• Home
  • News
  • રાજ્યમાં કમોસમી વરસાદ:ગુજરાતના 4 મહાનગરોમાં મેઘ મહેર, કપાસ-મકાઈ-મગફળીને ભારે નુકસાન, સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરતમાં વરસાદની આગાહી
post

દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારથી ધીમીધારે વરસાદ વરસતા ખેતીના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-11 12:20:47

રાજ્યમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જોવા મળ્યો છે. ગઈકાલે ગુજરાતના મોટાભાગ શહેરોમાં મેઘ મહેર જોવા મળ્યા બાદ આજે સવારથી પણ અમદાવાદ,વડોદરા, રાજકોટ જેવા શહેરોમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદના એસ.જી હાઈવે, બોડકદેવ. બોપલ. શિવરંજીની સહિતમાં વરસાદ પડી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આજે સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરતમાં વરસાદની આગાહી કરી છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે ગઈકાલે મોડી રાત્રે તેમજ વહેલી સવારે અમદાવાદના વેજલપુર, થલતેજ, એસ.જી. હાઇવે, સીટીએમ, જમાલપુર, કાંકરિયા વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. બીજી બાજુ, રાજ્યના જૂનાગઢ, ભાવનગર, સુરત, વડોદરા જેવા વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો હતો. જૂનાગઢના નાઘેર પંથકમાં સવારથી વાતાવરણમાં પલટો આવતાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને બપોર બાદ આકાશમાં કાળાં ડિબાંગ વાદળો ઘેરાવા લગતાં કારતકે અષાઢી માહોલ જોવા મળ્યો હતો અને અચાનક બપોરે અઢી વાગ્યા આસપાસ વરસાદ વરસતાં સમગ્ર શહેર પાણીમય બની ગયું અને લોકો છત્રી સાથે જોવા મળ્યા હતા.

સુરતમાં વરસાદને પગલે ખેડૂતોને ફરી એક વખત રડવાનો વારો
હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને પગલે ગત રોજથી વાદળછાયા વાતાવરણ વચ્ચે આજે વહેલી સવારથી ધીમીધારે વરસાદ શરૂ થયો છે. વાદળછાયા વાતાવરણના પગલે બફારા બાદ ઠંડકભર્યૂ વાતાવરણ સર્જાયું છે. જ્યારે વરસાદના પગલે ભીના થયેલા રોડ પર વાહનો સ્લીપ થવાના બનાવો પણ બન્યા છે. જ્યારે કોરોના મહામારીમાં પાકના નીચા ભાવ બાદ ખેડૂતોને કમોસમી વરસાદથી ફરી એક વખત રડવાનો વારો આવ્યો છે. સુરત જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારથી ધીમીધારે વરસાદ વરસતા ખેતીના પાકને નુકસાનની ભીતિ સેવાય રહી છે. જગતના તાતની મહેનત પર કમોસમી વરસાદ પાણી ફેરવી દેતા ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. ખાસ કરીને તુવર સહિત કઠોળના પાક અને શાકભાજીના પાક તેમજ આમ્રમંજરીની શરૂઆત થવા પામી છે ત્યારે તેમાં નુકસાનની શક્યતા વધી જવાથી ધરતીપુત્રોની હાલત કફોડી બની ગઈ છે.

સૌરાષ્ટ્રમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી
વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસર ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જોવા મળી રહી છે. હવામાન વિભાગે આજે પણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ પડવાની આગાહી કરી છે. ત્યારે અમરેલીમાં જિલ્લામાં વહેલી સવારથી જ ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. જેને લઈને સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. બીજી તરફ રાજકોટમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ છવાયું છે. રાજુલા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં આખી રાત અવિરત વરસાદ પડ્યો છે. વરસાદના પગલે સમગ્ર વિસ્તારમાં ચોમાસા જેવું વાતાવરણ છવાઈ ગયું હતું. બીજી તરફ લાઠી શહેર તેમજ તાલુકામાં વાતાવરણમાં પલટો થતાં વહેલી સવારમાં જોરદાર વરસાદ પડ્યો હતો. જેને લઈને રસ્તા પરથી પાણી વહેવા લાગ્યા હતાં. સૌરાષ્ટ્રમાં માવઠાથી ખેડૂતોને પડ્યા પર પાટા સમાન સ્થિતિ ઉભી થઈ છે. રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં 1 લાખ ગુણી મગફળી પાણીમાં પલળી જતાં લાખોનું નુકસાન થયું છે.

વડોદરામાં વરસાદ બાદ કપાસ, મકાઈ, તુવેરના પાકને નુકસાન
વડોદરા શહેરમાં વહેલી સવારે વરસાદ પડવા સાથે હિલ સ્ટેશન જેવો માહોલ થઇ ગયો હતો. છેલ્લા બે દિવસથી હવામાનમાં આવેલા પલટાથી ઠંડીનો પારો ગગડી ગયો હતો. મોડી સાંજે પણ વડોદરાના વિવિધ વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ પડ્યો હતો. વડોદરાની સાથે જિલ્લામાં પણ વરસાદી માહોલ રહેતા ખેડૂતો ચિંતામાં મુકાઇ ગયા હતા. અને માવઠાના કારણે પાકને નુકશાન થવાની ભીતી સેવી હતી. કમોસમી વરસાદ થતા કપાસ, મકાઈ, તુવેરના પાકમાં જીવાતો પડવાની શકયતાઓ ઉભી થઈ છે તેમજ ખેતરમાં ઉગાડેલા શાકભાજી, ઘાસચારો બગડી જાય અને ખેડુતોએ કરેલી ખેતી માટેની મેહનત પાણીમાં જવાનો ડર સતાવી રહ્યો છે તેમ ખેડૂતો જણાવી રહ્યા છે.

adv

Related News

post
post
post
post
post
post
post