• Home
  • News
  • વધુ જીવવાની લાલચમાં છેતરાયાં:પારડીમાં વૃદ્ધા 100 વર્ષ જીવવાના ચક્કરમાં તાંત્રિક વિધિમાં ફસાયાં, સવાબે લાખ ગુમાવ્યા; પોલીસે બે તાંત્રિક સહિત ત્રણને ઝડપી પાડ્યા
post

વધુ એક લાખ રૂપિયા લેવાની લાલચે પોલીસે છટકું ગોઠવી બે તાંત્રિક સહિત ત્રણને ઝડપી લીધા

Written By newsonline | Ahmedabad | Published: 2021-05-25 09:56:41

પારડીનાં 72 વર્ષના વિધવાને તાંત્રિકોએ 100 વર્ષ સુધીનું આયુ રહેશે, તમને કંઇ નહિ થાય અને ખેતીની આવક પણ વધશે, એમ કહીને તાંત્રિક વિધિ કરાવવાના નામે નવસારીના બે તાંત્રિક ઠગે વૃદ્ધા પાસેથી સાડા 6 તોલા સોનાના દાગીના અને રોકડા રૂપિયા 92 હજાર પડાવ્યા હતા. પોલીસે બે તાંત્રિક સહિત ત્રણને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી કરી હતી. આમળી ગામે દિપાલી ફળિયામાં રહેતાં 72 વર્ષનાં નિર્મળાબેન ભીમાભાઇ પટેલ પતિના અવસાન બાદ એકલાં જ રહે છે. બે માસ અગાઉ તેમના ઘરે બે યુવકો જલારામ મંદિરના લાભાર્થે દાન લેવા માટે આવ્યા હતા. એ સમયે નિર્મળાબેને યુવકોને દાન પેટે એક હજાર રૂપિયા પણ આપ્યા હતા.

ખેતીમાં આવક વધવાનું કહી વિધિ શરૂ કરી
દાન લીધા બાદ યુવકોએ જણાવ્યું હતું કે અમે તાંત્રિક વિધિ પણ કરીએ છીએ. જો તમને કોઇ કનડગત હોય તો જણાવો, જેથી કરીને તમારા ઘરે આવીને વિધિ કરી જઇશું. થોડા દિવસ પછી આ ઠગ ટોળકી પરત તેમના ઘરે આવીને કહ્યું હતું કે તમે સો વર્ષ સુધી જીવશો અને તમારી ખેતીમાં આવક પણ વધશે એ માટે વિધિ કરવાનું કહીને બંને ઠગોએ વિધિ શરૂ કરી દીધી હતી. વિધિ પૂરી થયા બાદ ઠગ ઇસમો 6 તોલાના સોનાના દાગીના, જેની કિંમત રૂપિયા 1 લાખ 30 હજાર તથા 21 હજાર રોકડા લઇને ચાલી ગયા હતા. ત્યાર બાદ છાસવારે થોડા થોડા દિવસના આંતરે ત્રણેય ઠગ ટોળકી તેમના ઘરે આવીને રોકડા 10 હજારથી લઇને 50 હજાર રૂપિયા લઇ જતા હતા.

વધુ એક લાખ રૂપિયા માગ્યા
20
મી મેના રોજ નવસારી જિલ્લાના ધોધમુવાનો રહીશ બ્રિજેશ નામનો ઠગે નિર્મળાબહેનને ફોન કરીને જણાવ્યું હતું કે હજી કેટલીક વિધિ બાકી છે, એ કરવા માટે એક લાખ રૂપિયા આપવા પડશે અને તમારા દાગીના પણ અમે પરત કરી દઇશું એવું જણાવ્યું હતું. 100 વર્ષ સુધીનું આયુ અને ખેતીમાં વધારે આવક મળશે એવી લોભામણી લાલચમાં આવેલી વૃદ્ધાને આખરે પોતે છેતરાઇ હોવાનું જણાતાં તેમના સંબંધીને જાણ કરી હતી. આ અંગે નિર્મળાબહેને પારડીના પીએસઆઇ બી.એન.ગોહિલને તમામ હકીકત જણાવતાં ઠગ તાંત્રિક ટોળકીને પકડવા માટે છટકું ગોઠવી ત્રણેયને ઝડપી લેવાયા હતા.

ભોગ બનનારી મહિલાનો પતિ શાળામાં આચાર્ય હતો
ભોગ બનનારી મહિલા નિર્મળાબેનનો પતિ ભીમાભાઇ છગનભાઇ પટેલ શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા હતા. નિવૃત્ત થયા બાદ તેમણે ગામમાં શાળા બનાવવા માટે મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. જોકે તેમને કોઇ સંતાન ન હોવાથી હાલમાં નિર્મળાબેન એકલાં જ હોવાથી તેમનો લાભ લઇને ધુતારોઓ કરતબ અજમાવી ગયા હતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post