• Home
  • News
  • ધમણ-1 : ગુજરાતના આ વૅન્ટિલેટરે ભાજપ-કૉંગ્રેસને આમનેસામને કેમ લાવી દીધાં?
post

ધમણ-1 વૅન્ટિલેટર મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ 5 એપ્રિલ 2020ના રોજ વપરાશ માટે ખુલ્લુ મૂક્યું હતું

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-21 11:08:45

કોરોના મહામારીમાં ગુજરાતમાં નિર્મિત ધમણ-1 વૅન્ટિલેટર પર વિવાદ શાંત કરવાનો સરકારે પ્રયાસ કર્યો, પરંતુ તે આગળ જ વધી રહ્યો છે.

ગુજરાત સરકારનાં આરોગ્ય અગ્ર સચિવ જયંતી રવિએ પત્રકાર પરિષદ યોજી ધમણ-1 વૅન્ટિલેટરને લઈને કેટલીક સ્પષ્ટતા કરી હતી, જોકે હજી પણ અનેક સવાલ અનુત્તર રહે છે.

ગુજરાતની જ્યોતિ સીએનસીએ કંપનીએ બનાવેલું ધમણ-1 વૅન્ટિલેટર મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ 5 એપ્રિલ 2020ના રોજ વપરાશ માટે ખુલ્લુ મૂક્યું હતું.

 

વિવાદની શરૂઆત

કોરોના વાઇરસના કેર વચ્ચે રાજકોટની કંપનીએ બનાવેલું ધમણ-1 વૅન્ટિલેટર ધાર્યું પરિણામ મેળવી શકતું ન હોવાનું તબીબોના ધ્યાને આવ્યું હતું.

અમદાવાદની સિવિલ હૉસ્પિટલના તબીબી અધીક્ષકે જીએમએસસીએલને એક પત્ર લખીને આ મામલે જાણ કરી હતી.

ગુજરાતમાં કોરોના વાઇરસના સંક્રમણના વધતા કેસો અને મૃત્યુના વધી રહેલા આંક વચ્ચે ધમણ-1 પર રાજકીય ચર્ચા છેડાઈ હતી.

આ મુદ્દે કૉંગ્રેસ નેતા પરેશ ધાનાણી અને કૉંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પણ સરકાર સામે અનેક સવાલો મૂક્યા હતા.

ગુજરાત સરકારનાં આરોગ્ય અગ્ર સચિવ જયંતી રવિએ પત્રકારપરિષદ યોજી ધમણ-1 વૅન્ટિલેટરને લઈને કેટલીક સ્પષ્ટતા કરી હતી.

જંયતી રવિએ જે વાત કરી એમાં મુખ્યત્વે જણાવ્યું કે ધમણ-1ને નીતિ-નિયમો મુજબ જ સેવામાં લેવામાં આવ્યું છે.

એમણે કહ્યું કે કંપનીએ મદદ માટે 18 એપ્રિલે પ્રથમ દસ વૅન્ટિલેટર સપ્લાય કર્યાં હતાં અને આ વૅન્ટિલેટર માટે ડ્રગ-કંટ્રોલ જનરલ ઑફ ઇન્ડિયાની ગાઇડલાઇન અનુસાર વૅન્ટિલેટર માટે રાજ્ય કે કેન્દ્ર સરકારના લાઇસન્સની જરૂર નથી.

એમણે કહ્યું હતું કે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઑર્ગેનાઇઝેશનના માપદંડ હેઠળ વૅન્ટિલેટર તૈયાર કરવામાં આવેલું છે અને સ્વાસ્થ્ય વિભાગના નૉટિફિકેશનમાં એ 37 વસ્તુની યાદી અપાઈ છે, જેને લાઇસન્સની જરૂર છે, તેમાં વૅન્ટિલેટરનો ઉલ્લેખ નથી. એ રીતે ધમણ-1ને કોઈ લાઇસન્સની જરૂર નહોતી.

જયંતી રવિએ એમ પણ જણાવ્યું કે ધમણ-1એ તમામ પર્ફૉર્મન્સ-ટેસ્ટ પૂર્ણ કર્યા હતા અને કુત્રિમ ફેફસાં પર ધમણે 8 કલાક સુધી પરીક્ષણ કર્યું હતું.

જયંતી રવિએ એવી જાણકારી પણ આપી કે વૅન્ટિલેટરના માનવીય પરીક્ષણની જરૂર હોતી નથી.

