• Home
  • News
  • કોંગ્રેસના માથે ફરી તોડોના વાઇરસનું સંકટ, ત્રણ MLAની રૂપાણી, નીતિન પટેલ સાથે મુલાકાત
post

નેતાઓનું મૌન પણ નીતિન પટેલ ઑપરેશન પાર પાડે એવી શક્યતા

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-04 08:35:28

ગાંધીનગર: ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીની તારીખો જાહેર થઇ છે ત્યાં ફરી કોંગ્રેસના માથે ફરી તોડોના વાઇરસનું સંકટ ઘેરાઈ રહ્યું છે. બુધવારે કેબિનેટની બેઠક બાદ ગુજરાતના ત્રણ કોંગ્રેસી ધારાસભ્યો લલિત વસોયા, લલિત કગથરા અને કિરીટ પટેલ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને મળ્યા હતા. આ સાથે જ આ ત્રણેય ધારાસભ્યો ભાજપમાં ભળી જાય તેવી ગણતરી મુકાઇ રહી છે. 

ત્રીજા ઉમેદવારને જીતવા મત ખૂટે છે
આ અંગે આ ત્રણેય ધારાસભ્યો અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ મુદ્દે કહ્યું કે આ મુલાકાત ખૂબ ઔપચારિક હતી અને અમુક કામને લઇને તેઓ મળ્યા હતા, પરંતુ રાજ્યસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત થતાં જ તેઓ ગાંધીનગરમાં ભાજપ સરકારના આ બન્ને મુખ્ય નેતાઓને મળતાં રાજકીય ગણતરીઓના તર્ક તેજ થઇ ગયા છે. ભાજપના સૂત્રો જણાવે છે કે આવા ઓપરેશન પાર પાડવામાં નીતિન પટેલ ખૂબ પાવરધા છે. તેઓ તેમની કુનેહથી ઘણાં કોંગ્રેસી ધારાસભ્યોને ભાજપમાં ખેંચી લાવ્યા છે. વળી ભાજપના રાજ્યસભાના ત્રીજા ઉમેદવાર નરહરિ અમીનને જીતવા માટે મત ખૂટે છે ત્યારે તેમની સાથેની મિત્રતાને પગલે પટેલ અમીનને આ રીતે મદદ કરી શકે છે. ચૂંટણી પહેલા ત્રણેક કોંગ્રેસી ધારાસભ્ય ભાજપમાં જોડાય તો નવાઇ નહીં, જો ભાજપમાં ન જોડાય તો પણ કોંગ્રેસમાંથી રાજીનામું પણ આપી શકે છે.

અમે કોંગ્રેસમાં જ રહીશું: કિરીટ પટેલ
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ અંગે કહ્યું કે કોંગ્રેસના ધારાસભ્યો તેમની રજૂઆત લઇને જ આવ્યા હતા અને યોગાનુયોગ તેમની સાથે ઔપચારીક મુલાકાત થઇ હતી. આમાં રાજકીય કોઇ બાબત નથી. આ મુદ્દે પાટણના કોંગ્રેસી ધારાસભ્ય કિરીટ પટેલે વાત કરતાં કહ્યું કે તેઓ માત્ર મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કરવા આવ્યા હતા કારણ કે ગુજરાત સરકારે બી એડ કોલેજોને ટીચર્સ એજ્યુકેશન યુનિવર્સિટી હેઠળ લેવાનો નિર્ણય કર્યો અને એક રજૂઆત હતી કે ખાનગી બીએડ કોલેજોને પણ આમાં સમાવિષ્ટ કરવી જોઇએ. બાકી કોઇ રાજકીય ઇરાદો ન હતો અને અમે કોંગ્રેસમાં જ રહીશું. જ્યારે ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાએ કહ્યું કે તેઓના વિસ્તારના કેટલાંક લોકોના ક્વોરન્ટાઇન ભંગને કારણે લાગેલી 188ની કલમમાંથી મુક્તિ આપવામાં આવે તેવી રજૂઆત કરવા આવ્યા હતા, બાકી બીજો કોઇ રાજકીય ઉદ્દેશ્ય નથી. અમે ચીમનભાઇ પટેલને અંજલિ આપવા માટે ગાંધીનગર આવ્યા હતા અને ત્યારબાદ અહીં આવ્યા હતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post