• Home
  • News
  • સુરતમાં ઝાડા-ઊલટી અને તાવનો કહેર:24 કલાકમાં 3 બાળક સહિત 5નાં મોત, એક માસૂમ તો 9 દિવસનો ને પરિવારનો એકનો એક પુત્ર, 2 મહિનાની બાળકી સિવિલ ન પહોંચી શકી
post

સાઉથ ગુજરાતમાં રોગચાળો સતત વધી રહ્યો છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-08-14 17:52:58

સુરતમાં રોગચાળામાં મોતના આંકડાઓમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ઝાડા ઊલટી અને તાવના પગલે 3 બાળકો સહિત પાંચનાં મોત થયાં છે. જેમાં એક બાળક તો માત્ર 9 દિવસનું હતું. જેનું નામકરણ પણ કરવામાં આવ્યું ન હતું અને પરિવારનો એકનો એક દીકરો હતો.

તાવે ઉથલો માર્યા બાદ કમળો થતા મોત
યુપીના રહેવાસી ઇરફાનભાઈ અબાજ બે વર્ષથી સુરતમાં સિલાઈકામ કરી રોજગારી મેળવી રહ્યા હતા. પિંકી બહેનને આ ત્રીજી પ્રસૂતિ હતી. બાળકના જન્મ બાદ એને તાવ આવતા બે દિવસ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. ત્યારબાદ રજા આપી દેવાય હતી. જોકે ઘરે આવ્યાના ત્રીજા દિવસે ફરી તાવે ઉથલો માર્યા બાદ કમળો થઈ ગયો હતો. સારવાર માટે સિવિલ લઈ આવતા મૃત જાહેર કરાયો હતો. બે બહેનોનો એકનો એક ભાઈ રોગચાળામાં છીનવાઇ જતા પરિવાર શોકમાં ડૂબી ગયો હતો.

પેટમાં દુખાવો અને ઝાડા થતા મોત
મનોજ કનોજિયા યુપીના રહેવાસી અને ડીંડોલીના લક્ષ્મી નારાયણ નગરમાં રહે છે. મજૂરી કામ કરી સહપરિવારનું ગુજરાન કરે છે. 14 વર્ષીય દીકરી આસ્થાને અચાનક પેટમાં દુખાવો અને ઝાડા થઈ જતા સિવિલ લઈ આવ્યાં હતાં. જ્યાં મોત નીપજ્યું હતું. ધોરણ-8 બાદ દીકરી આસ્થા બીમારીને લઈ ઘરે જ રહેતી હતી. ત્રણ સંતાનોમાં આસ્થા સૌથી નાની દીકરી હતી.

 

ઉધરસ સાથે તાવ આવતા મોત
પાંડેસરા વિસ્તારમાં આવેલા જલારામનગરમાં પ્રમોદ યાદવ પરિવાર સાથે રહે છે. તેમની દીકરી નિશા માત્ર બે મહિનાની હતી. લગ્ન બાદ આ પહેલું બાળક હતું. અચાનક ઉધરસ સાથે તાવ આવતા સિવિલ લઈ આવ્યાં હતાં. જ્યાં નિશાને મૃત જાહેર કરાઈ હતી. જોકે મૃત્યુનું કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું ન હતું.

ઝાડા-ઊલટીઓ બાદ મોત
ચોકબજાર વિસ્તારમાં રહેતાં 40 વર્ષીય નસીમબાનુ મહંમદ સિદ્દીકી કુંવારા હતા. ચાર ભાઈઓમાં બે ભાઈઓ સાથે રહેતા હતા. બે-ચાર દિવસથી ઝાડા-ઊલટીઓ થતી હતી. ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. વધુ તબિયત બગડતા સિવિલ લઈ આવ્યા હતા. જ્યાં તબીબોએ મૃત જાહેર કર્યા હતા.

તાવ-ઝાડા અને ઊલટી બાદ મોત
નંદુરબારમાં અવિનાશ મગનભાઈ પરિવાર સાથે રહે છે. તેમની 7 મહિનાની દીકરી મોગરીને બે દિવસથી તાવ-ઝાડા અને ઊલટીઓ થઈ રહી હતી. મહારાષ્ટ્ર નંદુરબારની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા બાદ સુરત રિફર કરાઈ હતી. સિવિલ લઈ આવતા જ મૃત જાહેર કરાઈ હતી.

સાઉથ ગુજરાતમાં રોગચાળો સતત વધી રહ્યો છે
સુરત સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડો. ગણેશ ગોવેકરે જણાવ્યું હતું કે, હાલ વરસાદના લીધે સાઉથ ગુજરાતમાં રોગચાળો સતત વધી રહ્યો છે. સાઉથ ગુજરાત અને મહારાષ્ટ્રના મળીને ઘણા કેસો આવી રહ્યા છે. ઝાડા-ઊલટીના કેસમાં વધારો છે અને ફીવરના કેસમાં પણ ઘણો વધારો છે. છેલ્લા 12 દિવસના આંકડાની વાત કરીએ તો ઝાડા-ઊલટીના 38 કેસ આવ્યા છે, મલેરિયાના 7 કેસ, ડેન્ગ્યુના 24 કેસ, ફીવર અને નોન ફીવરના 76 કેસ, કોલેરાના 2 કેસ, કમળાના 3 કેસ છે. આમ, છેલ્લા 24 કલાકમાં 5 કેસ એવા છે કે, બ્રોડ ડેડ કરીને લાવેલા છે. આવા કેસમાં ડી આર્ડેનના લીધે બાળકોનું તરત મૃત્યુ થઈ જાય છે. જો અવેરનેસ રાખવી જરૂરી છે. જો બાળકોને ઝાડા-ઊલટી થાય તો નજીકના આરોગ્ય કેન્દ્વમાં તપાસ કરાવવી જોઈએ.

adv

Related News

post
post
post
post
post
post
post