• Home
  • News
  • કોરોનાને માત આપવા 12 કલાક કામ કરતા સુરતના સિવિલ હોસ્પિટલના મહિલા ડોક્ટરને આરોગ્ય સચિવ જયંતિ રવિનું ઉપનામ અપાયું
post

મહિલા તરીકે ત્રણ ત્રણ પદ પર કામ કરીને તમામ કામમાં સફળ

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-27 12:00:41

સુરત: આ સમય પરિવાર માટે નહીં પણ દેશ માટે સમર્પિત કરવાનો છે, જો ડોક્ટર જ આરામ કરશે તો આ માહામારી દેશના વિનાશનું કારણ બનશે એવું કહેતા સુરત સિવિલ હોસ્પિટલ ડો. પારુલ વડગામાની આ વાતે તમામ ડોક્ટરોમાં પ્રોત્સાહનના બીજ વાવ્યા છે. છેલ્લા એક મહિના થી માત્ર 6 કલાકની જ ઉંઘ કાઢી કામે આવી જતા ડો. પારુલબેનને સાથી ડોક્ટરો આ કોરોના વાઇરસના કહેર વચ્ચે કામગીરીમાં સૌથી વ્યસ્ત રહેતી મહિલા ડોક્ટર તરીકેની ઓળખ આપી રહ્યા છે. એક મહિલા તરીકે ત્રણ ત્રણ પદ પર એક સાથે કામ કરીને તમામ કામમાં સફળ થવું એ તો ડો. પારુલ બેન જ કરી શકે એવું આજે પણ એમને સાથે કામ કરનારા ડોક્ટરો કહી રહ્યા છે. હાલ તો કોરોનાને માત આપવા સતત 12 કલાક કામ કરતા ડો. પારૂલ વડગામા સુરતના આરોગ્ય સચિવ જયંતિ રવિનું ઉપનામ પણ આપવામાં આવ્યું છે.

સાથી ડોક્ટરોમાં પોતાની ઓળખ ઉભી કરી

સુરત સિવિલ હોસ્પિટલના ફેફસાના નિષ્ણાંત, સુરત IMA ના પ્રમુખ અને હાલ સિવિલ હોસ્પિટલની કોવિડ-19 હોસ્પિટલના મેનેજમેન્ટ કમિટીના સભ્યની જવાબદારી નિભાવતા ડો. પારુલ વડગામા ઉ.વ. 49 (રહે અમરોલી નીલકંઠ રેસિડેન્સી)એ જણાવ્યું હતું કે, MD પલમોનારી (ફેફસાના નિષ્ણાંત) પર પીજી કર્યા બાદ સ્મીમેર હોસ્પિટલમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે નોકરી જોઈન્ટ કરી હતી. સતત 9 વર્ષ સુધી સ્મીમેર હોસ્પિટલમાં ફરજ બજાવ્યા બાદ સિવિલ હોસ્પિટલમાં સહ પ્રાધ્યાપક તરીકે હાલ સેવા આપી રહી છું. 15 વર્ષની ટૂંકા ગાળાની નોકરીમાં અનુભવ અને આશીર્વાદ સિવાય કંઈ હાંસલ કર્યું હોય એ યાદ નથી. બસ કંઈક કરવું છે એ વિચારથી જ કામ કરતી રહી છું અને સાથી ડોક્ટરોમાં પોતાની ઓળખ ઉભી કરતી આવી છું.

3400 ડોક્ટર મિત્રોનો ખૂબ જ સારો સહકાર મળ્યો

ડો. પારૂલે વધુમાં જણાવ્યું હતું કે, ફિલ્ડ કોઈ પણ હોય એમાં ગધેડાની જેમ કામ કરવા કરતા સુંદર અને આયોજિત કામ કરવાનું પસંદ કરું છું. જેથી ઓક્ટોબર 2019માં સુરત IMAના પ્રમુખ તરીકેની ચૂંટણી લડવાનો વિચાર બનાવ્યો અને જીત હાંસલ કરી સુરત IMA ને શિખર પર લઈ જવાના પ્રયાસમાં જોતરાઈ ગઈ હતી. એક વર્ષમાં અનેક એવા કામો કર્યા છે જે IMA સુરત વિંગમાં કદાચ પહેલી જ વાર થયા હોય પણ એ કામો આજે યાદગાર બની રહ્યા છે. જેમાં મારા સિનિયર ડોક્ટરો અને IMA ના 3400 ડોક્ટર મિત્રોનો ખૂબ જ સારો સહકાર મળ્યો છે.

