• Home
  • News
  • સંસદમાં આર્થિક સર્વે રજૂ:2023-24માં વિકાસદર 6.5% સુધી રહેવાનો અંદાજ, છેલ્લાં 3 વર્ષમાં સૌથી ધીમો ગ્રોથ
post

મોદીએ કહ્યું-બજેટથી લોકોની આશા પૂરી થશે

Written By newsonline | Ahmedabad | Published: 2023-01-31 18:53:20

નવી દિલ્હી: નાણામંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે બજેટ સત્ર દરમિયાન આર્થિક સર્વે રજૂ કર્યો છે. 2023-24માં વિકાસદર 6-6.8% સુધી રહેવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે. આ છેલ્લાં 3 વર્ષમાં સૌથી ધીમો ગ્રોથ હશે. જ્યારે નોમિનલ જીડીપીનો અંદાજ 11% લગાવવામાં આવ્યો છે. FY 23 માટે રિયલ GDPનો અંદાજ 7% છે.

સર્વેમાં કહેવામાં આવ્યું છે કે ભારત દુનિયામાં સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થા બની રહેશે. સર્વે મુજબ PPP (પરચેસિંગ પાવર પેરિટી)ના મામલામાં ભારત દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે અને એક્સચેન્જ રેટના મામલામાં પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે.

GDPથી જાણી શકાય છે ઈકોનોમીની હેલ્થ
GDP
એ અર્થતંત્રના હેલ્થને ટ્રેક કરવા માટે ઉપયોગમાં લેવાતાં સૌથી કોમન ઈન્ડિકેટર્સમાંનું એક છે. દેશમાં GDP એક સ્પેસિફિક સમયગાળામાં ઉત્પાદિત તમામ માલસામાન અને સેવાઓના મૂલ્યનું પ્રતિનિધિત્વ કરે છે. એમાં વિદેશી કંપનીઓ જે દેશની સીમામાં રહીને ઉત્પાદન કરે છે, તેઓ પણ સામેલ છે. જ્યારે અર્થતંત્ર હેલ્ધી હોય છે ત્યારે બેરોજગારીનો સ્તર સામાન્ય રીતે ઓછો હોય છે.

ઈકોનોમિક સર્વે શું હોય છે?
જે રીતે મધ્યમવર્ગના પરિવારોમાં હિસાબ-કિતાબ માટે ડાયરી બનાવવામાં આવે છે, જેથી મહિના કે વર્ષના અંતે એ જાણી શકાય કે કેટલી કમાણી થઈ, કેટલી બચત થઈ અને ક્યાં-કેટલો ખર્ચ થયો તથા આગળના ખર્ચનો અંદાજ શું છે. એ જ રીતે આર્થિક સર્વે એ દેશની આર્થિક સ્થિતિનો હિસાબ-કિતાબ હોય છે.

ઈકોનોમિક સર્વે કોણ તૈયાર કરે છે?
નાણામંત્રાલયમાં એક વિભાગ છે ઈકોનોમિક અફેર્સ. એમાં એક ઈકોનોમિક ડિવિઝન હોય છે. આ ઈકોનોમિક ડિવિઝન ચીફ ઈકોનોમિક એડવાઇઝર એટલે કે CEAની દેખરેખમાં ઈકોનોમિક સર્વે તૈયાર કરવામાં આવે છે. હાલમાં CEA ડો. વી. અનંત નાગેશ્વરન છે.

ઈકોનોમિક સર્વે કેમ જરૂરી હોય છે?
આ સર્વે અનેક રીતે જરૂરી હોય છે. ઈકોનોમિક સર્વે એક પ્રકારે આપણી અર્થવ્યવસ્થા માટે ડાયરેક્ટરની જેમ કામ કરે છે, કારણ કે એનાથી જ જાણી શકાય છે કે આપણી અર્થવ્યવસ્થા કેવી ચાલી રહી છે અને એમાં સુધારા માટે આપણે શું કરવાની જરૂર છે.

