• Home
  • News
  • SVP હોસ્પિટલના કોરોના વોરિયર્સ:ડોક્ટર્સનો સંઘર્ષ એવો કે બરાબર શ્વાસ લઈ શકતા નથી, 12-12 કલાક પાણી પી શકતા નથી, પરિવારથી પણ દૂર રહ્યા
post

કોરોનાથી ડોક્ટરોનાં મોત મામલે ગુજરાત દેશમાં બીજા ક્રમે, છતાં આવું અદમ્ય સમર્પણ

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-10 09:41:51

અમદાવાદની SVP હોસ્પિટલનાં મેડિસિન વિભાગના HOD ડો. અમી પરીખે જણાવ્યું હતું કે, જ્યારે કોરોનાનો સૌથી પહેલો પેશન્ટ અમારી હોસ્પિટલમાં ગત 16મી માર્ચે ભરતી થયો ત્યારે એના કરતાં વધુ અમને ડર હતો. એક તો અમને પોતાને ચેપ ન લાગે તેનો ડર અને બીજો આ રોગ પ્રસરે એનો ડર હતો. પહેલા જ દિવસથી અમને ખબર હતી કે, અમારે તકેદારી રાખવી પડશે અને અમારે અમારી જીવનશૈલી બદલવી પડશે, પણ અમે ક્યારેય કલ્પના પણ કરી નહોતી કે આટલો લાંબો સમય અને આટલી બધી રીતે જીવનશૈલી બદલવી પડશે. અમદાવાદમાં કોરોનાનો પહેલો કેસ 17 માર્ચે આવ્યો ત્યારથી આજદિન સુધી એટલે કે લગભગ 175 દિવસ અને 4200 કલાક સુધી અમારી કુલ 543 ડોક્ટરોની ટીમે સતત આઈસીયુ અને વોર્ડમાં ફરજ બજાવી છે. આટલા દિવસોમાં કુલ 8000થી વધુ દર્દીઓની સારવાર કરી અને 1000 દર્દીઓ આઈસીયુમાં હતાં

સૌથી મોટી બીક એ હતી કે અમને ચેપ લાગે તો પરિવારના સભ્યો પણ જોખમાય. અમારો આ ડર સાવ પાયા વગરનો ન હતો. 74 ડોક્ટરને કોરોના ચેપ લાગ્યો પણ ખરો. ડોક્ટર તરીકે ઈન્ફેક્શનથી કેવી રીતે દૂર રહેવું તેની જાણ હતી પણ આ હદે કોરોના ફેલાયો કે અમારા માટે પણ પ્રોટોકોલ બનાવ્યો પડ્યો અને તેનું ચુસ્ત પાલન કરવું પડ્યું. 12-12 કલાક સુધીની ડ્યૂટીમાં પીપીઈ કિટ પહેરી રાખવી પડતી હતી. વધારામાં જેટલા કલાક ડ્યૂટી હોય એટલા કલાક પાણી પણ પી શકાતું નહીં કે ટોઈલેટ પણ જઈ શકાતું નહીં. એકવાર ડ્યૂટી અવર્સ પૂરા થયા પછી ડોક્ટરોએ ઘરે જવાનું ટાળી ક્વોરન્ટીનમાં રહેવાનું પસંદ કર્યું.જેથી બીજા કોઈને ચેપ લાગવાનો ખતરો ન હતો.

મને યાદ છે કે, કોવિડ પહેલાં ડોક્ટરોની ટીમ બપોરે સાથે બેસીને જમતી અને લોન્જમાં ગપસપ પણ કરતા, કોઈનો જન્મદિવસ હોય તો કેક પણ કાપતા હતા.પણ કોરોનાના આગમન સાથે આ બધું બદલાયું, 175 દિવસથી અમે માત્ર વોટ્સએપ મેસેજથી જ વાત કરીએ છીએ. મારા એક એસોસિએટને ચેપ લાગ્યો ત્યારે હું ફફડી ગઈ હતી. મારો ફફડાટ મને ચેપ લાગવાનો નહીં પણ પરિવારમાં ચેપ ફેલાવાનો હતો. જો કે, બધો ડર નેવે મૂકી ડ્યૂટીને જ પ્રાથમિકતા અપાઈ. અમારી ટીમના એક ડોક્ટરના દાદાનું અવસાન થયું તો તેઓ માત્ર 1 કલાક માટે જઈને પાછા આવ્યા.

