• Home
  • News
  • ખજૂરિયા-બેંગલુરિયા અને જયપુરિયા ત્રણેયમાં સામેલ MLA અનિલ જોશિયારા
post

અનિલ જોશિયારા ગુજરાત રાજકારણના ડ્રામાનું એકમાત્ર પાત્ર જે ત્રણેય જગ્યાએ હાજર

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-19 11:57:59

અમદાવાદ: ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચાવનાર ત્રણ પ્રસંગે ધારાસભ્યોને રાજ્યની બહાર ખસેડવાની નોબત આવી હતી. જો કે રાજ્યના એક એવા પણ ધારાસભ્ય છે જે આ ત્રણેય રાજકીય ઘટનાઓમાં મહત્ત્વના પાત્ર તરીકે સામેલ હતા. આ ધારાસભ્ય છે ડો. અનિલ જોશિયારા જે પાંચ ટર્મથી ભીલોડાના ધારાસભ્ય પદે ચૂંટાયેલા છે. આ ત્રણ પ્રસંગમાં પ્રથમ વખત ભાજપનાં ધારાસભ્યોએ રાજ્ય બહાર ઉચાળા ભર્યા હતા જ્યારે બે પ્રકરણમાં કોંગ્રેસનાં ધારાસભ્યોએ હાઇકમાન્ડના આદેશાનુસાર રાજ્ય બહાર આશ્રય લીધો હતો. જેમાં પહેલી વખત 1995માં કેશુભાઇની સરકારને તોડી પાડવા માટે શંકરસિંહ વાઘેલાએ બળવો કરીને ભાજપનાં ધારાસભ્યોને મધ્યપ્રદેશનાં ખજૂરાહો લઇ ગયા હતાં. જેમાં જોશિયારા સામેલ હતા. એ પછી 2017માં અહેમદ પટેલને રાજ્યસભાની ચૂંટણી જીતાડવા માટે કોંગ્રેસ પોતાનાં ધારાસભ્યોને બેંગ્લુરુ લઇ ગયા હતા. જેમાં પણ જોશિયારા હતા. હવે 2020માં કોંગ્રેસનાં પાંચ ધારાસભ્યએ રાજીનામાં આપ્યા ત્યારે ફરી ધારાસભ્યોને ભાજપથી બચાવવા જયપુર ખસેડવામાં આવ્યા છે ત્યારે આ ધારાસભ્યોમાં પણ ડો. અનિલ જોશિયારા સામેલ છે. 1983માં માસ્ટર્સ ઇન સર્જરી થયેલા અને પૂર્વ સિવિલ સર્જન ડો. અનિલ જોશિયારા કેવી રીતે રાજકારણમાં આવ્યા તેનો ઇતિહાસ રસપ્રદ છે. ભગવાના રાજકારણથી જે હાલમાં જે પરિસ્થિતિ સર્જાઇ છે તેનાથી જોશિયારા દુ:ખી છે.


2012 અને 2017માં તેઓ અનામત બેઠક બનતાં જીત્યા હતાં
68 વર્ષીય આ પ્રજાના સેવક આદિવાસી સમાજમાંથી આવે છે અને પાંચ વખત વિધાનસભામાં પહોંચ્યા છે. જેમાંથી પહેલી ત્રણ ટર્મ તો તેઓ ઓપન સીટ પર જીત્યા હતાં. 2012 અને 2017માં તેઓ અનામત બેઠક બનતાં જીત્યા હતાં. તેમણે 1995માં આદિજાતિ વિકાસ મંત્રી અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી તરીકે પણ સેવાઓ આપી છે.


ડો. જોશિયારાએ 10 વર્ષ સરકારી નોકરી પણ કરી હતી
ડો. જોશિયારા 1995માં પહેલી વખત રાજકારણમાં આવ્યા ત્યારે હિંમતનગરમાં તેમની સર્જરીની ધીકતી પ્રેક્ટિસ હતી. સમાજમાં પ્રતિષ્ઠીત સ્થાન ભોગવતા આ સર્જન ભાજપનાં નેતાઓની નજરમાં આવતાં તેમને ટિકિટ ઓફર કરી હતી. પહેલી ચૂંટણીમાં જ તેમણે કોંગ્રેસનાં ઉમેદવાર અને અભિનેતા ઉપેન્દ્ર ત્રિવેદીને હરાવ્યા હતાં. રાજકારણમાં આવતાં પહેલા ડો. જોશિયારાએ 10 વર્ષ સરકારી નોકરી પણ કરી હતી. 1983માં બીજે મેડિકલમાંથી એમએસ થયા પછી તેમની સર્જરીમાં માસ્ટરી જોઇ કિડની હોસ્પિટલનાં ડાયરેક્ટર ડો. એચ. એલ. ત્રિવેદી તેમને ગાંધીનગર લઇ ગયા હતાં અને તેમના માટે કિડની હોસ્પિટલમાં પોસ્ટ ઉભી કરાવીને ત્યાં રાખ્યા. ત્યાર બાદ સરકારનાં હેલ્થ વિભાગમાં જોડાઇ આ સર્જન ભરૂચ અને હિંમતનગરનાં સિવિલ સર્જન પણ રહ્યા. 1995માં તેમણે હિંમતનગરમાં 25 બેડની હોસ્પિટલ ખોલી અને રાજકારણીઓનાં નજરમાં આવી ગયા હતાં.

સામ, દામ, દંડ, ભેદથી મજબૂર કરાય છે: જોશિયારા
ડો.અનિલ જોશિયારા સાથે જયપુરથી એક્સક્લુસિવ વાતચીત કરી હતી. તેમણે કહ્યું હતું કે, 2017થી ભાજપનું જે વર્તન રહ્યું છે તે ગુજરાત માટે ખૂબ જ નુકસાનકર્તા છે. ધારાસભ્ય સીધી રીતે ભાજપની વાત ન સમજે તો અમને ધંધો શું કરો છો જેવી વિગતો પૂછવામાં આવે છે. ટૂંકમાં સામ, દામ, દંડ, ભેદથી ભાજપને શરણે થવા મજબૂર કરાય છે. અમે એટલે રીસોર્ટમાં આવ્યા કેમ કે કોઇ ધારાસભ્ય એકલો ન પડે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post