આજથી સંસદનું બજેટસત્ર શરૂ થઈ ગયું છે. સત્રની શરૂઆત સવારે 11 વાગ્યે સેન્ટ્રલ હોલમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના અભિભાષણ સાથે શરૂ થઈ હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંબોધન કરતાં કહ્યું હતું કે દેશ વિકાસના મંત્ર સાથે આગળ વધી રહ્યો છે. રાષ્ટ્રપતિએ પોતાના અભિભાષણમાં કહ્યું હતું કે ભારતમાં મજબૂત ઈચ્છાશક્તિ ધરાવતી સરકાર છે. આ સરકાર કોઈપણ જાતના ભય વિના કામ કરી રહી છે. રાષ્ટ્રપતિએ સંબોધનમાં સર્જિકલ સ્ટ્રાઈક, આતંકવાદ સામે કડક પગલાં, આર્ટિકલ 370 અને ત્રિપલ તલાકનો પણ ઉલ્લેખ કર્યો હતો.

સંસદમાં રાષ્ટ્રપતિના અભિભાષણની મુખ્ય વાતો
આપણે આત્મનિર્ભર ભારત બનાવવાનું છે
સંસદમાં રાષ્ટ્રપતિએ સંબોધન કરતાં કહ્યું- આપણી સામે યુગ નિર્માણની તક છે. આ માટે સંપૂર્ણ કાર્યક્ષમતા સાથે કામ કરવાનું છે. આપણે 2047 સુધીમાં એવા રાષ્ટ્રનું નિર્માણ કરવાનું છે, જેમાં ભૂતકાળનું ગૌરવ અને આધુનિકતાનો દરેક સ્વર્ણિમ અધ્યાય હોય. આપણે આત્મનિર્ભર ભારત બનાવવાનું છે. દેશમાં ગરીબી ન હોય, મધ્યમવર્ગ વૈભવથી સમૃદ્ધ હોય, યુવા સમયથી બે ડગલાં આગળ ચાલતો હોય... એવું ભારત હોય.

તેમણે કહ્યું- સંસદના આ સંયુક્ત સત્રને સંબોધન કરતાં ખુશી થઈ રહી છે. થોડા જ મહિના પહેલાં દેશે પોતાની આઝાદીનાં 75 વર્ષ પૂરાં કરીને અમૃતકાળમાં પ્રવેશ કર્યો. અમૃતકાળનાં 25 વર્ષનો સમયગાળો સ્વતંત્રતાની સ્વર્ણિમ શતાબ્દી અને વિકસિત ભારત નિર્માણનો સમય છે.

સરકારે કડક પગલાં ભર્યાં
રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું- સર્જિકલ સ્ટ્રાઈકથી લઈને આતંકવાદ સામે કડક કાર્યવાહી સુધી, એલઓસીથી લઈને એલએસી સુધી દરેક દુ:સાહસના જડબાતોડ જવાબ સુધી, આર્ટિકલ 370 નાબૂદ કરવાથી લઈને ટ્રિપલ તલાક સુધી, આપણી સરકારની ઓળખ નિર્ણાયક સરકારની રહી છે.

ભ્રષ્ટાચારીઓ માટે કોઈ સ્થાન રહેશે નહીં
તેમણે કહ્યું હતું કે દુનિયામાં જ્યાં પણ રાજકીય અસ્થિરતા છે તે દેશ સંકટથી ઘેરાયેલા છે. અમારી સરકારે જે નિર્ણય લીધા એનાથી ભારત આજે દુનિયાના અન્ય દેશો કરતાં સારી સ્થિતિમાં છે. મારો સ્પષ્ટ મત છે કે ભ્રષ્ટાચાર સામાજિક ન્યાય અને લોકશાહીનો સૌથી મોટો દુશ્મન છે. આપણે નક્કી કર્યું કે પ્રામાણિકનું સન્માન કરાશે અને ભ્રષ્ટાચારીઓ માટે કોઈ સ્થાન રહેશે નહીં.

દેશમાં સ્થિર, નીડર અને નિર્ણાયક સરકાર
ભગવાન બસવેશ્વરે કહ્યું હતું કે કર્મ જ પૂજા છે અને કર્મમાં જ શિવ છે. તેમના બતાવેલા માર્ગ પર સરકાર રાષ્ટ્ર નિર્માણનાં કાર્યોમાં વ્યસ્ત છે. ભારતમાં સ્થિર, નીડર અને નિર્ણાયક સરકાર છે, જે મોટાં સપનાંને સાકાર કરવા માટે કામ કરે છે. આજે ભારતમાં પ્રામાણિકનું સન્માન કરનારી સરકાર છે. આજે ભારતમાં ગરીબીનો કાયમી ઉકેલ અને સશક્તિકરણ માટે કામ કરતી સરકાર છે.

