• Home
  • News
  • ઉત્તર ગુજરાતમાં દુકાળનાં એંધાણ:સુઈગામ સહિતના 18 તાલુકા પર સંકટ; ચોમાસા પૂરું થવાને 52 દિવસ બાકી, 10 ઇંચ વરસાદ પણ નથી
post

મહેસાણાના 4, પાટણના 6, બનાસકાંઠના 8 તાલુકામાં જોખમ

Written By newsonline | Ahmedabad | Published: 2021-08-24 11:37:27

ચોમાસું પૂરું થવાને લગભગ 52 દિવસ બાકી છે ત્યારે રાજ્યના 12 તાલુકા એવા છે, જ્યાં 10 ઇંચથી ઓછો વરસાદ થયો છે. રાજ્ય સરકારના મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાના 11 જૂન, 2021ના ઠરાવ મુજબ જે તાલુકામાં સીઝનનો 10 ઇંચથી ઓછો વરસાદ થાય અથવા 31 ઓગસ્ટ સુધીમાં જો કોઇ તાલુકામાં સતત 28 દિવસ સુધી વરસાદ ન નોંધાય તો એ તાલુકાને દુષ્કાળગ્રસ્ત ગણવામાં આવે છે. આજની સ્થિતિએ ઉત્તર ગુજરાતમાં મહેસાણા જિલ્લાના 4, પાટણ જિલ્લાના 6 અને બનાસકાંઠા જિલ્લાના 7 તાલુકાના માથે દુષ્કાળનું સંકટ ઘેરાયું છે.

ઉત્તર ગુજરાતમાં અત્યારસુધીની ચોમાસું સીઝનમાં વરસાદના 5 રાઉન્ડ પૈકી 2 જ રાઉન્ડમાં સારો વરસાદ થયો છે, જ્યારે 3 રાઉન્ડ નિષ્ફળ જતાં સતત વરસાદની ખેંચ વર્તાઈ રહી છે. આ સાથે દુષ્કાળનાં એંધાણ પણ પ્રબળ થઇ રહ્યા છે. અત્યારસુધીમાં બનાસકાંઠાના સુઇગામ તાલુકામાં 40 દિવસથી વરસાદ ન થતાં દુષ્કાળગ્રસ્તમાં ધકેલાઇ ચૂક્યો છે. બીજી બાજુ, જો 31 ઓગસ્ટ સુધીમાં હજુ પણ વરસાદ ના આવે તો વધુ 17 તાલુકા દુષ્કાળમાં ધકેલાશે. ઉલ્લેખનીય છે કે મહેસાણા જિલ્લાના 4, પાટણ જિલ્લાના 6 અને બનાસકાંઠા જિલ્લાના 7 તાલુકા પર દુષ્કાળનું સંકટ તોળાઇ રહ્યું છે.

17 તાલુકામાં દુષ્કાળનું સંકટ
મહેસાણા - બહુચરાજી, જોટાણા, મહેસાણા, વીસનગર
પાટણ - સાંતલપુર, ચાણસ્મા, હારિજ, પાટણ, રાધનપુર, સરસ્વતી
બનાસકાંઠા - દાંતીવાડા, દિયોદર, લાખણી, થરાદ, વાવ, વડગામ, અમીરગઢ

દુષ્કાળગ્રસ્ત માટે રૂપિયા 20-25 હજાર ચુકવણાની જોગવાઈ
દુષ્કાળગ્રસ્ત જાહેર કરાયા બાદ જે-તે વિસ્તારમાં જે ખેડૂતોને 33%થી 60% પાક નુકસાન હોય તો રૂ.20 હજાર તેમજ 60%થી વધુ નુકસાન હોય તો રૂ.25 હજાર સહાય ચૂકવાય છે. આ ચુકવણું એક ખેડૂતની વધુમાં વધુ 4 હેક્ટર જમીનની મર્યાદામાં કરવાનું થાય છે. જોકે સિંચાઇ વિભાગ દ્વારા પિયત માટે કમાન્ડ એરિયાના ખેડૂતોને દુષ્કાળની સહાય મળવાપાત્ર રહેતી નથી.

સીઝનનો 10 ઇંચ વરસાદ નહીં થાય તો દુષ્કાળગ્રસ્ત
ઉત્તર ગુજરાતના વધુ 12 તાલુકામાં દુષ્કાળનું જોખમ છે. સમી (173 મિમી), ભાભર (113 મિમી), ધાનેરા (172 મિમી), કાંકરેજ (114 મીમી), ખેરાલુ (189 મિમી), સતલાસણા (155 મિમી), વડનગર (177 મિમી), ખેડબ્રહ્મા (195 મિમી) ભિલોડા(142 મિમી), ધનસુરા (195 મિમી), માલપુર (195 મિમી), મેઘરજ (188 મિમી).

 

adv

Related News

post
post
post
post
post
post
post