• Home
  • News
  • ઓવૈસીની ગુજરાતમાં દમદાર એન્ટ્રીથી ભાજપને ફાળ પડે છે કે કોંગ્રેસને? KHAM વોટબેન્કમાંથી AMની બાદબાકી કોને ફળશે, કોને નડશે?
post

ગુજરાતમાં મુસ્લિમોની વસ્તીના પ્રમાણમાં વિધાનસભા, લોકસભામાં પૂરતું પ્રતિનિધિત્વ નથી એ મુદ્દો આ વોટબેન્કને ખેડવવામાં ઓવૈસીને સહાયભૂત થશે

Written By newsonline | Ahmedabad | Published: 2021-02-11 09:01:38

ગુજરાત વિધાનસભાની 2022માં આવનારી ચૂંટણી પહેલાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીની સેમિ-ફાઈનલનો તખ્તો ઘડાઈ ચૂક્યો છે. ગુજરાતમાં પરંપરાગત હરીફ ગણાતાં ભાજપ-કોંગ્રેસ ઉપરાંત આ વખતે વધુ બે પક્ષો આમઆદમી પાર્ટી અને અસદુદ્દિન ઓવૈસીની ઓલ ઈન્ડિયા મિજલસે ઈત્તિહાદ ઉલ મુસલમિન (AIMIM)એ પણ ઝુકાવ્યું છે. ઓવૈસીએ મધ્ય-દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં મજબૂત પકડ ધરાવતા છોટુભાઈ વસાવાની ભારત ટ્રાઈબલ પાર્ટી (BTP) સાથે જોડાણ કર્યું છે.

આ બે પક્ષોનું જોડાણ કોંગ્રેસ સમર્થક ગણાતી આદિવાસી અને મુસ્લિમ વોટબેન્કમાં ફાચર મારવામાં નિર્ણાયક બની શકે છે. માધવસિંહે KHAM (ક્ષત્રિય, હરિજન, આદિવાસી, મુસ્લિમ) થિયરી દ્વારા બનાવેલી કોંગ્રેસની અડીખમ વોટબેન્ક ભાજપના જુવાળ સામે વેરવિખેર થઈ ચૂકી છે ત્યારે KHAMમાંથી AMની બાદબાકી કોંગ્રેસનો રહ્યોસહ્યો જનાધાર પણ છીનવી શકે છે. એથી ભાજપ છાવણી હાલ ગેલમાં હોઈ શકે, પરંતુ આ ગઠબંધન જો ટકી જાય તો ભવિષ્યમાં એ ભાજપની ચિંતા વધારનારું પણ બની શકે છે.

આવું છે ગુજરાતનું કાસ્ટ કમ્પોઝિશન
ગુજરાતમાં ઓબીસી સમાજની વસ્તી સૌથી વધુ 43 ટકા જેટલી છે. તેમાં ઠાકોર, કોળી જેવી જ્ઞાતિઓ પ્રભાવશાળી ગણાય છે. બીજા ક્રમે 15 ટકા સાથે આદિવાસી મતદારો છે, પરંતુ દક્ષિણ ગુજરાત, નર્મદા-ભરુચ, ગોધરા અને સાબરકાંઠા વિસ્તાર પૂરતું તેમનું સંખ્યાત્મક પ્રભુત્વ છે. જ્યારે સૌરાષ્ટ્રમાં આદિવાસી સમાજની કોઈ નોંધપાત્ર વસ્તી નથી. ત્રીજા ક્રમે આશરે 13થી 15 ટકા સાથે પાટીદાર મતદારો છે, જે ગુજરાતમાં હંમેશા પ્રભાવશાળી સમુદાય રહ્યો છે. પછીના ક્રમે આશરે 10 ટકા વસ્તી સાથે મુસ્લિમ સમુદાય છે, પરંતુ ભાજપના ઉદય પછી ગુજરાતની રાજનીતિમાંથી મુસ્લિમ સમુદાયનું પ્રતિનિધિત્વ ક્રમશઃ ઘસાતું રહ્યું છે. અનુસુચિત જાતિ 8% વસ્તી ધરાવે છે અને દરેક રાજકીય પક્ષ તેને નોંધપાત્ર વોટબેન્ક તરીકે સ્વીકારે છે. ક્ષત્રિય સમાજ 6 ટકા જેટલો છે, પરંતુ તેમાં ઓબીસીમાં સમાવિષ્ટ ક્ષત્રિયોને પણ ઉમેરવામાં આવે તો આ પ્રમાણ ખાસ્સું ઊંચું જાય છે. બ્રાહ્મણ, વાણિયા, લોહાણા, જૈન વ. 5થી 7 ટકામાં સ્થાન પામે છે અને આ સમુદાય મોટાભાગે ભાજપની કમિટેડ વોટબેન્ક ગણાય છે.

