• Home
  • News
  • CWG 2022: વેઈટલિફ્ટિંગમાં હરજીંદર કોરે જીત્યો બ્રોન્ઝ મેડલ, ભારતના નામે કુલ 10 મેડલ
post

મહિલા વેઈટલિફ્ટિંગમાં મીરાબાઈ ચાનૂએ ગોલ્ડ, બિંદિયારાની દેવીએ સિલ્વર અને હરજીંદર કોરે બ્રોન્ઝ મેડલ જીત્યો છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-08-02 19:08:25

બર્મિંઘમ: બર્મિંઘમ કોમનવેલ્થ ગેમ્સમાં વેઈટલિફ્ટર હરજીંદર કોરે 71 કિગ્રા વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. તેમણે કુલ 212 કિલોગ્રામ વજન ઉઠાવીને દેશને નવમો મેડલ અપાવ્યો હતો. હરજીંદરે ફાઈનલ મુકાબલામાં સ્નેચ રાઉન્ડમાં 93 કિલોગ્રામ અને ક્લીન એન્ડ જર્કમાં 119 કિલોગ્રામ વજન ઉઠાવ્યો છે. ઈંગ્લેન્ડની સારાહ ડેવિસે કુલ 229 કિલોગ્રામ વજન ઉઠાવીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. બીજી તરફ કેનેડાની એલેક્સિસ એશવર્થે 214 કિલોગ્રામ વજન ઉઠાવીને સિલ્વર મેડલ પોતાના નામે કર્યો હતો. જ્યારે મંગળવારે ભારતની મહિલા ટીમે લોન બોલ્સમાં ગોલ્ડ મેડલ જીતીને સિદ્ધિ મેળવી.

વેઈટલિફ્ટિંગમાં ભારતને અત્યાર સુધીમાં 7 મેડલ મળ્યા

તે ભારતનો ચોથા દિવસે ત્રીજો મેડલ હતો. આ અગાઉ સોમવારે ભારતે જૂડોમાં બે મેડલ પ્રાપ્ત કર્યા હતા. સુશીલા દેવીએ સિલ્વર મેડલ અને વિજય યાદવે બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો. ભારતને કુલ 10 મેડલમાંથી 7 મેડલ વેઈટલિફ્ટિંગમાં મળ્યા છે. મહિલા વેઈટલિફ્ટિંગમાં મીરાબાઈ ચાનૂએ ગોલ્ડ, બિંદિયારાની દેવીએ સિલ્વર અને હરજીંદર કોરે  બ્રોન્ઝ મેડલ જીત્યો છે. બીજી તરફ પુરુષોમાં વેઈટલિફ્ટિંગમાં અચિંતા શેઉલી અને જેરેમી લાલરિનુંગાએ ગોલ્ડ, સંકેત સરગરે સિલ્વર અને ગુરૂરાજા પૂજારીએ બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો છે. 

હરજીંદરનું પ્રદર્શન

સ્નેચ: હરજીંદરે પ્રથમ પ્રયત્નમાં 90 કિગ્રા વજન માટે પોતાનું નામ આપ્યું હતું. તે આ વજન નહોતી ઉઠાવી શકી. બીજા પ્રયત્નમાં 90 અને ત્રીજામાં 93 કિગ્રા વજન ઉઠાવ્યું હતું. 93 કિગ્રા તેનું પર્સનલ બેસ્ટ પણ છે. આમ, સ્નેચ રાઉન્ડમાં તેનો સ્કોર 93 કિગ્રા રહ્યો હતો. 

ક્લીન એન્ડ જર્ક: આ રાઉન્ડમાં હરજીંદરના ત્રણેય પ્રયત્નો સફળ રહ્યા હતા. તેણે પ્રથમ પ્રયત્નમાં 113 કિગ્રા, બીજા પ્રયત્નમાં 116 કિગ્રા અને ત્રીજા પ્રયત્નમાં 119 કિગ્રા વજન ઉઠાવ્યું હતું. આ રીતે ક્લીન એન્ડ જર્ક રાઉન્ડમાં તેનો સ્કોર 119 કિગ્રા રહ્યો હતો.