• Home
  • News
  • ભૂસ્ખલનમાં મૃત્યુ પામેલા 4ના મૃતદેહ લવાયા:અમદાવાદના મહેશ અને કુશલની અંતિમયાત્રા નીકળી, મિત્રએ કહ્યું- મહેશના જીગર સાથે શેઠ-ડ્રાઈવર નહીં, મિત્રતાના વધુ સંબંધ હતા
post

મહેશભાઈના પરિવારમાં પત્ની અને 10 વર્ષનો બાળક

Written By newsonline | Ahmedabad | Published: 2023-08-14 16:38:37

ઉત્તરાખંડમાં કેદારનાથ જતા ભૂસ્ખલનના કારણે દુર્ઘટનામાં અમદાવાદના ત્રણ સહિત ચાર યુવકોના મૃત્યુ થયા હતા. આજે સવારે ત્રણેય યુવકોના મૃતદેહ અમદાવાદ ખાતે લાવવામાં આવ્યા હતા. મૃતક મહેશ દેસાઈ અને કુશલ સુથારની આજે સવારે અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. જમાલપુર સ્મશાન ખાતે બંનેની અંતિમવિધિ કરવામાં આવી હતી. મૃતક મહેશ દેસાઈ જીગર મોદીના ડ્રાઈવર તરીકે નોકરી કરતા હતા. પરંતુ બંને વચ્ચે શેઠ અને કર્મચારી કરતા મિત્રોના સંબંધ વધારે હતા. 12માંથી 5 જ્યોતિર્લિંગના દર્શન કરવા પોતાની ગાડી લઈને જ ગયા હતા. હરિદ્વારથી કેદારનાથ જતી વખતે પોતાની ગાડી તેઓએ નીચે હરિદ્વાર મૂકી દીધી હતી અને લોકલ ટેક્સી ભાડે કરી અને કેદારનાથ જવા નીકળ્યા હતા ત્યારે આ દુર્ઘટના બની હતી.

મહેશભાઈ અને જીગરભાઈ 10 વર્ષ જૂના મિત્રો હતા
મૃતક મહેશભાઈ દેસાઈના પરિવારજન દિનેશભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, મહેશભાઈ જીગરભાઈના ડ્રાઈવર તરીકે નોકરી કરતા હતા. બંને વચ્ચે શેઠ અને ડ્રાઇવર કરતા મિત્રતાના સંબંધ વધારે હતા. છેલ્લા 8-10 વર્ષથી બંને ખૂબ સારા મિત્ર હતા. જીગરભાઈને બાર જ્યોતિર્લિંગ દર્શન કરવાની બાધા હતી. જેમાંથી પાંચ જ્યોતિર્લિંગના દર્શન પૂર્ણ કર્યા હતા અને હવે તેઓ છઠ્ઠા જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે સોમવારે નીકળ્યા હતા. બુધવારે તેઓ હરિદ્વાર ખાતે પહોંચ્યા હતા બુધવારે ત્યાં વરસાદ ખૂબ જ હતો. જેથી તેઓ બુધવારની જગ્યાએ ગુરુવારે જવાનું નક્કી કર્યું હતું.

જીગરભાઈ ક્યાય પણ મહેશભાઈ વગર જતા નહીં
દિનેશભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, ગુરુવારે ત્યાં હોટલમાં જ પોતાની ગાડી મૂકી દીધી હતી. ત્યાંથી લોકલ ટેક્સી ભાડે કરીને જીગરભાઈ, મહેશભાઈ કુશલ અને અન્ય એક મિત્ર સાથે તેઓ કેદારનાથ જવા માટે નીકળ્યા હતા. ત્યારે હરિદ્વારથી 50 કિલોમીટર દૂર ફાટા પાસે આવી દુઃખદ ઘટના બની હતી. બંને વચ્ચે ખૂબ જ ગાઢ મિત્રતા અને લાગણી હતી. જીગરભાઈને કોઈ પણ જગ્યાએ ગાડી લઈને જવું હોય તો તેઓ મહેશભાઈ વગર જતાં જ નહોતા. આજે પરિવાર પર આફત આવી પડી છે જેમાં પરિવારજનો અને મિત્રો તેમની સાથે જ છે.

મહેશભાઈના પરિવારમાં પત્ની અને 10 વર્ષનો બાળક
અન્ય પરિવારજન રણછોડભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, આજે મહેશભાઈનું દુઃખદ અવસાન થયું છે તેમની સાથે પરિવારજનો અને સમાજ પડખે ઉભો રહ્યો છે. તેમના પરિવારમાં પિતાનું અવસાન થઈ ચૂક્યું છે. માતા, પત્ની, 10 વર્ષનો બાળક અને બે ભાઈ છે. આજથી છ-આઠ મહિના પહેલા જ મહેશભાઈના મોટાભાઈ વિષ્ણુભાઈ દેસાઈનું હાર્ટઅટેકથી અવસાન થયું હતું. આ પહેલાં જ તેમના કાકાના દીકરાનું પણ અવસાન થઈ ચૂક્યું છે. તેમનો પરિવારમાં મહેશભાઈ પર મોટાભાગે નિર્ભર હતો. પરિવારમાં છેલ્લા એક વર્ષમાં આવી દુઃખદ ઘટનાઓ બની ચૂકી છે.

adv

Related News

post
post
post
post
post
post
post