 

આરોપ અને પ્રતિઆરોપ

વિધાનસભામાં વિરોધપક્ષના નેતા કૉંગ્રેસના પરેશ ધાનાણીએ એક મીડિયા અહેવાલ સાથે ટ્વિટર પર આરોપ મૂક્યો કે ધમણે લોકોની ધમની ફાડી નાખી.

એમણે કહ્યું કે, સિવિલ હૉસ્પિટલમાં ધમણ-1થી જ કેટલાય પીડિતોની ધમણી ફાટી હોવાની આંશકા ઊભી થઈ છે.

ગુજરાત કૉંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પત્રકારપરિષદ યોજી હતી અને સરકારને કોરોનાનો મુકાબલો કરવામાં તમામ મોરચે નિષ્ફળ ઠેરવી હતી.

આ ઉપરાંત તેમણે કહ્યું કે, વિજય રૂપાણીની ભાજપ સરકાર ધમણ-1ને નામે લોકોની જિંદગી દાવ પર લગાવી રહી છે.

એમણે વિજય રૂપાણી પર મિત્રની કંપનીનું માર્કેટિંગ કરવાનો અને સ્ટંટ કરવાનો આરોપ મૂક્યો.

એમણે સરકારે નિષ્ણાતો પાસેથી સલાહ લીધી હતી એવો સવાલ કર્યો અને અમદાવાદમાં સિવિલ હૉસ્પિટલ જે લોકોનાં મૃત્યુ થયાં છે તે પૈકી કેટલાને ધમણ-1 દ્વારા સારવાર આપવામાં આવી રહી હતી તે અંગે પણ સવાલ કર્યો.

આ સવાલોના જવાબ સરકાર વતી ડૉ. જંયતી રવિએ ઉપર જણાવ્યા મુજબ આપ્યા છે.

ભાજપનાં નેતા ડૉક્ટર શ્રદ્ધા રાજપૂતે કૉંગ્રેસના આરોપને સ્વદેશીની ઝુંબેશમાં અવરોધ ઊભો કરવા માટેના ગણાવ્યા છે.

એમણે કહ્યું કે કૉંગ્રેસના આરોપો પાયાવિહોણા છે. સરકાર દરદીઓને બચાવવાનો પ્રયાસ કરી રહી છે અને કૉંગ્રેસ તેમાં કન્ફ્યુઝન ઊભું કરવા માગે છે.

ડૉક્ટરોની રજૂઆત

ગત 5 એપ્રિલે મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ ધમણ-1 વૅન્ટિલેટરને સેવામાં રજૂ કરતા કહ્યું હતું કે આનાથી કોરોનાના દર્દીઓ ઝડપથી સાજા થઈ જશે. જોકે, એ પછી ત્યારબાદ ગુજરાતમાં કોરોનાને કારણે મૃત્યુનો આંકડો ઘણો વધ્યો.

આ દરમિયાન અમદાવાદની સિવિલ હૉસ્પિટલ ડૉક્ટરોએ નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ આગળ રજૂઆત કરી હતી.

એમાં ડૉક્ટરોએ કહ્યું કે, રાજકોટમાં નિર્મિત ધમણ વૅન્ટિલેટરથી દર્દીઓને બચાવવા સહેલા નથી માટે નવા ૧૦૦ વૅન્ટિલેટર સરકારે આપવા જોઈએ.

સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષકે 15 મેના રોજ પત્ર લખી જાણ કરી કે ધમણ-1 વૅન્ટિલેટર કોવિડ-19ના દરદીઓમાં ધાર્યુ પરિણામ આપતું નથી એટલે 100 વૅન્ટિલેટર ફાળવવામાં આવે.

સિવિલ હૉસ્પિટલના ડીન ડૉક્ટર એમ.એમ પ્રભાકરે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, ધમણ-1 કોરોનાના દરદીઓને શરૂઆતના તબક્કે મદદરૂપ થઈ શકે પરંતુ ક્રિટિકલ કંડિશનમાં હાઈઍન્ડ વૅન્ટિલેટર જ જોઈએ. ધમણ-1 અંગે કોરોનાની સારવાર સાથે જોડાયેલા નિષ્ણાત ડૉકટરોને સમજ અપાઈ હતી.

