• Home
  • News
  • સાળંગપુર ભીંતચિત્રો ઉપર ભક્તે કુહાડી મારી:વિવાદ વકરતાં એક સનાતની ભક્તે બેરિકેડ્સ તોડી ભીંતચિત્રો તોડવાનો પ્રયાસ કર્યો, કાળો રંગ લગાવ્યો, પોલીસે ઝડપી લીધો
post

ચારણકી ગામના સરપંચે દિવાનભાઇએ જણાવ્યું હતું કે, હર્ષદભાઇ ગઢવી ધાર્મિક માણસ છે.

Written By newsonline | Ahmedabad | Published: 2023-09-02 19:36:58

સાળંગપુરમાં કિંગ ઓફ સાળંગપુરની પ્રતિમાના ફાઉન્ડેશનની ખાલી જગ્યામાં વિવાદાસ્પદ ભીંતચિત્રો પર આજે એક સનાતની ભક્તે કુહાડી ચલાવી એને તોડવાનો પ્રયાસ કર્યો હતો. ઉપરાંત આ ભીંતચિત્રો ઉપર કાળા કલરથી પોતું ફેરવ્યું હતું. બેરિકેડ્સ તોડી પ્રતિમાને નુકસાન પહોંચાડવા આવેલા આ શખસને પોલીસે ઝડપી લીધો છે. આ વ્યક્તિની ઓળખ ગઢડા તાલુકાના ચારણકી ગામની વ્યક્તિ તરીકે થઈ છે અને તેનું નામ હર્ષદ ગઢવી હોવાનું સામે આવ્યું છે.

ભીંતચિત્રોમાં હનુમાનજીને સ્વામિનારાયણ ભગવાનના દાસ દેખાડાતાં આ સમગ્ર વિવાદ સર્જાયો છે. આ ભીંતચિત્રોને હટાવી લેવા સાધુ-સંતોએ પણ અપીલ કરી હતી. એવામાં કોઈ હનુમાનભક્ત દ્વારા લાગણી દુભાતાં વિવાદાસ્પદ ભીંતચિત્રો પર કાળો કલર લગાવ્યો હતો. એ ઘટનાને લઈને મંદિર પ્રશાસન દ્વારા કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મંદિરના પારાવેટ બાઉન્સર અને પોલીસ દ્વારા ભીંતચિત્રો બાજુમાં બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ઘટનાના પગલે Dy.SPએ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ શરૂ કરી છે.

પ્રતિમાને કોર્ડન કરાઈ
ભક્ત દ્વારા ભીંતચિત્રોને તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યા બાદ કિંગ ઓફ સાળંગપુરની પ્રતિમાને વાંસથી કોર્ડન કરી લેવામાં આવી છે તેમજ ભીંતચિત્રો પર જે કાળો રંગ લગાવવામાં આવ્યો છે એને દૂર કરવા માટે મંદિરના સેવકો દ્વારા પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે.

ગાર્ડનમાંથી છૂપાઇને પ્રતિમા સુધી પહોંચ્યો
ઘટના અંગે બોટાદના SP કિશોર બળોલિયાએ જણાવ્યું હતું કે, હુમલાનો પ્રયાસ કરનારની હર્ષદ ગઢવી તરીકે ઓળખ થઇ છે. મંદિરમાં પોલીસ બંદોબસ્ત રાખેલો જ છે. પરંતુ જે રીતે મંદિરનું વિશાળ પરિસર છે અને બાજુમાં જ પાર્કિંગ અને ગાર્ડન પણ છે. હર્ષદ ગઢવી ગાર્ડનમાંથી છૂપાઇને હનુમાનજીની પ્રતિમા સુધી પહોંચી ગયો હતો. પોલીસે હર્ષદને મૂર્તિ પાસેથી ઝડપી લીધો હતો. હર્ષદ ગઢવી સાથે બીજુ કોણ કોણ આવ્યું હતું અને ક્યા વાહનમાં આવ્યા હતા તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. સાળંગપુર મંદિર પ્રશાસન તરફથી ફરિયાદ આપવામાં આવશે એ રીતે વધુ કાર્યવાહી થશે.

સંવાદથી વિવાદ ઉકેલવો જોઇએ
SP
કિશોર બળોલિયાએ ઉમેર્યું કે, છેલ્લા બે દિવસથી આ વિવાદ ચાલી રહ્યો છે. કોઇ પણ વિવાદ હોય તો તેનો સંવાદથી પણ ઉકેલ આવી શકે છે. જે કોઇ લોકોને ભીંતચિત્રો મુદ્દે વિરોધ હોય તેનો મંદિર પ્રશાસન સાથે ચર્ચા કરી નિવેડો લાવવો જોઇએ. કોઇપણ વ્યક્તિ આ રીતે કાયદો હાથમાં લે એ વાજબી નથી. અહીં રજાના દિવસોમાં ઘણા દર્શનાર્થીઓ આવતા હોય છે. હાલમાં આ વિવાદને લઇને પીઆઇ સહિત 75 પોલીસ જવાનનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

ગામના સરપંચ હર્ષદ ગઢવીના સમર્થનમાં
ચારણકી ગામના સરપંચે દિવાનભાઇએ જણાવ્યું હતું કે, હર્ષદભાઇ ગઢવી ધાર્મિક માણસ છે. તેઓએ યાત્રાળુઓ માટે તેમની વાડીએ ગજાનંદ આશ્રમ બનાવ્યો છે. હર્ષદભાઇની લાગણી દુભાતા આ પગલું ભર્યું છે. અમે હર્ષદભાઇની સાથે છીએ અને તેમને જ્યાં પણ જરુર પડશે અમે અડધી રાત્રે સમર્થનમાં ઉભા રહીશું.

 

adv

Related News

post
post
post
post
post
post
post