માધવસિંહની KHAM થિયરી કેમ અભૂતપૂર્વ હતી?
એંશીના દાયકામાં માધવસિંહ સોલંકીએ ક્ષત્રિય, હરિજન, આદિવાસી અને મુસ્લિમ વોટબેન્કને ધ્યાનમાં રાખીને KHAM થિયરી અમલમાં મૂકી હતી. અહીં એ પણ નોંધવું જોઈએ કે ત્યારે ક્ષત્રિય સમાજમાં OBCનું પેટાવિભાજન થયું ન હોવાથી ક્ષત્રિય સમાજની વસ્તીની ટકાવારી આશરે 14 ટકા જેટલી હતી. એ હિસાબે આ ચાર સમુદાયની કુલ 48 ટકાની વોટબેન્ક કોંગ્રેસની તરફેણમાં લાવીને માધવસિંહે ગુજરાત વિધાનસભાની 149 બેઠકો અંકે કરી હતી, જે આજે પણ અતૂટ વિક્રમ છે. KHAM થિયરીને લીધે ગુજરાતની રાજનીતિમાંથી પાટિદારોને પોતાનો એકડો નીકળી જતો હોવાનું અનુભવાયું. પરિણામ અનામત વિરોધી આંદોલનના પગલે પાટીદારોની આગેવાની હેઠળની સવર્ણોની વોટબેન્ક ભાજપના સમર્થનમાં ગઈ અને એ રીતે ગુજરાતની રાજનીતિમાં ભાજપનો ઉદય થયો, જે આજે ગુજરાતમાં અપરાજેય મનાય છે.

મુસ્લિમોનું પ્રતિનિધિત્વ સતત ઘટ્યું

·         ગુજરાતમાં મુસ્લિમોની વસ્તી 10 ટકા જેટલી છે. સંખ્યાના હિસાબે જોઈએ તો ગુજરાત વિધાનસભામાં પણ મુસ્લિમોનું પ્રતિનિધિત્વ 15થી 18 બેઠકો જેટલું હોવું જોઈએ, પરંતુ ગુજરાત વિધાનસભાના ઈતિહાસમાં કદી એટલાં મુસ્લિમો ધારાસભ્ય બન્યાં નથી.

·         માધવસિંહે જેમાં વિક્રમજનક બેઠકો મેળવી હતી એ 1985ની ચૂંટણીમાં 9 મુસ્લિમો વિધાનસભામાં પ્રવેશ્યા હતા. વિધાનસભામાં મુસ્લિમોના પ્રતિનિધિત્વનો એ સૌથી ઊંચો આંકડો છે.

·         ભાજપે 1995માં માંગરોળ (સૌરાષ્ટ્ર) બેઠક પરથી શહેનાઝ બાબીને ટિકિટ આપી હતી અને તેઓ પરાજિત થયા હતા. એ પછી છેલ્લાં 25 વર્ષથી ભાજપે એકપણ મુસ્લિમને ટિકિટ આપી નથી.

·         સામા પક્ષે કોંગ્રસે ટિકિટ આપી હોવા છતાં મુસ્લિમ ઉમેદવારોની વિધાનસભામાં સંખ્યા સતત ઘટતી રહી છે.

·         2002માં 3, 2007માં 5, 2012માં 2 અને 2017માં 3 મુસ્લિમો વિધાનસભામાં પ્રવેશવામાં સફળ નીવડ્યા હતા.