સુરતમાં કોરોનાનો પહેલો કેસ નોંધાયા બાદ રોજ 12 કલાકની કામગીરી

ડો. પારૂલે વધુમાં ઉમેર્યું હતું કે, ભારતમાં કોરોના વાઇરસના પ્રવેશ બાદ સતત આ વાઇરસ સામે કેવી રીતે કામ કરી શકાય એની માહિતી ગુગલ સહિતના અન્ય માધ્યમો દ્વારા એકત્રિત કરતી આવી છું. આ મહામારીનો સુરતમાં પહેલો કેસ નોંધાયા બાદ સતત 12 કલાકની કામગીરી અને આ જગ સામે લડવાના આયોજન કરતી આવી છું. હા એક બાજુ IMAની જવાબદારી અને બીજી બાજુ કોવિડ -9 હોસ્પિટલના મેનેજમેન્ટ કમિટીના સભ્ય તરીકેની જવાબદારી શરૂઆતમાં ખૂબ જ અઘરી લાગતી હતી. જોકે, સિવિલ અને ખાનગી ડોક્ટરો સાથેના સંકલન બાદ આજે લગભગ 30 દિવસ બાદ સરળ લાગે છે.

તંત્ર સાથે સંકલન કરી પ્રશ્નોનું નિરાકરણ લાવ્યા

ડો. પારૂલે વધુમાં કહ્યું હતું કે, આજે પણ  IMA, સિવિલ હોસ્પિટલ, કલેકટર, સુરત મહાનગર પાલિકાના કમિશનર સાથે સંકલન સાથે અનેક નાના મોટા પ્રશ્નોનું નિરાકરણ લાવી રહ્યા છે. સાથે સાથે ટ્રોમા, આઇસોલેશન વોર્ડ , ICU અને રોટેશનમાં TB વિભાગના 70 ટકા કામ કરતા સ્ટાફનું મોનિટરીંગ કરવાની જવાબદારી પણ નિભાવી રહી છું. લગભગ આવતા અઠવાડિયામાં પોતે પણ રોટેશન ડ્યુટી લઈ કોરોના વાઇરસના દર્દીઓની સેવા કરવાની ઈચ્છા પૂરી કરીશ.

અમદાવાદમાં ફસાયેલી દીકરીની યાદમાં આંખ ભરાઈ આવે છે

પરિવારના સભ્યો બાબતે કહ્યું હતું કે, મારી 7 વર્ષની દીકરી દાદી સાથે અમદાવાદમાં વેકેશન માટે ગઈ હતી અને લોકડાઉન બાદ ત્યાં ફસાઈ ગઈ છે. એક મહિનાથી દૂર રહેતી એકની એક દીકરી સાથે 10 મિનિટ પણ વાત કરવાનો સમય નથી મળતો. પણ એની યાદ આવે એટલે આંખ ઉભરાઈ જાય છે. મારી દીકરીની ઉંમરના દર્દીઓમાં હું મારી દીકરીને જોઈ એની સાથે જીવી લેવાનો પ્રયાસ કરી લઉં છું. મારા પતિ પણ ફિઝિશિયન છે એમની પોતાની હોસ્પિટલ છે એટલે એ પણ આ સમયમાં વ્યસ્ત હોય છે. જોકે રાત્રે બન્ને સાથે જમવાનો મોકો ચૂકતા નથી અને આખા દિવસની દિન ચર્ચા કરી સ્વપ્નની દુનિયામાં ખોવાઈ જઇએ છીએ.