• Home
  • News
  • અમદાવાદના વેપારીનું ડુપ્લિકેટ સીમકાર્ડ કઢાવી 21 ટ્રાન્ઝેક્શન કરી 1.37 કરોડ ઉપાડી લીધા
post

સેટેલાઇટના વૃદ્ધનું ખોટા દસ્તાવેજોથી ગઠિયાએ સીમકાર્ડ કઢાવી લીધું

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-04 11:27:09

અમદાવાદ: સેટેલાઈટમાં રહેતા અને નરોડામાં કેમિકલ ફેક્ટરી ધરાવતા સિનિયર સિટીઝનનાં બેંકના ખાતામાંથી ગઠિયાએ ઓનલાઇન 1.37 કરોડ ઉપાડી લેતા સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ છે. ગઠિયાએ પહેલાં ડુપ્લિકેટ સીમકાર્ડ કઢાવ્યું અને તેમાંથી બેંકની તમામ ડિટેઇલ મેળવી લીધી હતી. ત્યારબાદ ઓનલાઇન ટ્રાન્ઝેક્શન કર્યા હતા. નવું સીમકાર્ડ હોવાથી તમામ ઓટીપી તેને મળી જતાં અલગ અલગ જગ્યાએથી પૈસા ઉપાડી લીધા હતા.
ટ્રાન્ઝેક્શનના તમામ OTP નવા સીમમાં જતાં વૃદ્ધને પૈસા ઉપડ્યાની જાણ ન થઈ
આ અંગેની વિગત એવી છે કે, શહેરના ડ્રાઈવ-ઈન રોડ પર સનરાઈઝ પાર્કમાં રહેતા અને નરોડામાં ભાગીદારીમાં કેમિકલ ફેક્ટરી ધરાવતા દ્વારકાપ્રસાદ બજાજ (ઉં.વ.74) છેલ્લાં 30 વર્ષથી બેંક ઓફ બરોડા નરોડા જીઆઈડીસી બ્રાંચમાં કેશ ક્રેડિટ એકાઉન્ટ ધરાવે છે. જેમાં તેમના વોડાફોનના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર મારફતે તેઓ નેટબેંકિંગનો ઉપયોગ કરતા હતા અને ફેક્ટરીના કામ અંગે બેંકમાં રોજિંદી નાણાંકીય લેવડદેવડ કરતા હતા.

એરપોર્ટ પર નેટવર્ક નહીં આવતું હોવાનું માની દ્વારકાપ્રસાદે ખાસ ધ્યાન આપ્યું નહતું
દરમિયાન ગઈ 28 ફેબ્રુઆરીના રોજ તેઓ તેમનાં પત્ની સાથે જયપુર જઈ રહ્યા હતા. ત્યારે એરપોર્ટ પર પહોંચતા તેમના પુત્રનો ફોન તેમની પત્ની પર આવ્યો હતો, જેમાં પુત્રે પિતાનો ફોન લાગતો નહીં હોવાનું કહ્યું હતું. એરપોર્ટ પર નેટવર્ક નહીં આવતું હોવાનું માની દ્વારકાપ્રસાદે ખાસ ધ્યાન આપ્યું નહતું.
દરમિયાન તેઓ જયપુરથી પરત આવ્યા બાદ સોમવારે તેમના પુત્રે તેમને જાણ કરી હતી કે આપણી કંપનીના બેંક એકાઉન્ટમાંથી કુલ રૂ. 1.37 કરોડ ઉપાડી લેવાયા છે. આ અંગે દ્વારકાપ્રસાદ અને તેમના ભાગીદાર કરશનભાઈ પટેલે બેંક ઓફ બરોડાની શાખામાં જઈ બેંક એકાઉન્ટ સીઝ કરાવ્યા હતા.
આ ઘટના બાદ તેમણે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, ગઠિયાએ નવું સીમકાર્ડ બનાવડાવ્યું હોવાથી તેમનો ફોન બંધ થઈ ગયો હતો. તેઓ અમદાવાદથી જયપુર ગયા તે સમયગાળામાં જ ગઠિયાએ ઓનલાઇન પૈસા ઉપાડી લીધા. ગઠિયાએ નવું સીમકાર્ડ મેળવી લીધું હોવાથી તેમને ઓટીપી નંબર પણ મળતો નહોતો. આ અંગે દ્વારકાપ્રસાદે સાઈબર ક્રાઈમમાં ઠગાઈની ફરિયાદ નોંધાવી છે.
કંપનીના સ્ટોરમાં જતાં ભાંડો ફૂટ્યો
પૈસા ઉપડી ગયા હોવા છતાં તેમને એકપણ મેસેજ ન મળતા તેમને શંકા ગઈ હતી. આથી બેંક એકાઉન્ટ સીઝ કરાવ્યા બાદ દ્વારકાપ્રસાદ તેમના ભાગીદાર સાથે પોતાનો મોબાઇલ બંધ થવા અંગે સ્ટેડિયમ છ રસ્તા પાસે આવેલા વોડોફોન સ્ટોરમાં તપાસ કરવા ગયા હતા. તપાસ કરતા તેમને જાણ થઈ હતી કે ગઈ 28 ફેબ્રુઆરીએ પાલડી કોઠાવાલા ફ્લેટની સામે વોડોફોન સ્ટોરમાં કોઈ અજાણી વ્યક્તિએ તેમના નામના ખોટાં ડોક્યુમેન્ટ રજૂ કરી દ્વારકાપ્રસાદના નંબરવાળુ સીમકાર્ડ ખરીદ્યું હતું, જેમાં બેંકમાંથી પૈસા ઉપાડવા માટે ઓટીપી આવતા હતા. આમ અજાણી વ્યક્તિએ સીમકાર્ડ લઈ બેંક એકાઉન્ટોના યૂઝર આઈડી અને પાસવર્ડ મેળવી ઈન્ટરનેટ બેંકિંગ વડે દિલ્હી કોલકતા વગેરે શહેરની જુદીજુદી બેંકોમાં 21 ટ્રાન્ઝેક્શનો કરી કુલ રૂ. 1,37,10,025.96 ઉપાડી લઈ છેતરપિંડી કરી હતી.

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post