• Home
  • News
  • પોલીસ સ્ટેશનમાં સાયબર સ્ક્વોડ અને આયુર્વેદિક ગાર્ડન:સિઘુ ભવન પર ડ્રગ્સ વોચ રાખવા ગુજરાતની સૌ પ્રથમ ડ્રોન સ્કવોર્ડ બોડકદેવથી ઓપરેટ થશે
post

બોડકદેવ પોલીસ સ્ટેશનના પ્રવેશ વખતે જ ત્યાં પહેલા ફૂટ પ્લેસ અને ત્યારબાદ નાના નાના બે ગાર્ડન છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-01-31 19:26:15

અમદાવાદ: અમદાવાદ શહેરના સિંધુ ભવન વિસ્તારમાં એક નવું પોલીસ સ્ટેશન બન્યું છે. તેનું લોકાર્પણ આજરોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. સિંધુ ભવન વિસ્તારમાં અમદાવાદીઓ મોડી રાત સુધી ફરતા હોય છે અને ત્યાં રાતના સમયે પણ ભીડ રહેતી હોય છે. ત્યારે આ વિસ્તારમાં પોલીસ સ્ટેશનની સાથે સાથે ટેકનોલોજી પણ સર્વેલેન્સ કરાશે એટલે કે નવો ડ્રોન સ્કોડ અહીં તૈયાર કરવામાં આવ્યો છે. તે આખા સિંધુ ભવન વિસ્તારમાં ડ્રોન સર્વેલન્સ કરશે અને તેના ફૂટેજ પોલીસ સ્ટેશન સુધી પહોંચાડશે. આ પગલાંથી આ વિસ્તારમાં થતી ડ્રગ્સની પ્રવૃત્તિ પણ નાબૂદ થઈ શકશે. શહેરના ઝોન 7માં સમાવિષ્ટ નવનિર્મિત બોડકદેવ પોલીસ મથક સમગ્ર અમદાવાદ શહેરનું 67મું પોલીસ મથક છે.

કડકડાટ અંગ્રેજી બોલતા PIની પસંદગી
સિંધુ ભવન વિસ્તાર અમદાવાદ પોશ વિસ્તારમાંનો એક છે અને અહીં કહેવાતી હાઈફાઈ પબ્લિક રહે છે. અહીં ફરવા આવનાર લોકો અતિ પોષ વિસ્તારના લોકો હોય છે અને અંગ્રેજી બોલતા હોય છે. તેને જોતા નવા પોલીસ સ્ટેશનમાં પણ પોલીસ ઇન્સ્પેક્ટર એવા રાખવામાં આવ્યા છે કે, જેઓ અંગ્રેજી બોલતા હોય. બોડકદેવ પોલીસ સ્ટેશનના પહેલા પોલીસ ઇન્સ્પેક્ટર અભિષેક દવન છે. જે ખૂબ જ સારું અંગ્રેજી બોલી શકે છે. પોતે અલગ અલગ જગ્યાએ કામ કર્યું હોવાથી તેમને પબ્લિક ડિલીંગમાં અનુભવ છે.

 

યુવાનોથી જીવંત રહેતો સિંધુ ભવન રોડ
અમદાવાદ શહેરમાં યુવાનોએ ભાગ્યે જ સિંધુભવન રોડ જોયા નહીં હોય, કારણ કે દરેકને આ રોડ પર આવીને પોતાના મિત્રો સાથે હરવું ફરવું હોય છે. પોતાના મિત્રો સાથે સલામત રીતે હેન્ગ આઉટ કરવું હોય છે. એક નવી જગ્યાએ આવીને ખાણીપીણીની મજા માણવી હોય છે. ત્યારે આ વિસ્તારની સુરક્ષા પણ એટલી જરૂરી બની છે. તેથી જ અહીં નવું પોલીસ સ્ટેશન બનાવવામાં આવ્યું છે. અમદાવાદ શહેરના ઝોન 7માં સમાવિષ્ટ નવનિર્મિત બોડકદેવ પોલીસ મથક સમગ્ર શહેરનું 67મું પોલીસ મથક છે. નવું પોલીસ સ્ટેશન મુખ્ય માર્ગ પર બાગબાન પાર્ટી પ્લોટ પાસે બનાવવામાં આવ્યું છે.

