• Home
  • News
  • ધીરેન્દ્ર શાસ્ત્રી ફરી ગુજરાતમાં:વડોદરામાં હનુમાનજીના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં પહોંચતાં જ અવ્યવસ્થા સર્જાઈ, બાળકીને ખોળામાં લઈને વહાલ કર્યું
post

ગઈકાલે પણ એક કાર્યક્રમમાં હાજરી આપી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2023-06-21 19:02:00

વડોદરા: વડોદરા શહેરમાં દિવ્ય દરબાર કર્યા બાદ ફરી એકવાર બાબા બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી વડોદરા શહેરના મહેમાન બન્યા છે. વડોદરામાં નવનિર્મિત શ્રી મહેન્દીપુર બાલાજીધામ ખાતે હનુમાનજીની મૂર્તિના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ હાજરી આપી હતી. તેઓ જ્યારે બાલાજીધામ ખાતે પહોંચ્યા ત્યારે અવ્યવસ્થા સર્જાઈ હતી, જેથી પોલીસે ભક્તોને મહામુશ્કેલીથી કંટ્રોલ કર્યા હતા.

ભક્તોએ પડાપડી કરી
વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર શ્રી મહેન્દીપુર બાલાજીધામ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. આજે આ મંદિરમાં હનુમાનજીની મૂર્તિના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે લોકગાયક કીર્તિદાન ગઢવી પણ હાજર રહ્યા હતા. આ ઉપરાંત ભાજપના નેતાઓ પણ પહોંચી ગયા હતા. ધીરેન્દ્ર શાસ્ત્રી જ્યારે મંદિરમાં પહોંચ્યા એ સમયે મોટી સંખ્યામાં ભક્તો ઊમટી પડ્યા હતા. ધીરેન્દ્ર શાસ્ત્રીને જોવા માટે લોકોએ રીતસરની પડાપડી કરી મૂકી હતી. આ સમયે ભારે અવ્યવસ્થા સર્જાતાં પોલીસને દરમિયાનગીરી કરવી પડી હતી.

બાળકીને વહાલ કર્યું
પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીને જોવા અને સાંભળવા માટે મોટી સંખ્યામાં ભક્તો પંડાલમાં પહોંચી ગયા હતા. ધીરેન્દ્ર શાસ્ત્રીએ 'મારા પાગલો' કહીને પોતાના સંબોધનની શરૂઆત કરી હતી. આ ઉપરાંત તેમણે નાનકડી બાળકીને પોતાના ખોળામાં લઈને વહાલ કર્યું હતું.

હનુમાનજીનું ચરિત્ર પોતાના દિલમાં રાખો
પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ ભક્તોને સંબોધન કરવાની શરૂઆતમાં જણાવ્યું હતું કે બેસી જાઓ. બધા બેસી જાઓ. હું પણ ગુજરાતી બોલી લઉં છું. રાજસ્થાનમાં બાલાજીનાં દર્શન માટે મહેન્દીપુરની યાત્રા જે લોકો નહોતા કરી શકતા તેમના માટે વડોદરામાં જ બાલાજી પ્રગટ થઈ ગયા છે. તેમણે હનુમાનજી વિશે વાત કરતાં જણાવ્યું હતું કે હનુમાનજીનું ચિત્ર ખિસ્સામાં ન રાખશો, પણ તેમનું ચરિત્ર પોતાના દિલમાં રાખો.

કીર્તિદાન મારો 6 વર્ષ જૂનો પાગલ છે
તેમણે વધુમાં જણાવ્યું હતું કે જવાનું ક્યાંક બીજે હતું અને બીજે ક્યાંક આવી ગયો છું. હું ધામ જઈ રહ્યો હતો, પણ આ લોકોએ એવું સેટિંગ-ફિટિંગ કર્યું, અમારા સેટિંગમાં ગડબડ થઈ ગઈ. ગુજરાતના સુપ્રસિદ્ધ સરસ્વતીના કૃપાપાત્ર અને કલાને વ્યાપક આકાર આપનાર મજેદાર કલાકાર કીર્તિદાન મારો 6 વર્ષ જૂનો પાગલ છે. કેદારનાથમાં ઠંડી બહાર હતી ત્યારે અમારી આંખો મળી હતી. એવી વાત પર અમારી આંખો મળી હતી કે ગુજરાતમાં પણ અડી છે. ગુજરાતમાં હું જ્યારે પણ આવું છું ત્યારે ગુરુભાવ અને ગુરુસેવા માટે હાજર થઈ જાય છે. છેલ્લે, તેમણે જણાવ્યું હતું કે હું વડોદરામાં ભવિષ્યમાં 3થી 5 દિવસની હનુમાનકથાનું આયોજન કરીશ.

ગઈકાલે પણ એક કાર્યક્રમમાં હાજરી આપી હતી
વડોદરાના ભાયલી વિસ્તારમાં આવેલા દર્શનમ સ્પેન્ડરામાં રહેતા એક ઉદ્યોગપતિના ઘરે આજે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ નવચંડી યજ્ઞના કાર્યક્રમમાં બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ હાજરી આપી હતી. તેમનું વડોદરામાં એકાએક આગમન થતાં શ્રદ્ધાળુઓ ચોંકી ઊઠ્યા હતા અને તેમનાં દર્શનનો લહાવો લેવા માટે પહોંચી ગયા હતા.

adv

Related News

post
post
post
post
post
post
post