• Home
  • News
  • પૂજારાની શાનદાર ઇનિંગ્સ પર ઝૂમી ઊઠી દીકરી:રોયલ કપમાં સસેક્સ માટે બીજી સદી ફટકારી, દીકરીનો વીડિયો વાઇરલ થયો
post

પૂજારાએ 131 બોલમાં 20 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 174 રન બનાવ્યા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2022-08-15 19:26:43

રોયલ લંડન વન ડે કપમાં ભારતીય બેટ્સમેન ચેતેશ્વર પુજારાની વધુ એક જોરદાર ઇનિંગ જોવા મળી હતી. ટીમ ઈન્ડિયાની દીવાલ કહેવાતા પૂજારાએ રવિવારે બીજી સદી ફટકારી હતી. તેણે સરે સામે 174 રન બનાવ્યા હતા. તેની આ ઇનિંગ બાદ તેની ચાર વર્ષની દીકરી ડાન્સ કરતી જોવા મળી હતી. પૂજારાએ તેનો વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. જે બાદ પૂજારાની દીકરીની પ્રશંસા થઈ રહી છે.

પૂજારાએ 131 બોલમાં 20 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 174 રન બનાવ્યા હતા. તેની ઇનિંગ્સના કારણે સસેક્સે સરે સામે 216 રનથી જીત મેળવી હતી. તેણે પહેલા 378/6નો પહાડી સ્કોર બનાવ્યો હતો. જે બાદ સરેના બેટ્સમેનો 31.4 ઓવરમાં 162 રનમાં આઉટ થઈ ગયા હતા.

એક દિવસ પહેલા પૂજારાએ વોરવિકશાયર સામે 107 રન બનાવ્યા હતા. 79 બોલની તે ઇનિંગ દરમિયાન પૂજારાએ એક ઓવરમાં 22 રન બનાવ્યા હતા. પરંતુ તે પોતાની ટીમને જીત અપાવી શક્યો ન હતો. તેણે વોરવિકશાયર સામે 73 બોલમાં સદી ફટકારી હતી.

લિસ્ટ Aમાં પૂજારાની એવરેજ તમામ ફોર્મેટમાં શ્રેષ્ઠ છે
પૂજારાને ભારત તરફથી એક પણ T20 ઈન્ટરનેશનલની તક નથી મળી અને તે માત્ર 5 વન-ડે જ રમી શક્યો હતો. જો કે, યાદી A એટલે કે 50 ઓવર ફોર્મેટમાં તેની એવરેજ 54થી વધુ છે. તેણે 107 મેચમાં 12 સદી અને 30 અડધી સદીની મદદથી 4638 રન બનાવ્યા છે. તે 20 વખત નોટ આઉટ પણ રહ્યો છે અને દરેક ત્રીજી ઇનિંગમાં 50 પ્લસ સ્કોર કર્યો છે.