એ નિષ્ણાત ડૉક્ટરોનું કહેવું છે કે આ પ્રથમ કક્ષાનું વૅન્ટિલેટર છે. એમાં કૉમ્પ્રેશર, મિક્સચર, હયૂમીડીફાયર જેવા ઉપકરણ જોડવા જરૂરી છે. જે અંગે જાણ કરવામાં આવી છે અને એ કરાશે પણ પરંતુ સિવિલ હૉસ્પિટલે હાઈઍન્ડ વૅન્ટિલેટરની માગ કરી છે. અલબત્ત ધમણ-1 વૅન્ટિલેટર કોરોનાના દર્દીઓની સારવાર માટે ઉપયોગી છે અને સ્વદેશી કંપની તે બનાવી આપે છે એ સારી વાત છે પણ ક્રિટિકલ દર્દી માટે વધુ વૅન્ટિલેટની જરૂર છે.

ધમણ-1 વૅન્ટિલેટર નથી?

ડૉ. પ્રભાકરની વાત પરથી એટલું તો સ્પષ્ટ થાય છે કે ધમણ-1 પ્રાથમિક રીતે ઉપયોગી છે પરંતુ એમાં હજી ઘણા સુધારાઓને અવકાશ છે અને તે કદાચ કોરોનાની ક્રિટિકલ કંડિશનમાં કામ લાગી શકે તેમ નથી.

જોકે, કેટલાક તબીબી નિષ્ણાત ધમણ-1ને ઉતાવળિયુ સાહસ ગણાવે છે અને તને વૅન્ટિલેટર માનવા તૈયાર નથી.

અમદાવાદના જાણીતા એનેસ્થેટિસ્ટક અને અમદાવાદ મેડિકલ એસોશિએશનના પદાધિકારી ડૉક્ટર બિપિન પટેલે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે ધમણ-1 નામનું આ વૅન્ટિલેટર વાસ્તવમાં વૅન્ટિલેટર જ નથી.

એમનું કહેવું છે કે, એમાં રૅસ્પિરેશન સેટ કરવાના કોઈ પેરામિટર નથી. એમાં ઓક્સિજનનું કોઈ મિટર નથી, હ્યુમિડિટીવાળો ઓક્સિજન જાય એવી વ્યવસ્થા નથી. ભેજવાળો ઓક્સિજન ફેફસાંમાં ન જાય તો ફેફસાં સુકાઈ જાય પણ ધમણ-1માં તેની કોઈ વ્યવસ્થા નથી. દરદીનો લાંબો સમય સુધી જો વૅન્ટિલેશન પર રાખવા હોય તો એ શક્ય નથી.

ડૉ. બિપિન પટેલનું કહેવું છે કે, અમે કોઈ પણ ઓપરેશન કરીયે ત્યારે પણ દરદીના સ્નાયુને રાહત મળે એ માટે રૅસ્પિરેશનને એડજસ્ટ કરી વૅન્ટિલેટર પર રાખીએ છીએ પણ આમાં એવી કોઈ વ્યવસ્થા નથી .

ડૉક્ટર બિપિન પટેલનું કહેવું છે કે, ધમણ-1 વૅન્ટિલેટર ઉતાવળમાં લઈને મૂકી દીધા છે જે દરદીનો જીવ જોખમમાં મૂકવા બરાબર છે.

કૉંગ્રેસે ધમણ-1ની માન્યતાનો જે આરોપ સરકાર પર મૂક્યો તેવો જ આરોપ ડૉ. બિપિન મૂકે છે અને કહે છે કે, એ ટેક્નિકલ કમિટી અને મેડિકલ કમિટીએ ટેક્નિકલ ડિવાઇસીસ 2017ના નિયમ પ્રમાણે એપ્રુવ થવું જોઈએ પણ એ થયું નથી. સરકાર દ્વારા પણ મંજૂર થયેલું હોવું જોઈએ.

જોકે, ડૉ. બિપિન પટેલ પણ એટલું તો કહે છે કે આ મશીન શરૂઆતમાં થોડી રાહત આપી શકે છે પણ ડૉકટર તેના પર આધાર ન રાખી શકે અને તેને કોઈ પ્રકારની મેડિકલી મંજૂરી મળી નથી.

