• Home
  • News
  • રાજકોટમાં શ્વાનની વસતિગણતરી થશે:RMC 8 વર્ષ પછી ફરી રખડતા એક-એક કૂતરાની વોર્ડવાઇઝ ગણના કરશે, 5 લાખ જેટલો ખર્ચ થશે
post

રાજકોટ, અમદાવાદ સહિતના શહેરોમાં આ કામગીરી રાજ્ય સરકારની સૂચનાથી શરૂ થવાની છે

Written By newsonline | Ahmedabad | Published: 2024-01-30 16:52:33

રાજકોટમાં છેલ્લા કેટલાક સમયથી શ્વાનનાં હુમલાના બનાવો વધ્યા છે. રાત્રે અનેક રસ્તાઓ પર શ્વાનો હોવાથી લોકોને ભય સાથે પસાર થવું પડે છે. આ જોખમ સામે લાંબા ગાળાના પગલા ભરી શકાય તે માટે સરકારની સૂચનાથી રાજકોટ મનપા દ્વારા ફરી શહેરમાં રખડતા શ્વાનોનો સર્વે કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. છેલ્લે રાજકોટમાં 2015ની સાલમાં આવો સર્વે થયો હતો. 8 વર્ષ બાદ ફરી શ્વાનોનો સર્વે કરવા ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે. અંદાજે ત્રણેક મહિના ચાલનાર આ સર્વે માટે અંદાજે રૂ. 5 લાખનો ખર્ચ થવાની શક્યતા છે. ​​​

ડોગ બાઇટિંગના કેસોમાં વધારો
મનપાનાં વેટરનરી ઓફિસર બી. આર. જાકાસણીયાનાં જણાવ્યા મુજબ, રાજકોટ સહિત રાજ્યના જુદા-જુદા શહેરોમાં છેલ્લા મહિનાઓમાં ડોગ બાઇટિંગના કેસોમાં વધારો થયો છે. મહાનગરોમાં શ્વાનો કરડવાથી અનેક લોકો હોસ્પિટલના ખાટલે પહોંચ્યાની ઘટનાઓ પણ બની છે. રાજકોટમાં બાળકોને શ્વાન કરડી જવાની ઘટનાઓના પગલે જંગલેશ્વર સહિતના વિસ્તારમાં તો શ્વાન પકડવા ખાસ ડ્રાઇવ ચલાવવી પડી હતી. જોકે, શ્વાનોને પકડી, ખસીકરણ કરી જે તે વિસ્તારમાં ફરી છોડી મૂકવા માટે નિયમ હોવાથી શ્વાનોનો શહેર બહાર નીકાલ થઇ શકતો નથી. આથી આ સમસ્યાનું કોઇ કાયમી સમાધાન નથી.

મેલ, ફિમેલ અને બચ્ચા સહિતનાની ગણના કરાશે
સમગ્ર મામલે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત શહેરમાં રખડતા શ્વાનોનો સર્વે કરવામાં આવનાર છે. જેનાથી મેલ, ફિમેલ અને બચ્ચા સહિત કુલ કેટલા શ્વાનો છે, તે જાણી શકાશે. તે મુજબ રસીકરણ તેમજ ખસીકરણની કામગીરી કરવામાં મોટી મદદ મળશે. આ સર્વે માટે સરકાર માન્ય એજન્સીને કામ સોંપવામાં આવશે. જેના દ્વારા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી શ્વાનોની ગણતરી કરવામાં આવશે. આ માટે અંદાજે રૂપિયા 5 લાખ જેટલો ખર્ચ થવાની શક્યતા છે. છેલ્લે થયેલા સર્વેમાં રાજકોટમાં 32 હજાર જેટલા શ્વાન હોવાનું સામે આવ્યું હતું. જોકે, નવા પાંચ વિસ્તાર રાજકોટમાં ભળ્યા હોવાથી સંખ્યામાં વધારો થવાની શક્યતા છે.

કામગીરી પાછળ 5 લાખ જેટલો ખર્ચ થશે
વધુમાં તેમણે જણાવ્યું કે, હાલ શહેરના જે વિસ્તારોમાં વધુ ફરિયાદો આવે ત્યાં મનપા દ્વારા શ્વાન પકડવાની કામગીરી કરવામાં આવે છે. તે બાદ ખસીકરણ અને રસીકરણ કરવામાં આવે છે. કોર્પોરેશન દ્વારા દર વર્ષે આ કામગીરી પાછળ સવા કરોડ જેટલો ખર્ચ કરવામાં આવે છે. સમયાંતરે શ્વાનોના ખસીકરણ થતા રહે છે, પરંતુ નવા શ્વાનોના જન્મ પણ થાય છે તે હકીકત છે. એકંદરે લોકો પરનું જોખમ ટાળવા માટે શ્વાન વસતિ નિયંત્રણમાં લાવવાનું કામ થઇ રહ્યું છે.

સર્વેની કામગીરી 3 મહિના સુધી ચાલશે
રાજકોટ, અમદાવાદ સહિતના શહેરોમાં આ કામગીરી રાજ્ય સરકારની સૂચનાથી શરૂ થવાની છે. મનપાએ કામ આપવા માટે ટેન્ડર બહાર પાડતા તા. 8 ફેબ્રુઆરી સુધીમાં ઓફર આપી શકાય છે. કામ અપાયા બાદ રખડુ કૂતરાઓના સર્વેની કામગીરી 3 મહિના સુધી ચાલવાની છે. સર્વેનો મુખ્ય હેતુ શ્વાનોની સંખ્યા જાણવાનો અને હાલની સ્થિતિએ તેમાંથી કેટલાના ખસીકરણ અને હડકવા વિરોધી રસીકરણ થયા છે તે જાણવાનો છે. ખસીકરણ વગરના અને રસી વગરના શ્વાનોની સંખ્યા જાણવા મળે તે બાદ નવેસરથી કામગીરી શરૂ કરાશે.


adv

Related News

post
post
post
post
post
post
post