• Home
  • News
  • 1200 ફૂટની ઊંચાઈથી ડ્રોનનો નજારો:ગાઢ જંગલની વનરાઈ વચ્ચેથી પસાર થતા જમજીર ધોધનું અદભુત કુદરતી સૌંદર્ય; ધોધની ઊંડાઈ કેટલી છે એ હજુ સુધી કોઈ જાણી શક્યું નથી
post

ધોધની ઊંડાઇ કેટલી છે એ હજુ કોઈ જાણી નથી શક્યું

Written By newsonline | Ahmedabad | Published: 2023-07-18 19:29:21

ગીર સોમનાથ જિલ્લાના જામવાળા ગામે આવેલા જમદગ્નિ આશ્રમની નજીક ઘટાદાર વૃક્ષોની લીલોતરી વચ્ચે આ જમજીર ધોધ આવેલો છે. આ ધોધ મોતના ધોધ તરીકે પણ કુખ્યાત છે. આ ધોધને નિહાળવા દેશ-વિદેશથી ઘણા પર્યટકો આવે છે. ધોધનું સૌંદર્ય જ એવું છે કે તેને નિહાળવું અને માણવું તે એક લહાવો છે. ધોધની ઊંચાઈ 1214 ફૂટ છે, પરંતુ તેની ઊંડાઈ હજુ સુધી કોઈ જાણી શક્યું નથી. આજે જાણીશુ શા માટે જમદગ્નિ ધોધને જમજીર ધોધ કહેવાય છે?

વહેતા ધોધની સાથે સેલ્ફીના ચક્કરમાં અનેકે જીવ ગુમાવ્યા
શીંગોડા નદી મધ્યગીર કનકાઈની ગીરી કંદરાઓમાંથી ઉદભવી 80 કિલોમીટરનું અંતર કાપી કોડીનારનાં મૂળ દ્વારકા બંદરે સમુદ્રને મળે છે. શીંગોડા નદી ગીર જંગલમાંથી પસાર થાય છે. ગીર બોર્ડરના જામવાળા ખાતે આ નદી શિંગોડા ડેમમાં આવે છે. અહીંથી આગળ વધી જમદગ્નિ ઋષિના આશ્રમની નજીક "જમજીર"ના ધોધ સ્વરૂપે વહે છે. ધોધની ઊંડાઇ કેટલી છે એ હજુ કોઈ કહી શક્યું જ નથી. આ વહેતા ધોધની સાથે સેલ્ફી લેવાના ચક્કરમાં અનેક લોકો જીવ ગુમાવી દે છે. આ ધોધનાં સૌંદર્યનું જેટલું આકર્ષણ છે તેટલી જ તેની વિકરાળતા પણ છે. જમજીરના ધોધને દૂર-દૂરથી માણવામાં જ ડહાપણ છે.

ઘણાં વર્ષો પહેલાં ધોધ પાસે મોટી મોટી ગુફાઓ હતી
વધુમાં જમદગ્નિ આશ્રમના હરિદાસ બાપુએ જણાવ્યું હતું. કે, જમદગ્નિ આશ્રમની પાછળ ધોધ આવેલો છે. ઘણાં વર્ષો પહેલાં મોટી મોટી ગુફાઓ હતી. તેમાં તેઓ રહેતા હતા અને ત્યાં ઘુનામાં પાણીનો પ્રવાહ રહેતો હતો. ધોધની નજીક જમદગ્નની ઋષિએ આશ્રમ બનાવ્યો. સૌ પહેલા તો લાઈટ, બોર કે કૂવા તો હતાં જ નહીં, એટલે નદીના કિનારા પર જ રહેવું પડતું હતું.

જમજીર ધોધ સાચું નામ નથી જમદગ્નિ બોલતા નથી આવડતું લોકોને
આ ધોધનું નામ "જમજીર ધોધ" નથી. જમદગ્નિ ઋષિનું અહીં તપોવન હતું. એમની બાજુમાં એક ઘુનો હતો. ભક્તો જમદગ્નિ ઋષિનાં ચરણોમાં દર્શન કરવા આવતા હતા. જમજીર ધોધનું નામ તો પાંચ-છ વર્ષથી પડ્યું છે. લોકો (માવા) ખાય છે એટલે જમદગ્નિ ઋષિ સરખું બોલી શકતા નથી એટલે લોકોએ જમજીર ધોધ બોલવાનું ચાલુ કરી દીધું છે. તેવું હાલના મહંત હરિદાસ બાપુએ જણાવ્યું હતું.

ધોધની ઊંડાઇ કેટલી છે એ હજુ કોઈ જાણી નથી શક્યું
જામવાળા પાસે આવેલા જમદગ્નિ આશ્રમની પાછળ આવેલા ધોધની ઊંડાઈ કેટલી છે એ હજુ કોઈ જાણી શક્યું નથી. ધોધની નીચે વિશાળ ગુફાઓ પણ આવેલી છે. જો કોઈ ઉપરથી પડે તો 2થી 3 દિવસ બાદ લાશ મળે છે. મુંબઈ, ગોવા, પોરબંદરથી તરવૈયા અહીં ધોધમાં પડી ગયેલાને શોધી શક્યા નથી. તરવૈયાની રહેવા-જમવાની સુવિધા પણ જમદગ્નિ આશ્રમ ખાતે કરવામાં આવે છે.

ધોધને ટુરિઝમમાં સમાવવા અનેક રજૂઆત કરી
ગીર સોમનાથ જિલ્લાના જામવાળા ગામ પાસે આવેલા જમજીર ધોધને ટુરિઝમમાં સમાવવા માટે આશ્રમના મહંત હરિદાસ બાપુએ ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર કચેરીએ પાંચ વર્ષથી સતત અનેક લેખિત રજૂઆત કરી છે પણ અધિકારીઓ થઈ જશે તેવા આશ્વાસન આપે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post