• Home
  • News
  • પરીક્ષા આપવામાં મોડું થતાં પોલીસ બનવાનું સપનું રોળાયું, સરકારી નોકરીમાં અરજી કરવાનું છોડી બોરની ખેતી શરૂ કરી, વર્ષે લાખોની કમાણી કરી
post

મહેસાણા તાલુકામાં આવેલા લાઘણજ ગામે રહેતા 65 વર્ષના પટેલ પ્રવીણભાઈ અંબાલાલ પોતાના ખેતરોમાં બોરના છોડ ઉગાડી એમાં શિયાળાની સીઝન દરમિયાન એનું અન્ય રાજ્યમાં વેચાણ કરી લાખો રૂપિયા કમાઈ રહ્યા છે.

Written By newsonline | Ahmedabad | Published: 2023-02-06 16:45:49

મહેસાણા: મહેસાણા જિલ્લો સમગ્ર દેશ-દુનિયામાં પોતાની આગવી ઓળખ ધરાવે છે. જિલ્લામાં અનેક પાકોનું મોટા પ્રમાણમાં ઉત્પાદન કરવામાં આવે છે. મહેસાણામાં ઊગતા પાકો અન્ય રાજ્યોમાં વેચી કેટલાક ખેડૂતો તગડી કમાણી કરી રહ્યા છે, ત્યારે મહેસાણા તાલુકાના લાઘણજ ગામના એક ખેડૂતનું પોલીસ બનવાનું સપનું રોળાતાં તેમણે બોરની ખેતી શરૂ કરીને વર્ષે લાખોની કમાઈ કરી રહ્યો છે. ત્યારે આવો... જાણીએ આ ખેડૂતની કેટલીક રસપ્રદ વાતો.

ખેતરોમાં બોર ઉગાડી અન્ય રાજ્યોમાં વેચે છે
મહેસાણા તાલુકામાં આવેલા લાઘણજ ગામે રહેતા 65 વર્ષના પટેલ પ્રવીણભાઈ અંબાલાલ પોતાના ખેતરોમાં બોરના છોડ ઉગાડી એમાં શિયાળાની સીઝન દરમિયાન એનું અન્ય રાજ્યમાં વેચાણ કરી લાખો રૂપિયા કમાઈ રહ્યા છે. ગયા વર્ષે 40 વીઘાનાં ખેતરોમાં બોર ઉગાડી અન્ય રાજ્યોમાં વેચી 40 લાખ જેટલી આવક મેળવી હતી, ત્યારે આ વર્ષે પણ તેમને ગત વર્ષ જેટલી જ આવક થશે એવી આશા છે.

લાઘણજ ગામની સીમમાં 40 વિઘામાં કર્યું છે બોરનું વાવેતર
લાઘણજ ગામમાં રહેતા પ્રવીણભાઈ પટેલ છેલ્લાં 30 વર્ષથી ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે. તેમણે 40 વીઘામાં બોરનું વાવેતર કર્યું છે, જેમાં 20 વીઘા પોતાના ખેતર અને 20 વીઘા ભાડે રાખી મોટી આવક મેળવી રહ્યા છે. શિયાળાની સીઝનમાં આ ખેડૂત બોર વેચીને લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે.

સપનું તો પોલીસ અધિકારી બનવાનું હતું:ખેડૂત
લાઘણજ ખાતે રહેતા પ્રવીણભાઈ પટેલે દિવ્ય ભાસ્કરને કહ્યું હતું કે મેં વર્ષ 1981માં બી.કોમ પાસ કર્યું હતું. અભ્યાસ સાથે પિતાજીને ખેતીમાં પણ મદદ કરતો હતો. મારું સપનું પોલીસ અધિકારી બનવાનું હતું, જોકે હું અમદાવાદ ખાતે પરીક્ષા આપવા જઈ રહ્યો હતો ત્યારે સાધન સમયસર ન મળતાં હું મોડો પડ્યો હતો. જેથી પોલીસની પરીક્ષા આપી શક્યો નહોતો. ત્યારે બીજીવાર પરીક્ષા આપતાં નપાસ થયો હતો. ત્યારથી મેં સરકારી નોકરીમાં અરજી કરવાનું છોડી દીધું હતું અને માતા-પિતાના ખેતીના વ્યવસાય સાથે જોડાઈ ખેતી કરવા લાગ્યો હતો.

