• Home
  • News
  • ધ્રોલથી રાજકોટ સિવિલ પહોંચે એ પહેલાં દમ તોડ્યો, શરદી-ઉધરસ સિવાય કોઈપણ રોગ નહીં હોવાનું સામે આવ્યું, સૈનિક સ્કૂલ માટે કરતો હતો તૈયારી
post

હાલ પોલીસે મૃતદેહને રાજકોટની સિવિલ હોસ્પિટલના પીએમ રૂમમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

Written By newsonline | Ahmedabad | Published: 2023-08-22 18:17:26

છેલ્લા કેટલાક સમયથી તરુણોના અકાળે મોત થવાની ઘટનાઓમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આજે આવી જ વધુ એક ઘટના સામે આવી છે. જેમાં મૂળ રાજકોટના 12 વર્ષના કિશોરનું ધ્રોલમાં અચાનક બેભાન થઈ જતાં મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. મૃતક ધ્રોલ ખાતે એક શિક્ષકના ઘરમાં રહી સૈનિક સ્કૂલનો અભ્યાસ કરતો હતો. તેને શરદી-ઉધરસ સિવાય કોઈપણ રોગ નહીં હોવાનું સામે આવ્યું છે. જોકે ડોક્ટરની પ્રાથમિક તપાસમાં તેનું સુગર લેવલ વધી ગયું હોવાનું ખૂલ્યું છે. હાલ પોલીસે મૃતદેહને રાજકોટની સિવિલ હોસ્પિટલના પીએમ રૂમમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

વ્રજને રાત્રે સાડા ત્રણ વાગ્યે તપાસતાં તે બેભાન હતો
બનાવ અંગે 12 વર્ષીય વ્રજ ગિરીશભાઈ સોરઠિયાના શિક્ષક રાજેન્દ્રસિંહ બારડના જણાવ્યા મુજબ, વ્રજ સહિતનાં બાળકો મારી પાસે રહીને સૈનિક સ્કૂલ માટેની તૈયારી કરે છે. ગઈકાલે રાત્રે 10:30 વાગ્યાની આસપાસ બધાં બાળકો સૂઈ ગયાં હતાં. બાદમાં રાત્રે એકાદ વાગ્યે મેં ચેક કરતા બધા સૂતા હતા. ફરી રાત્રે સાડા ત્રણ વાગ્યે તપાસ કરતા વ્રજ તેની જગ્યાએથી પડી ગયો હતો. આ કારણે મેં તેને પૂછતાં તે બેભાન હોવાનું જણાયું હતું. જેથી તેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જો કે, ત્યાં કોઈ ડોક્ટર નહીં હોવાથી તેને સિવિલમાં ખસેડાયો હતો.

વાલીએ કોઈ બીમારી ન હોવાનું જણાવ્યું
સિવિલ હોસ્પિટલના તબીબ દ્વારા તપાસ કરતા વ્રજનું સુગર લેવલ વધુ હોવાનું જણાયું હતું, જેને લઈને તેના વાલીને ફોન કરતા તેઓએ બાળકને આવી કોઈ તકલીફ નહીં હોવાનું જણાવ્યું હતું. બાદમાં ત્યાં ફરજ પર હાજર ડોક્ટર દ્વારા વ્રજને ઇન્જેક્શન આપી રાજકોટ ખસેડવા સલાહ આપવામાં આવી હતી. જેને લઈને વહેલી સવારે તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. અહીં ફરજ પરના ડોક્ટર દ્વારા તેને મૃત જાહેર કરાયો હતો.

પુત્રના મોતની માતાને જાણ કરાઈ નથી
આ અંગે સ્થાનિક પોલીસ દ્વારા ધ્રોલ પોલીસ રાજકોટ સિવિલ હોસ્પિટલ પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં બાળકને સામાન્ય શરદી-ઉધરસ સિવાય કોઈ પણ રોગ નહીં હોવાનું સામે આવ્યું છે. જોકે માસૂમના અચાનક મોતને લઈને તેના પરિવારમાં ભારે શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલ માત્ર બાળકના પિતા જ રાજકોટ આવ્યા હોવાથી ધ્રોલ રહેતાં તેનાં માતાને પણ આ અંગે જાણ કરવામાં આવી નહીં હોવાનું જાણવા મળ્યું હતું.

adv

Related News

post
post
post
post
post
post
post