતી કે, ધવલ હિમાચલ પ્રદેશમાં છે અને એક ટાઈલ્સ બનાવતી ફેક્ટરીમાં વોચમેન તરીકે નોકરી કરે છે. ત્યાં તેણે પોતાનો વેશ બદલી નાખ્યો હતો. તેણે શિખ વેશ અને શિખ નામ પણ ધારણ કરી લીધું હતું. આ માહિતીને આધારે શનિવારે દિલ્હી પોલીસની એક ટીમ હિમાચલ પ્રદેશ પહોંચી હતી. ત્યારે તેને ત્યાંથી ઝડપી લેવામાં આવ્યો હતો. આગામી એક બે દિવસમાં દિલ્હી પોલીસ ધવલ ત્રિવેદીનો કબજો સોંપવા ગાંધીનગર CBI ઓફીસ આવશે તેવું જાણવા મળ્યું છે.

સારી ચાલ ચલગત રાખી જેલમાંથી બહાર આવી પોત પ્રકાશ્યું
ધવલ ત્રિવેદીને ગત વર્ષે પડધરીમાંથી ધોરણ 11માં અભ્યાસ કરતી બે સગીરાઓને ભગાડી જઈને દુષ્કર્મ કરવાના આરોપસર આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. ત્યાર બાદ ઓગસ્ટ 2018માં ધવલ ત્રિવેદી પેરોલ પર જેલ બહાર આવ્યો અને ચોટીલા ટ્યૂશન ક્લાસીસમાં જોડાયો હતો. ત્યાં એક વેપારીની 18 વર્ષીય દીકરીને મોહજાળમાં ફસાવીને 11 ઓગસ્ટે ધવલ હરિચંદ્ર ત્રિવેદી નાસી છૂટ્યો હતો. જે હવે ઝડપાઈ ગયો છે.

હાઈકોર્ટે સગીરાના પિતાની હેબિયસ કોર્પસ અરજીને આધારે CBIને કેસ સોંપ્યો હતો
એક વર્ષ પહેલા હાઈકોર્ટે ત્રિવેદીને મેનિયાક ગણાવી CBIને આદેશ કર્યો હતો કે, ધવલ ત્રિવેદીને તાત્કાલિક ઝડપી લઈ સગીરાને કોઈપણ ભોગે બચાવો. આ કેસ CBIને ટ્રાન્સફર કરવા દરમિયાન જસ્ટિસ જે.બી.પારડીવાલા અને જસ્ટિસ એ.સી.રાવે કહ્યું હતું કે, CBI માટે આ એક ખૂબ પડકારજનક કામ છે પરંતુ CBI આ પ્રકારના પડકારો ઝીલવા માટે જાણીતી છે. કોર્ટને CBI પાસે આશા છે કે, CBI અપેક્ષાઓ પર ખરી ઉતરશે. ઉલ્લેખનીય છે કે, હાઈકોર્ટે સગીરાના પિતાની હેબિયસ કોર્પસ અરજીને આધારે આ કેસ ગુજરાત પોલીસ પાસેથી લઈને સીબીઆઈને ટ્રાન્સફર કર્યો હતો.

ચોટીલામાં ધર્મેન્દ્ર દવે બનીને શિકાર શોધવા લાગ્યો
આજીવન કારાવાસની સજાના હુકમના 4 મહિના પછી ધવલે પેરોલ પર છૂટવા અરજી કરી. જેલમાં સારી ચાલ-ચલગતના કારણે તેના પેરોલ મંજૂર કરવામાં આવ્યા. ત્યારે પોલીસને ખબર ન હતી કે ધવલ 9મો શિકાર કરવા બહાર નીકળ્યો હતો. જેલમાંથી બહાર નીકળીને ધવલ ચોટીલા ગયો હતો. ચોટીલામાં ધર્મેન્દ્ર દવે તરીકે ઓળખ આપીને 2 દિવસમાં જ એક ક્લાસિસ સંચાલકને વાકચાતુર્યથી વિશ્વાસમાં લઈ લીધો. વિદ્યાર્થિઓને સરકારી નોકરી મળી જાય એ માટે પોતે કમ્પિટિટિવ પરીક્ષાના ક્લાસિસ શરૂ કરવા માગતો હોવાની ઈચ્છા વ્યક્ત કરીને ક્લાસિસ સંચાલકને મનાવી લીધા. ચાર દિવસમાં 8-10 વિદ્યાર્થિનીએ ક્લાસ જોઈન્ટ કરી લીધા.

જેલમાં હાજર થવાના આગલા દિવસે સગીરાને ભગાડી ગયો
આ એક જ સપ્તાહમાં 56 વર્ષના ધવલે 18 વર્ષીય વિદ્યાર્થિનીને પ્રેમજાળમાં ફસાવી લીધી. 12 ઓગસ્ટે જેલમાં પરત હાજર થવાના આગલા જ દિવસે ધવલ એ યુવતીને લઈને રફુચક્કર થઈ ગયો. યુવતીના પિતાએ ચોટીલા પોલીસમાં પુત્રીના અપહરણની ફરિયાદ નોંધાવી ત્યાં સુધી પોલીસને ખબર ન હતી કે યુવતીને ધવલ ત્રિવેદી ભગાડીને લઈ ગયો છે. પોલીસે CCTVચેક કરતા ધવલની વધુ એક કરતૂત સામે આવી. યુવતીને લઈને ભાગેલો ધવલ અમદાવાદ પહોંચ્યો હતો અને જેલમાં સંપર્કમાં આવેલા ભાવનગરના શંકર નામના પરિચિત મારફતે અમદાવાદ આંગડિયામાં 10 હજાર રૂપિયા મંગાવ્યા હતા. પોલીસે આંગડિયાના ફૂટેજ મેળવી ધવલની શોધખોળ શરૂ કરી હતી.

વડોદરાનો ધવલ 9 જેટલી વિદ્યાર્થિનીઓને ફસાવી ચૂક્યો છે
મૂળ વડોદરાના ધવલ ત્રિવેદીએ અત્યાર સુધીમાં સુરત, આણંદ અને રાજકોટમાં 9 જેટલી વિદ્યાર્થિનીઓને ફસાવીને જિંદગી બરબાદ કરી નાખ્યાની વિગત તપાસ દરમિયાન બહાર આવી હતી.

પહેલી પત્નીનું અવસાન, બીજી સાથે ડિવોર્સ
ધવલે ઉચ્ચ અભ્યાસ પછી 2003માં મુંબઈની એક યુવતી સાથે લગ્ન કર્યા હતા. જો કે લગ્નજીવનના માત્ર 6 મહિના પછી પત્નીનું અવસાન થયું હતું. મુંબઈથી વડોદરા આવેલા ધવલે એમ.એસ. યુનિવર્સિટીની એક પંજાબી યુવતીને પોતાની જાળમાં ફસાવી હતી. પોતે પણ પંજાબી હોવાનું કહી યુવતી સાથે લગ્ન કર્યા હતા.ત્યાર પછી તેણે અન્ય એક યુવતીને ફસાવીને આણંદમાં આર્યસમાજ વિધિથી લગ્ન કર્યા હતા. જો કે આ કેસમાં યુવતીના પિતાએ કાનૂની કાર્યવાહી કરીને પુત્રીના છૂટાછેડા લેવડાવી લીધી હતા. 2010માં ધવલ સુરત પહોંચ્યો. સુરતમાં પણ 2 સ્વરૂપવાન યુવતીને ફસાવવામાં સફળ થયો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post