શરૂઆતમાં માત્ર 10 વીઘામાં બોરડી હતી આજે 40 વીઘાએ પહોંચી
પ્રવીણ પટેલના પિતાજી પાસે શરૂઆતમાં 10 વીઘામાં જ બોરડીઓ હતી. ત્યાર બાદ સમગ્ર કામગીરી પ્રવીણભાઇએ ઉપાડી લેતાં બોરનું ઉત્પાદન ધીમે ધીમે વધ્યું હતું. થોડા સમય અગાઉ મંદી આવતાં લોકોએ જમીનો વેચી નાખી હતી, ત્યારે પ્રવીણ ભાઈએ 20 હજાર રૂપિયામાં બોરડી સાથે 20 વીઘા જમીન ખરીદી લીધી હતી. હાલમાં પ્રવીણ ભાઈ 20 વીઘા પોતાની જમીન અને 20 વીઘા ભાડે જમીન રાખી બોરનું ઉત્પાદન કરી રહ્યા છે.

વર્ષમાં 10 હજાર મણ બોરનું વેચાણ કરે છે
પ્રવીણ ભાઈએ વધુમાં જણાવ્યું હતું કે દર વર્ષે આમરી બોરની વાડીઓમાંથી 9થી 10 હજાર મણ બોર નીકળે છે, જેમાં 50 ટકા ખર્ચો આવે છે. ગત વર્ષે બોર વેચી 40 લાખ રૂપિયાની તગડી આવક મેળવી હતી.

રોજ સાંજે 20 ગાડી ભરીને બોર અન્ય રાજ્યમાં મોકલવામાં આવે છે
લાઘણજમાં ઊગતા બોર મહેસાણા જ નહીં, પણ દિલ્હી, રાજસ્થાન, હરિયાણા, જમ્મું કાશ્મીર સુધી વેપારીઓ વેચવા લઈ જાય છે. ત્યારે આ વેપારી 20 કિલો બોરના 400થી 600 રૂપિયા કિંમતે વેચાણ કરે છે. ગામમાંથી રોજ સાંજે 20 ગાડી ભરીને બોર અન્ય રાજ્યમાં મોકલવામાં આવે છે.
લાઘણજમાં ઊગતા બોરને ઉમરાન બોર કહેવાય
ખેડૂતે જણાવ્યું હતું કે બોરની પ્રજાતિ ઘણા પ્રકારની હોય છે. અમારે અહીં ઊગતા બોર ઉમરાન બોર તરીકે ઓળખાય છે. નાના બોરને ચમેલી તરીકે ઓળખાય છે. આ બોર 3 દિવસ સુધી બગડતા નથી. ટ્રાન્સપોર્ટમાં મોકલતા સમયે 3 દિવસમાં બોરનો કલર બદલાઈ જાય છે. નાના બોર કરતાં મોટા બોરની કિંમત વધુ હોય છે. અહીં ઊગતા બોર સ્વાદે મીઠા હોય છે. ત્યારે અન્ય રાજ્યમાં બોર ગુજરાત કરતાં મોડા ઊગે છે, જેથી ત્યાંના બોરમાં મીઠાશ નથી હોતી.

માત્ર 2 માસ જ બોરનો ધંધો કરવામાં આવે છે
લાઘણજ ખાતે ઊગતા બોર શિયાળામાં જાન્યુઆરી અને ફેબ્રુઆરી માસમાં પાકીને તૈયાર થઈ જાય છે ત્યાર બાદ આ બોરને વેચવા માટે છોડ પરથી ઉતારવાની કામગીરી ચાલુ કરવામાં આવે છે તેમજ બાકીના માસમાં, એટલે કે એપ્રિલ માસમાં બોરના છોડ કટિંગ કરવામાં આવે છે. મેમાં છોડને પાણી પાવામાં આવે છે. ઓગસ્ટ માસમાં છોડ પર મોર ઊગવાની શરૂઆત થાય છે.

13 વર્ષથી ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરી બોર ઉગાડવામાં આવે છે
ખેડૂતે 40 વીઘાના ખેતરોમાં છેલ્લાં 13 વર્ષથી ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરીને બોરના છોડને પાણી પીવડાવી રહ્યા છે. બોરના છોડનું વાવેતર કરવા માટે જમીન ઉતારચઢાવ તેમજ રેતાળ હોવાના કારણે આવી જમીનો પર બોર ઝડપી અને સારા ઊગે છે. આ ગામમાં માત્ર પાંચ જ ખેડૂત બોર વેચી સારી આવક મેળવી રહ્યા છે. મહેસાણા જિલ્લામાં અન્ય વિસ્તારમાં આ છોડને જમીન અનુકૂળ ન આવતાં ત્યાં ઊગતા નથી.

80 મજૂર દિવસ દરમિયાન કામ કરી મજૂરી મેળવે છે
પ્રવીણભાઈ પટેલ પોતે તો બોરનું વેચાણ કરી તગડી આવક મેળવી રહ્યા છે, સાથે સાથે તેમના ખેતરમાં મજૂરી કરવા આવતા 80 લોકોને પણ મજૂરી આપી રોજગાર પૂરું પાડી રહ્યા છે. ત્યારે મજૂરો પણ કામની સાથે સાથે મીઠા બોરના સ્વાદ માણી મજૂરી મેળવી રહ્યા છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post