• Home
  • News
  • વડોદરામાં દર્શન સ્વામીનો બફાટ:સ્વામીએ કહ્યું- ચલમ પીને પોતાને સનાતની કહેતા હોય તો અમે છાતી કાઢી તિલક, ચાંદલા ને ચોટલી રાખીએ છીએ, તમારા કરતાં અમે પહેલાં સનાતની
post

મહેરબાની કરીને સ્વામિનારાયણવાળાને છંછેડવાનો ધંધો કરવો નહીં. તેવા વિવાદાસ્પદ વીડિયો વાઈરલ થતાં ચકચાર મચી ગઈ છે. આ વીડિયોને લઈ પુન: સંતો વચ્ચે વિવાદ સર્જાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.

Written By newsonline | Ahmedabad | Published: 2023-09-04 18:29:33

સાળંગપુરના મંદિરમાં ચિરંજીવી હનુમાનજીને સ્વામિનારાયણ સંતોના દાસ તરીકે રજૂ કરાયેલાં ભીંતચિત્રોને લઈ સર્જાયેલો વિવાદ હજુ સમ્યો નથી. ત્યાં વડોદરાના દર્શન સ્વામીએ હરિભક્તોની સભામાં તેજાબી વાણીમાં જણાવ્યું હતું કે, મારો ઇષ્ટદેવ સર્વોપરી છે... છે... છે... સાહેબ. દુનિયા જોઈ પોતાને ચલમ પીને સનાતની કહેતા હોય તો અમે છાતી કાઢી તિલક, ચાંદલા ને ચોટલી રાખીએ છીએ તો તમારા કરતાં અમે પહેલાં સનાતની છીએ. મહેરબાની કરીને સ્વામિનારાયણવાળાને છંછેડવાનો ધંધો કરવો નહીં. તેવા વિવાદાસ્પદ વીડિયો વાઈરલ થતાં ચકચાર મચી ગઈ છે. આ વીડિયોને લઈ પુન: સંતો વચ્ચે વિવાદ સર્જાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.

કોઈથી દબાવવાની જરૂર નથી
દર્શન સ્વામીએ હરિભક્તોને જ્ઞાનના પાઠ ભણાવવાની શરૂઆત કરતા જણાવ્યું હતું કે, તમને કોઈની બીક તો નથી ને... સાહેબ ગગનમાં જેટલા શત્રુ હોય, તારા જેટલા શત્રુ કદાચ એકવાર બની જાય અને સમૂહ ભેગો થઈ જાય અને કદાચ સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણ ભગવાનની સામે આવી જાય. સાહેબ મારો ઇષ્ટદેવ સર્વોપરી છે... છે... છે... સાહેબ. આમાં કોઈને રંજ માત્ર સંશય ન હોવો જોઇએ અને કોઈ પાજી પ્લાઉનાં વચનોમાં ક્યારે કોઈએ દબાવવું પણ નહીં સાહેબ.

સ્વામિનારાયણ રોટલો અને મોક્ષ આપે છે
આપણા ઉદરનો રોટલો આપણો સ્વામિનારાયણ ભગવાન ભરે છે. આપણને અક્ષરધામમાં લઇ જનારો અંતકાળે આપણો સ્વામિનારાયણ ભગવાન છે. આપણા ભગવાનને કોઈ એમ કહે કે આ મોચી છે, આપણા ભગવાનને કોઈ એમ કહે કે આ તો આ છે તે છે કદી સાખી લેવામાં નહીં આવે. મિત્રો કોઈથી દબાવવાનું નહીં. આ તો લોકશાહી છે. દુનિયા જોઈ પોતાને ચલમ પીને સનાતની કહેતા હોય તો અમે છાતી કાઢી તિલક, ચાંદલા ને ચોટલી રાખીએ છીએ, તમારા કરતાં અમે પહેલાં સનાતની છીએ. એટલે મહેરબાની કરીને સ્વામિનારાયણવાળાને છંછેડવાનો ધંધો કરવો નહીં.

ચાર દિવસથી ઊંઘ નથી આવતી
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ચાર રાતથી ઊંઘ નથી આવતી. ઠીક છે પ્લેટફોર્મ ઉપર એની વાતો થતી હશે. એમાં મારે વધારે નથી જવું. પરંતુ સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ અને ધારક પૂજ્યપાત ગુરુદેવ અને ગુરુદેવના સંઘમાં પૂજ્ય સ્વામી આવ્યા. સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ જૂનાગઢમાં અને ગીરની તળેટીમાં બેસી 18-18 ગુરુભક્તોની કહાની સંપ્રદાયના સંતોને જણાવી છે.

'સવા કરોડ લોકો સ્વામિનારાયણને જાણતા હશે'
તો બીજી તરફ દર્શન સ્વામીનો વાઈરલ વીડિયોને લઈ સનાતન સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. જ્યોતિર્નાથ બાબાએ પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, દર્શન સ્વામીનો બકવાસ અમારી નજરમાં આવ્યો છે. સનાતન ધર્મની તાકાતને દર્શન સ્વામી જાણતા નથી. 140 કરોડ જનતા એવું જાણે છે કે, રામ, લક્ષ્મણ, સીતા, હનુમાન, મહાદેવ, બ્રહ્મા અને વિષ્ણુ કોણ છે. ખાલી સવા કરોડ લોકો સ્વામિનારાયણને જાણતા હશે. જ્યારે રોડ ઉપર ઊતરવાની વાત આવશે ત્યારે અમે રોડ ઉપર પણ ઊતરીશું.

'અમે દરેક મુદ્દે લડી લેવા તૈયાર છીએ'
વધુમાં ડો. જ્યોતિર્નાથ બાબાએ જણાવ્યું હતું કે, દર્શન સ્વામી જે રીતે વાત કરે છે તે રીતે અમને પણ લડતા આવડે છે. સમાજની અંદર જે પ્રણાલી ઊભી થઈ છે. તે ખોટી પ્રણાલી મન મરજી પ્રમાણે લોકો પર થોપી દેવાની વાત છે તે અમે સહન કરવા તૈયાર નથી. આવતીકાલની મિટિંગમાં જે નક્કી થશે તે પ્રમાણે અમે દરેક મુદ્દે લડી લેવા તૈયાર છીએ અને અમારી યુવા સેનાઓ પણ તૈયાર છે.

વિવાદ વધુ વકરવાના એંધાણ
સાળંગપુરમાં ભીંતચિત્રોને લઈ ચાલી રહેલા વિવાદ વચ્ચે દર્શન સ્વામીનો તા. 3-9-23ના રોજનો હરિભક્તોને સંબોધન કરતો વિવાદાસ્પદ વીડિયો વાઈરલ થતાં ચકચાર મચી ગઈ છે. દર્શન સ્વામીના આ વાઈરલ વીડિયોને પગલે વિવાદ વધુ વકરે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post