ગુજરાતના કોઈ પોલીસ સ્ટેશનમાં સુવિધા ના હોય તેવી સુવિધા
પીસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર તરલ ભટ્ટ અને અન્ય લોકોની મહેનત બાદ બોડકદેવ પોલીસ સ્ટેશનને નવું ગ્રુપ આપવામાં આવ્યું છે. બહારથી દેખાતું સામાન્ય પોલીસ સ્ટેશન તમામ વ્યવસ્થાયુક્ત છે. ઘણી વ્યવસ્થા આખા રાજ્યમાં પહેલી વખત જ હોય તેવું આયોજન અહીં કરવામાં આવ્યું છે. બોડકદેવ પોલીસ સ્ટેશનમાં આખા રાજ્યમાં સૌપ્રથમ વખત ડ્રોન સ્કવોર્ડ બનાવવામાં આવી છે, જે અહીંથી ઓપરેટ થશે. આખા સિંધુ ભવન પર ડ્રોન ઉડાડીને શંકાસ્પદ ગતિવિધિ પર નજર રખાશે. તમામ ફૂટેજ ડ્રોન સ્કવોર્ડના સેન્ટર પર પહોંચાડશે તેના આધારે પોલીસ કાર્યવાહી કરી શકશે. અહીં ડ્રગ્સ ચકાસણી માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. કીટના આધારે ડ્રગ્સ ચકાસણી કરી શકાશે. જો કોઈએ 48 કલાકમાં કોઈ ડ્રગ્સ લીધું હશે તો તેની તપાસ કરી કાર્યવાહી કરી શકાશે.

CMએ કહ્યું, કોઈએ પોલીસ સ્ટેશનમાં આવવું ના પડે
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પોલીસ સ્ટેશનનું ઉદઘાટન કર્યું, ત્યારે હળવાશના મૂડ જણાતા હતા. મુખ્યમંત્રીએ પૂજા કરાવનાર મહારાજને કહ્યું હતું કે, તમે એવી પ્રાર્થના કરો કે કોઈને પોલીસ સ્ટેશન આવું ના પડે અને ત્યાં હાજર તમામ લોકો ખડખડાટ હસી પડ્યા હતા. બીજી તરફ મુખ્યમંત્રીએ આ વિસ્તારમાં પોલીસ સ્ટેશનની શરૂઆત થતાં અનેક લોકોને મદદ મળશે અને પોલીસ માટે આગામી દિવસોમાં વધુ પણ વ્યવસ્થા થશે તેવી વાત કરી હતી.

પોલીસ સ્ટેશનમાં આયુર્વેદિક ગાર્ડન પણ છે
બોડકદેવ પોલીસ સ્ટેશનના પ્રવેશ વખતે જ ત્યાં પહેલા ફૂટ પ્લેસ અને ત્યારબાદ નાના નાના બે ગાર્ડન છે. ત્યારબાદ એક આયુર્વેદિક ગાર્ડન બનાવવામાં આવ્યું છે. જે તમામ જડીબુટ્ટીઓ સાથેનું ગાર્ડન છે. અમદાવાદમાં પ્રથમ વખત જ આવું ગાર્ડન બનાવવામાં આવ્યું હોય તેવું આ પહેલું પોલીસ સ્ટેશન છે. જ્યારે કોઈ ફાઇવસ્ટાર હોટલમાં કે રિસોર્ટમાં આરામ કરવા માટે કોઈ જગ્યા હોય છે તે રીતે લોકો આરામ કરી શકે છે તેવી જ વ્યવસ્થા બનાવવામાં આવી છે. આરો પ્લાન્ટથી લઈને પાર્કિંગ વ્યવસ્થા સુધીની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. પોલીસ સ્ટેશન બનાવવામાં ઘણા દાતાઓએ મદદ કરી હોવાનું પણ પોલીસ કમિશનરે જણાવ્યું છે.

ડ્રગ્સની હેરાફેરીમાં સંડોવાયેલા 46 પાકિસ્તાની જેલમાં
આ પ્રસંગે ઉપસ્થિત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, કોઈને પોલીસ મથક સુધી આવવું જ ન પડે તેવું વાતાવરણ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં બને તેવો ગૃહ વિભાગનો લક્ષ્યાંક છે. આ વિસ્તારની શાંતિ અને સલામતી માટે અહીં નૂતન પોલીસ મથકનું નિર્માણ કરવાનો મુખ્યમંત્રીનો વિચાર હતો. જે ગૃહ વિભાગ અને દાતાઓના સહયોગથી સાકાર થયો છે. તેમણે કહ્યું હતું કે, ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી તરીકે જવાબદારી સાંભળ્યા બાદ સૌપ્રથમ ડ્રગ્સ વિરોધી અભિયાન ચલાવવા માટે સૂચનાઓ આપી હતી. જેનો અમલ કરતા છેલ્લા એક વર્ષમાં ગુજરાત પોલીસે 9 હજાર કરોડનું ડ્રગ્સ પકડ્યું છે. સાથોસાથ ડ્રગ્સની હેરફેરમાં સંડોવાયેલા 46 જેટલા પાકિસ્તાનીને જેલમાં બંધ કરાયા છે.