• Home
  • News
  • અત્યારસુધી ફેલ રહી ધોની-શાસ્ત્રી-વિરાટની ત્રિપુટી:2 વનડે અને 1 T-20 વર્લ્ડ કપમાં ત્રણેય એકસાથે કરી ચૂક્યા છે કામ, ટીમ ઈન્ડિયા ત્રણેય સેમીફાઇનલમાં હારી
post

8 વર્ષથી કોઈ ICC ટાઈટલ ઈન્ડિયા જીતી નથી શક્યું

Written By newsonline | Ahmedabad | Published: 2021-09-13 10:16:59

ઓક્ટોબર-નવેમ્બરમાં UAE અને ઓમાનમાં આયોજિત T-20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમની જાહેરાત થઈ ચૂકી છે. આ દરમિયાન વિરાટ કોહલી કેપ્ટન રહેશે તથા રવિ શાસ્ત્રી કોચ અને મહેન્દ્ર સિંહ ધોની મેન્ટરની ભૂમિકામાં નજર આવશે. આ પહેલીવાર નથી થઈ રહ્યું કે જ્યારે કોઇ મોટી ICC ટૂર્નામેન્ટમાં વિરાટ, ધોની અને શાસ્ત્રીની ત્રિપુટી એક સાથે કામ કરશે. આની પહેલા 2015 અને 2019માં વનડે વર્લ્ડ કપ અને 2016માં T-20 વર્લ્ડ કપમાં પણ આ ત્રણેય ટીમ મેનેજમેન્ટમાં એકસાથે જોવા મળ્યા હતા. પરંતુ આ તમામ ટૂર્નામેન્ટમાં ઈન્ડિયન ટીમ ચેમ્પિયન બની શકી નહતી.

2015માં પહેલીવાર ત્રણેયની ત્રિપુટી બની
મહેન્દ્ર સિંહ ધોની, વિરાટ કોહલી અને રવિ શાસ્ત્રીની ત્રિપુટી પહેલીવાર 2015માં ઓસ્ટ્રેલિયામાં આયોજિત વનડે વર્લ્ડ કપમાં સાથે જોવા મળી હતી. ત્યારે ધોની ટીમનો કેપ્ટન હતો અને વિરાટ કોહલી ઈન્ડિયન બેટિંગ ઓર્ડરનો સ્ટાર ખેલાડી હતો. તે જ સમયે રવિ શાસ્ત્રીની ઈન્ડિયન ટીમમાં ડાયરેક્ટર તરીકે એન્ટ્રી થઈ હતી. આ ટૂર્નામેન્ટમાં ઈન્ડિયન ટીમ સેમીફાઇનલ સુધી પહોંચી હતી. જેની છેલ્લી ચાર મેચમાં ઈન્ડિયન ટીમને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો, ઓસ્ટ્રેલિયાએ 95 રનથી મેચ જીતીને ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. ઓસ્ટ્રેલિયાએ ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને હરાવી ટાઇટલ જીત્યું હતું.

2016 T-20 વર્લ્ડ કપમાં વેસ્ટઈન્ડિઝને હરાવ્યું
ધોની, વિરાટ અને શાસ્ત્રીની ત્રિપુટી 2016 T-20 વર્લ્ડ કપમાં પણ સાથે હતા. ત્યારે ધોની કેપ્ટન, વિરાટ કોહલી વાઇસ કેપ્ટન અને શાસ્ત્રી ટીમનો ડાયરેક્ટર હતો. આ ટૂર્નામેન્ટનું આયોજન ઈન્ડિયામાં જ થયું હતું. જેમાં પણ ટીમ સેમીફાઇનલથી આગળ વધી શકી નહતી. મુંબઈમાં રમાયેલી સેમીફાઇનલ મેચમાં વેસ્ટઈન્ડિઝે ભારતને 2 બોલ બાકી રહેતા 7 વિકેટથી હરાવી. વેસ્ટઈન્ડિઝે ફાઇનલમાં ઇંગ્લેન્ડને હરાવી ટાઇટલ જીત્યું હતું.

2019માં ન્યૂઝીલેન્ડે ઈન્ડિયાનો વિજય રથ રોક્યો
ધોની, શાસ્ત્રી અને વિરાટની ત્રિપુટી છેલ્લીવાર એકસાથે 2019માં ઇંગ્લેન્ડમાં આયોજિત વનડે વર્લ્ડ કપમાં એક સાથે ઉતરી હતી. આ સમયે વિરાટ કોહલી કેપ્ટન, ધોની સીનિયર બેટ્સમેન/વિકેટકીપર અને શાસ્ત્રી કોચ હતા. ઈન્ડિયાએ લીગ મેચમાં પ્રશંસનીય પ્રદર્શન દાખવી 9માંથી 7 મેચ જીતીને સેમીફાઇનલ માટે ક્વોલિફાય કર્યું હતું. તેમછતાં સેમીફાઇનલ મેચ હારીને ઈન્ડિયન ટીમનો વિજય રથ થંભી ગયો હતો.

ધોનીની કેપ્ટનશીપમાં 2 વર્લ્ડકપ જીત્યા, પરંતુ 6 હાર્યા
આ વાત યોગ્ય છે કે MS ધોની લિમિટેડ ઓવર્સની ક્રિકેટમાં ઈન્ડિયાનો સૌથી સફળ કેપ્ટન રહ્યા છે. તેમની હાજરી 2021 T-20 વર્લ્ડકપમાં પણ ટીમ ઈન્ડિયાનો જૂસ્સો વધારશે. પરંતુ, તે ભૂલવું ના જોઈએ કે ધોનીની કેપ્ટનશીપ હેઠળ ઈન્ડિયાને 6 વર્લ્ડકપમાં હારનો સામનો પણ કરવો પડ્યો છે. તેમાં પાંચ T-20 વર્લ્ડકપ (2009, 2010, 2012, 2014 અને 2016) અને 1 વનડે વર્લ્ડકપ (2015) સામેલ છે. તેથી મેન્ટર તરીકે ધોનીની હાજરીથી જીતની કોઈ ગેરન્ટી નથી. ટીમ ઈન્ડિયાએ નોકઆઉટ રાઉન્ડમાં પોતાનું પ્રદર્શન સુધારવુ જ પડશે.

8 વર્ષથી કોઈ ICC ટાઈટલ ઈન્ડિયા જીતી નથી શક્યું
ઈન્ડિયન ટીમ છેલ્લા 8 વર્ષોથી કોઈ પણ ICC ટાઈટલ જીતી શકી નથી. ઈન્ડિયાએ છેલ્લી ટ્રોફી 2013માં (ICC ચેમ્પિયન્સ ટ્રોફી) જીતી હતી. ત્યારે ઈન્ડિયાએ ફાઈનલમાં ઈગ્લેન્ડને હરાવ્યું હતું. ત્યારબાદ ઈન્ડિયન ટીમ 2015 અને 2019ના વન-ડે વર્લ્ડકપ અને 2016ના ટી-20 વર્લ્ડકપના સેમિફાઈનલમાં હારી હતી. સાથે જ ઈન્ડિયન ટીમ 2017માં રમાયેલી ચેમ્પિયન ટ્રોફી અને 2021માં રમાયેલ ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ હારી હતી.