આ બાબતે જ જયંતી રવિએ પત્રકારપરિષદમાં કહ્યું હતું કે સ્વાસ્થ્ય વિભાગના નૉટિફિકેશનમાં એ 37 વસ્તુની યાદી અપાઈ છે, જેને લાઇસન્સની જરૂર છે, તેમાં વૅન્ટિલેટરનો ઉલ્લેખ નથી. એ રીતે ધમણ-1ને કોઈ લાઇસન્સની જરૂર નથી કે કેન્દ્ર કે રાજ્ય સરકારની પરવાનગીની જરૂર નથી.

સ્વદેશી કંપનીનું મોરલ તોડવાનો પ્રયાસ છે?

 

ધમણ-1 સામે થઈ રહેલા સવાલોને તકનિકી રીતે જોવાને બદલે અલગ જ દિશામાં વાત થઈ રહી છે.

જે રીતે ભાજપે સવાલોને સ્વદેશી પ્રોડક્ટ સામેની અડચણો ગણાવી એવી જ કંઈક વાત ધમણ-1ના ઉત્પાદક અને એક સમયના ક્રિકેટર પરાક્રમસિંહ જાડેજા પણ કહે છે.

એમણે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે આ વિવાદ સ્વદેશી કંપનીનું મોરલ તોડી પાડવા માટે થઈ રહ્યો છે અને સ્વદેશી કંપની બજારમાં ન આવી જાય તે માટે કારસો ઘડાઈ રહ્યો છે.

એમનું કહેવું છે કે, લાયસન્સ લેવાની તમામ ગાઇડલાઇન અમે ફોલો કરી છે. પહેલા અમે આઈ.સી. 60601 સ્ટાન્ડર્ડને ફોલો કર્યા છે. એની રાષ્ટ્રીય સ્તરે મંજૂરી લીધી છે, ISOના સ્ટાન્ડર્ડને ફોલો કર્યા છે અને પરર્ફોમન્સના ટેસ્ટ મિશિગનની કંપનીની ટેક્નોલોજીને અનુસરીને કર્યો છે.

પરાક્રમસિંહ જાડેજાનું કહેવું છે કે વાસ્તવમાં 100 મશીન ઇમ્પોર્ટ કરાવવા માટે ધમણ-1ને બદનામ કરવામાં આવે છે.

 

પરીક્ષણ અને માન્યતાનો સવાલ

ડૉ. જંયતી રવિએ પત્રકારપરિષદમાં જે વાતો કરી એમાં કહ્યું કે વૅન્ટિલેટરના માનવીય પરીક્ષણની જરૂર નથી હોતી અને સરકારની પરવાનગીની પણ જરૂર નથી.

બીબીસીએ આં અંગે દિલ્હીના જાણીતા વકીલ અને ઍક્ટિવિસ્ટ અનુજા કપૂર સાથે વાત કરી.

એમણે કહ્યું કે પરવાનગી વિના કોઈ કામ થઈ શકતું હોતું નથી. વર્તમાન સંજોગોમાં મહામારીને લીધે સરકારને વિશેષ સત્તા મળે છે અને તેને લઈને એવી પરવાનગી સરકાર ઇચ્છે તો ટાળી શકે અથવા પાછી ઠેલી શકે.

ઉલ્લેખનીય છે કે જંયતી રવિએ પણ પત્રકારપરિષદમાં એવું કહ્યું હતું કે જો ધમણ-1ના ઉત્પાદકો લાઇસન્સ લેવા માગે કે નોંધણી કરાવવા માગે તો તેના માટે 18 માસનો સમય હોય છે અને એ જોતા તેઓ 21 ઓક્ટોબર 2021 સુધીમાં નોંધણી કરાવી શકે છે.

એડવોકેટ અનુજા કપૂરનું કહેવું છે કે મેડિકલમાં પીઅર ગ્રૂપ જર્નલ્સ હોય છે અને સામાન્ય અને સન્માનનીય પદ્ધતિ એવી છે કે આવી ડિવાઇસની શોધ કે નિર્માણ અને તેના પરીક્ષણો કે તારણો તેમજ તથ્યો ત્યાં રજૂ થતા હોય છે. એ પછી જે તે ક્ષેત્રના નિષ્ણાતો એના પર ચર્ચા-વિચારણા કે સંવાદ કરી તેને અનુમોદન આપે છે કે સુધારણાઓ જણાવે. જો એવું થયું હોય તો એ મોટો કાયદાકીય આધાર ગણાય છે.