એપ્રિલ અને મેમાં સ્થિતિ ભયાવહ હતી. આ એ સમય હતો જ્યારે યુવા દર્દીઓનું પ્રમાણ વધુ હતું. દસ કે બાર દિવસે દર્દી સ્વસ્થ થાય અને અમે વોર્ડમાં મોકલવા કે રજા આપવા વિચારતા હોઈએ ત્યારે એ દર્દીનું મૃત્યુ થાય. આજે પણ એ દૃશ્ય આંખ સામે આવે ત્યારે ઝળઝળિયા આ‌વી જાય છે. તમે એમ માનતા હોવ કે બધુ તમારા હાથમાં છે તો તે તમારી ભૂલ છે. ભલે અમારા હાથમાં કશું ન હતું, પરંતુ પરિણામ માટેનું સમર્પણ હતું. પ્રારંભમાં અમે ઈટાલીની સ્થિતિ ફોલો કરતા હતા. તેમના બ્રોડકાસ્ટ, વેબકાસ્ટ સહિતની બાબતોનો અભ્યાસ કરી શું કરી શકાય તેનો નિચોડ કાઢવાનો પ્રયત્ન કરતા હતા. જોકે એકંદરે જુલાઈથી પરિસ્થિતિ ઘણી સુધરી છે.

દર્દીઓને અન્ય બિમારી ન હતી છતાં મૃત્યુ પામતા
એસવીપીના સિનિયર રેસિડન્ટ ડોક્ટર ડો. રતનેશ શર્માએ જણાવ્યું કે, એપ્રિલ અને મે મહિનો અમારા માટે ખૂબ આઘાતજનક હતા. કોરોનાના દર્દીઓમાં યુવાનોની સંખ્યા ખૂબ વધુ હતી. ચિંતાજનક વાત તો એ હતી કે, આ દર્દીઓમાં કોરોના સિવાય ડાયાબીટિસ, બ્લડ પ્રેસર, હૃદય કે કિડનીની અન્ય કોઈ બીમારી ન હતી. છતાં મૃત્યુદર ઊંચો હતો. મધ્ય માર્ચથી મધ્ય એપ્રિલ સુધી આવેલા દર્દીઓ મોટાભાગે વૃદ્ધ કે આધેડ વયના હતા. આ દર્દીઓમાં અન્ય બીમારી હતી. જેમને મેડિકલની ભાષામાં કોમોર્બિડ કહેવામાં આવે છે.

લોકડાઉન પછી વધુ ચેપ ફેલાવવાની ચિંતા હતી
એસવીપીના સિનિયર રેસિડન્ટ ડોક્ટર ડો. વ્યોમ બૂચના જણાવ્યા અનુસાર લોકડાઉન દરમિયાન કેસની સંખ્યા ઉત્તરોત્તર વધતી જતી હતી. વધારામાં દર્દીઓમાં ઈન્ફેક્શન લોડ પણ ઘણો વધારે જોવા મળતો હતો. એપ્રિલ અને મેમાં મૃત્યુદર પણ ઘણો ઊંચો હતો. જૂનથી લોકડાઉનમાં રાહતની શરૂઆત થઈ. આ સમયમાં અમારી ચિંતા વધી ગઈ હતી. કારણ કે, ચેપ ફેલાવવાનું જોખમ વધારે હતું. પણ ભગવાનનો પાડ માનો કે, પરિણામ ધાર્યું એટલું માઠું આવ્યું નહીં. જુલાઈ પછી પરિસ્થિતિમાં સુધારો થવા લાગ્યો.

રાજ્યમાં કોરાનાથી 23 ડોક્ટરોનાં મોત, 400ને ચેપ લાગ્યો
ગુજરાતમાં કોરોનાનો પહેલો કેસ રાજકોટમાં નોંધાયો હતો અને ત્યારબાદ 17 માર્ચે અમદાવાદમાં પહેલો કેસ આવ્યો હતો. ત્યારથી અત્યારસુધી રાજયમાં કોરોનાથી 23 ડોકટરોના મોત થયા છે અને 400 જેટલા ડોકટરોને કોરોનાનો ચેપ લાગ્યો છે. એક વાર કોરોનાથી સાજા થઈ ગયા હોય અને ફરીથી ડયુટી પર ગયા હોય તેવા બે ડોકટરોને પણ કોરોનાનો ફરીથી ચેપ લાગ્યો છે. ચેપ લાગવાની ભીતિ વચ્ચે પણ સતત આઈસીયુ અને વોર્ડમાં કોઈ પણ પ્રકારના ભય વચ્ચે સતત ડોકટરો સારવાર કરી રહ્યાં છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post