·         લોકસભામાં તો મુસ્લિમોનું પ્રતિનિધિત્વ વિધાનસભાથી પણ કમજોર રહ્યું છે. છેલ્લે 1984માં ભરુચ બેઠક પરથી અહમદ પટેલ લોકસભામાં ચૂંટાયા હતા. એ પછી આજ સુધી ગુજરાતની 26 પૈકી એકપણ બેઠક પર મુસ્લિમ ઉમેદવાર જીત્યા નથી.

ઓવૈસી ફેક્ટર કોંગ્રેસ માટે ભયજનક
ગુજરાતના ચૂંટણીકારણમાં અસદુદ્દિન ઓવૈસીના AIMIMની હાજરી માત્રથી કોંગ્રેસના પેટમાં ફફડાટના ગૂંચળા વળતાં હોય તો નવાઈ નથી. કારણ કે મુસ્લિમ મતદારો માટે અત્યાર સુધી કોંગ્રેસ સિવાય કશી આશા હોતી નથી અને કોંગ્રેસનું કમજોર નેતૃત્વ સત્તા મેળવવામાં તો નિષ્ફળ રહે જ છે, અસરકારક વિપક્ષ પણ સાબિત થઈ શકતું નથી. એ સંજોગોમાં ફાયરબ્રાન્ડ અને વિવાદાસ્પદ વિધાનો કરીને આક્રમક રૂખ અપનાવવા માટે જાણીતા ઓવૈસીની ગુજરાતમાં હાજરી કોંગ્રેસની મુસ્લિમ વોટબેન્કમાં મોટી ફાચર મારી શકે છે. ઓવૈસીએ ગુજરાતમાં છોટુભાઈ વસાવાની BTP સાથે ચૂંટણીજોડાણ કર્યું એ પણ વ્યુહાત્મક રીતે ભાજપ કરતાં ય વધુ તો કોંગ્રેસ માટે નુકસાનકારક મનાય છે.

મુસ્લિમ પ્રભુત્વ ધરાવતી વિધાનસભા બેઠક કેટલી?
ગુજરાતના 3 જિલ્લા કચ્છ, ભરુચ અને અમદાવાદ એવાં છે જ્યાં મુસ્લિમ વસ્તી નોંધપાત્ર છે. ગુજરાત વિધાનસભાની કુલ 182 પૈકી 47 બેઠકો એવી છે જ્યાં મુસ્લિમ મતદારોનું પ્રમાણ 10થી 30 ટકા અને કેટલીક બેઠક પર એથી પણ વધારે છે. સ્વાભાવિક રીતે જ, આ બેઠકો પર મુસ્લિમ મતદારો ચૂંટણી પરિણામમાં નિર્ણાયક બની શકે છે. ઓવૈસીની પાર્ટી આ બેઠકો પર નજર જમાવીને બેઠી છે. હવે મુસ્લિમ મતદારોની ટકાવારીના હિસાબે બેઠકોની સંખ્યા અને ગત ચૂંટણીના પરિણામો જોઈએ.

10-15% મુસ્લિમ મતદારો
આવી કુલ 26 બેઠકો છે, જેમાં નરોડા, નિકોલ, ધોળકા જેવી બેઠકોનો સમાવેશ થાય છે. ગત ચૂંટણીમાં આ 26 પૈકી 15 બેઠક ભાજપના ફાળે ગઈ હતી જ્યારે 11 બેઠકો પર કોંગ્રેસનો વિજય થયો હતો.
15-20%
મુસ્લિમ મતદારો
આવી કુલ 11 બેઠકો છે, જેમાં જામનગર, ગીર સોમનાથ અને દ્વારકા જેવી સૌરાષ્ટ્રની બેઠકો પણ સામેલ છે. આ 11 પૈકી ભાજપને 7 અને કોંગ્રેસને 4 બેઠક મળી હતી.
20-25%
મુસ્લિમ મતદારો
આવી કુલ 7 બેઠક છે, જેમાં વાંકાનેર, સિદ્ધપુર બેઠકો સામેલ છે. આ 7 પૈકી ભાજપને 2 અને કોંગ્રેસને 5 બેઠક મળી હતી.
30%
થી વધુ
મુસ્લિમ મતદારોનું ઊંચું પ્રમાણ ધરાવતી કુલ 6 બેઠકો છે જેમાં દરિયાપુર, જમાલપુર-ખાડિયા, ભુજ, વાગરા, સુરત ઈસ્ટ વ. સામેલ છે. ગત ચૂંટણીમાં આ 6 પૈકી ભાજપ-કોંગ્રેસ બંનેને 3-3 મળી હતી.