અલબત્ત ધમણ-1ના કેસમાં સીધી એની શોધ યાને કે નિર્માણની જ જાહેરાત થઈ હોવાના સમાચાર છે. હજી સુધી એના અંગે કોઈ મેડિકલ પીઅર ગ્રૂપ જર્નલમાં કોઈ રિસર્ચ પેપર લખાયા હોય કે તેના મૉડલ પર કોઈ ચર્ચા થઈ હોય એવી કોઈ માહિતી બીબીસી પાસે નથી. જો એવી કોઈ માહિતી સામે આવશે તો અહીં સમાવવામાં આવશે.

એડવોકેટ અનુજા કપૂર એ વાતે સહમત છે કે વૅન્ટિલેટર જેવા સાધનમાં માનવીયપરીક્ષણ કરવાનું હોતું નથી.

એડવોકેટ અનુજા કપૂરનું કહેવું છે કે જો આવી પ્રોડ્ક્ટ એફડીએ યાને કે ફૂડ ઍન્ડ ડ્રગ્સ કંટ્રોલની માન્યતા ધરાવતી હોય તો તેના પર સવાલ નથી કરાતો. વળી, એ જ રીતે યુરોપિયન દેશોના પ્રમાણપત્ર સીઈ માર્કિંગ હોય તો પણ એની ઉપયોગિતા અને ગુણવત્તા નિસંદેહ થઈ જાય છે.

ધમણ-1ના કેસમાં ISO અપ્રૂવ્ડ હોવાની વાત કરાઈ છે અને સેફ્ટી એન્ડ પરફોર્મન્સ ટેસ્ટ સર્ટિફિકેટ માટે ભારત સરકારની અધિકૃત NABL માન્ય લૅબમાં EQDC પાસે ટેસ્ટ કરાવ્યો હોવાની વાત કરવામાં આવી છે. જંયતી રવિ મુજબ તેને DCGI એટલે કે ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયાની પરવાનગીની જરૂર નથી.

જયંતી રવિએ એમ પણ કહ્યું કે, વૅન્ટિલેટર હાલમાં ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ ઍક્ટ તથા મેડિકલ ડિવાઇસ રૂલ્સ હેઠળ સમાવિષ્ટ થતા ન હોઈ તે અન્વયેના કોઈ કાયદાઓ કે જોગવાઈઓ ધમણ-1ને કે અન્ય કોઈ વૅન્ટિલેટરને લાગુ પડતી નથી. આથી તે હેઠળ કોઈ એથિકલ કમિટીની અને મેડિકલ ડિવાઇસ રૂલ્સ 2017ની જોગવાઈઓ લાગુ પડતી નથી.

જોકે, આ આખા વિવાદને અને ધમણ-1ના ઉપયોગ થકી દરદીઓની જિંદગી જોખમમાં મૂકવાની જે વાત થઈ રહી છે તેને કેટલાક એડવોકેટ ક્રિમિનલ ઍક્ટ હેઠળ ગુનો ગણાવે છે.

અલબત્ત, આ મુદ્દે ગુનાહિત બેદરકારીની કોઈ ફરિયાદ હજી સુધી સામે આવી નથી.

જોકે, ગુજરાત હાઈકોર્ટ બાર એશોસિએસનના પ્રમુખ અને જાણીતા વકીલ યતીન ઓઝા કહે છે કે ઇન્ડિયન પિનલ ડની 304 મુજબ આ ક્રિમિનલ બેદરકારી ગણી શકાય.

યતીન ઓઝાનું કહેવું છે કે કે આ પ્રકારના કોઈ પણ વૅન્ટિલેટર બનાવવા હોય કે ખરીદવા હોય તો તેનું યોગ્ચ રીતે પરીક્ષણ કરવું પડે. સરકારે એ કર્યા વગર એનો ઉપયોગ કર્યો હોય તો એ ગંભીર ગુનાહિત બેદરકારી કહેવાય.

જોકે, જંયતી રવિનું કહેવું છે કે જ્યોતિ સીએનસીએ મોંઘા વૅન્ટિલેટર દાનમાં આપીને માદરે વતનની સેવા કરી છે અને માતૃભૂમિનું ઋણ ચૂકવવા પ્રયાસ કર્યો છે ત્યારે તેની ખરીદીમાં ભ્રષ્ટાચારનો આરોપ એ અમાનવીય કૃત્ય છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post