• Home
  • News
  • પ્રિયંકાના ઘરમાં ઘુસણખોરી કરનારી કારને CRPF અને દિલ્હી પોલીસે રાહુલ ગાંધીની ગાડી સમજી
post

પ્રિયંકા ગાંધી વાડ્રાની સુરક્ષામાં તૈનાત એજન્સીઓને ઘુસણખોરી કરનારી ગાડી ઓળખવામાં ગફલત થઇ હતી

Written By newsonline | Ahmedabad | Published: 2019-12-04 10:59:46

નવી દિલ્હી: પ્રિયંકા ગાંધી વાડ્રાની સુરક્ષામાં તૈનાત એજન્સીઓને ઘુસણખોરી કરનારી ગાડી ઓળખવામાં ગફલત થઇ હતી. CRPF અને દિલ્હી પોલીસે ઘુસણખોરી કરવા વાળી ગાડીને રાહુલ ગાંધીની કાર સમજી લીધી હતી. જોકે દિલ્હી પોલીસ અને CRPFએ આ મુદ્દે મૌન સેવ્યું છે પરંતુ સૂત્રોએ કહ્યું- ગાડી એટલા માટે કોઇ અડચણ વિના અંદર પહોંચી ગઇ કારણ કે સુરક્ષા કર્મચારીઓએ તેને રાહુલ ગાંધીની ગાડી સમજી લીધી હતી.

આ મુદ્દે રાજકીય ગરમાવો આવ્યો છે તો બીજી તરફ CRPF અને દિલ્હી પોલીસ આ ઘટના માટે એકબીજાને જવાબદાર ઠેરવી રહ્યા છે. CRPF સૂત્રો પ્રમાણે દિલ્હી પોલીસે ગાડીને અંદર આવવાની મંજૂરી આફી કારણ કે તે વિસ્તારની સુરક્ષા માટે તેઓ જવાબદાર છે. બીજી તરફ દિલ્હી પોલીસના વરિષ્ઠ અધિકારીઓનો દાવો છે કે સુરક્ષા માટે CRPF જવાબદાર છે કારણ કે તેમની ટીમની મંજૂરી બાદ જ વાહન અંદર આવ્યું હતું. પોલીસે એ પણ દાવો કર્યો કે અંદર તૈનાત CRPFના સ્ટાફે કારથી બહાર નિકળ્યા પછી પણ તે લોકોની તપાસ કરી ન હતી.

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાની કચેરીએ સોમવારે CRPF પાસે આ ઘટનાની ફરિયાદ દાખલ કરી હતી. ફરિયાદમાં કહેવામાં આવ્યું કે ગત અઠવાડિયે(નવેમ્બરમાં) અમુક અજ્ઞાત લોકોએ તેમની મંજૂરી વિના ઘરમાં પ્રવેશ કર્યો હતો. આ લોકોએ પ્રિયંકા ગાંધી સાથે સેલ્ફી લેવાની માંગણી કરી હતી.

સંસદમાં ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- આ મામલે ત્રણ લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બીજી તરફ CRPF ઘટનાની તપાસ કરી રહી છે. સુરક્ષામાં ખામીના મુદ્દે તેમણે કહ્યું- સુરક્ષા કર્મચારીઓને સૂચના મળી હતી કે પ્રિયંકા ગાંધીના ઘરે રાહુલ ગાંધી આવવાના છે. તેઓ પણ કાળા રંગની સફારીમાં સવાર હતા. આ એક સંયોગ હતો કે બન્ને કાર એક જ રંગની હતી, તેથી આ ઘટના થઇ. તેમ છતા તપાસના આદેશ આપી દેવાયા છે. શાહે જણાવ્યું- એક જ સમયે કાળા રંગની ટાટા સફારી ત્યાં પહોંચી તેથી સુરક્ષા કર્મચારીઓએ તેને રોકી નહીં. ગાડી કોઇ પણ પ્રકારની રોક વગર ઘરમાં પ્રવેશ કરી ગઇ.

કેન્દ્ર સરકારે તાજેતરમાં જ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, તેમના પુત્ર રાહુલ ગાંધી અને પુત્રી પ્રિયંકા ગાંધી વાડ્રાને મળતા એસપીજી કવરને પાછું લઇ લીધું છે. ત્રણેય કોંગ્રેસના નેતાઓના સુરક્ષા કવરની સમીક્ષા બાદ ગૃહ મંત્રાલયે આ નિર્ણય લીધો. સરકારે તેમને ઝએડ પ્લસ સુરક્ષા દેવાનો નિર્ણય કર્યો છે જે અંતર્ગત હવે CRPFના જવાન ગાંધી પરિવારના સભ્યોની સુરક્ષા કરે છે.