ઓવૈસી કોને નડશે, કોને ફળશે?
મુસ્લિમ પ્રભુત્વ ધરાવતી કુલ 47 બેઠકો પૈકી કોંગ્રેસને 25 બેઠકો મળી હતી, પરંતુ એ પૈકી 12 બેઠકો પર માર્જિન ત્રણ હજાર મતથી પણ ઓછું હતું. આવી દરેક બેઠકો પર AIMIMની હાજરી કોંગ્રેસ માટે ભયજનક બને એ નિશ્ચિત છે. ભરુચ જિલ્લાની વાગરા વિધાનસભા બેઠક પર મુસ્લિમોનું પ્રમાણ 30 ટકાથી પણ વધુ છે, પરંતુ આ બેઠક ભાજપના ફાળે ગઈ હતી. અહીં રસપ્રદ સ્થિતિ એ હતી કે ભાજપના ઉમેદવાર અરુણસિંહ જાડેજા 2628 મતોથી જીત્યા હતા અને 2807 મતો નોટાના ખાતે પડ્યા હતા. આવી બેઠકો પર મુસ્લિમ મતદારો જો કોંગ્રેસ અને AIMIM વચ્ચે વહેંચાઈ જાય તો ભાજપની જીત આસાન બની જવાની છે. એ જોતાં ગુજરાતમાં ઓવૈસી ફેક્ટર કોંગ્રેસને જ નડવાનું છે અને ભરચક નડવાનું છે.

ભાજપને આજે ફાયદો, આવતીકાલે પડકાર
ગુજરાતમાં આદિવાસી સમુદાયની વસ્તી 15 ટકા જેટલી છે અને વિધાનસભાની લગભગ 27 બેઠકો અનુસુચિત જનજાતિ માટે અનામત છે. દક્ષિણ ગુજરાતમાં ડાંગ, તાપી, સુરત, ભરુચ જિલ્લામાં અનુસુચિત જનજાતિની વસ્તી પ્રભાવશાળી છે. મધ્ય ગુજરાતમાં વડોદરા અને પંચમહાલ જ્યારે ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા મુખ્ય છે. વર્ષ 2017માં 27 બેઠક પૈકી 15 બેઠકો પર કોંગ્રેસને સફળતા મળી હતી. ભાજપને 9 જ્યારે BTPને 1 તેમજ મોરવા હડફની બેઠક પર અપક્ષને જીત મળી હતી. રસપ્રદ બાબત એ છે કે, BTPAIMIM જેવી મુસ્લિમતરફી પાર્ટી સાથે ચૂંટણી જોડાણ કર્યું છે. જ્યાં BTPનો મજબૂત જનાધાર છે એ ભરુચ-નર્મદા જિલ્લામાં મુસ્લિમ વસ્તી નોંધપાત્ર છે. જંબુસર-આમોદ, વાગરા, ડેડિયાપાડા-સાગબારા, અંકલેશ્વર અને ભરુચ બેઠકો પર મુસ્લિમ અને આદિવાસી વોટબેન્કનો સરવાળો 35થી 50 ટકા જેટલો થઈ શકે છે. આ વિસ્તારની 7થી 10 બેઠકો પર BTP-AIMIM ગઠબંધન ભાજપ અને કોંગ્રેસ બંનેને ભારે પડી શકે છે અથવા તો કોંગ્રેસ સાથેની આપસી ભીડંતને લીધે ભાજપને ફાયદો કરાવી શકે છે.

એકંદરે, ઓવૈસી અને છોટુભાઈ વસાવાએ હાથ મિલાવ્યા છે એ હાલના તબક્કે ભાજપ માટે રાહતના સમાચાર ગણી શકાય, પરંતુ આવનારા સમયમાં આ ગઠબંધન જો ટકી રહે તો ભાજપ માટે પડકાર પણ બની શકે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post