 

જનધન, આધાર, વન નેશન-વન રેશન જેવા સુધારાઓ કરાયા છે. ગયાં વર્ષોમાં ડિજિટલ ઈન્ડિયા તરીકે પારદર્શી વ્યવસ્થા તૈયાર કરવામાં આવી. 300થી વધુ યોજનાઓના રૂપિયા સીધા જ લાભાર્થીઓનાં ખાતાંમાં પહોંચી રહ્યા છે. 27 લાખ કરોડથી વધુની રકમ પહોંચાડવામાં આવી છે. વર્લ્ડ બેંક કહે છે કે આ જ યોજનાઓને કારણે ભારતે કારોનાકાળમાં લોકોને ગરીબીમાંથી ઉગાર્યા છે.

જ્યારે ભ્રષ્ટાચાર અટકે છે અને ટેક્સના એક-એક પૈસાનો સદુપયોગ થાય છે ત્યારે ભારત સરકાર પણ ગર્વ અનુભવે છે. નાગરિકો પણ ઈચ્છે છે કે યોજનાઓ એવી હોય, જેના દ્વારા મુશ્કેલીઓનો કાયમી ઉકેલ આવે.

ગરીબી હટાઓ માત્ર નારો નથી, સરકાર ગરીબોની ચિંતાઓને ઉકેલી રહી છે. તેમને સશક્ત બનાવવામાં આવી રહ્યા છે. ગરીબીનું એક મોટું કારણ બીમારી હોય છે. બીમારી આવતાં જ ગરીબ પરિવારો ભાંગી પડે છે. પેઢીઓ દેવામાં ડૂબી જાય છે. આ માટે આયુષ્યમાન યોજના શરૂ કરવામાં આવી છે. એ અંતર્ગત 50 કરોડથી વધુ દેશવાસીઓ ફ્રીમાં સારવાર મેળવી રહ્યા છે.

આજે દેશમાં 9 હજાર જન ઔષધિ કેન્દ્રોમાં દવાઓ ઉપલબ્ધ થઈ રહી છે. એનાથી 20 હજાર કરોડ રૂપિયા બચી રહ્યા છે. ગરીબોને આ બંને યોજનાથી એક લાખ કરોડની મદદ મળી છે.

કોરોનાકાળ દરમિયાન દુનિયાભરમાં ગરીબો માટે જીવનનિર્વાહ કરવાનું મુશ્કેલ બન્યું. ભારત એ દેશોમાંથી છે, જેણે ગરીબોને બચાવવા માટે સર્વોચ્ચ પ્રાથમિકતા આપી. કોઈ ગરીબ ભૂખ્યો ન સૂવે એ માટેના તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા. પીએમ ગરીબ કલ્યાણ યોજનાને આગળ પણ ચલાવવામાં આવશે. આ એક સંવેદનશીલ સરકારની ઓળખ છે. યોજના દ્વારા ગરીબોને મફત અનાજ આપવા માટે સાડાત્રણ લાખ કરોડનો ખર્ચ કરાયો છે. આજે સમગ્ર દુનિયામાં આ યોજનાની પ્રશંસા થઈ રહી છે.

સરકારે તે દરેક સમાજની ઈચ્છાઓને પૂરી કરી, જેઓ સદીઓથી વંચિત રહ્યા હતા. ગરીબ, દલિત, પછાત, આદિવાસીઓની માગોને પૂરી કરીને તેમને સપનાં જોવા માટેની તક આપી છે. કોઈ કામ અને કોઈ પ્રયાસ નાનો હોતો નથી. વિકાસમાં સૌની ભૂમિકા છે.

11 કરોડ નાના ખેડૂતો પણ પ્રાથમિકતા છે. તેમને મજબૂત બનાવવા માટે કિસાન સન્માન નિધિ હેઠળ સવાબે લાખ કરોડ રૂપિયા કરતાં પણ વધુની મદદ આપવામાં આવી. એમાં 3 કરોડ લાભાર્થી મહિલાઓ પણ સામેલ છે. એમાં અત્યાર સુધીમાં 54 હજાર કરોડ રૂપિયા આ મહિલાઓને મળ્યા છે. નાના ખેડૂતોને પાક વીમો, કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા પણ વધારવામાં આવી. એમાં પશુપાલકોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

ખાદી ગ્રામોદ્યોગનું ટર્નઓવર એક લાખ કરોડથી વધુનું થઈ ગયું છે. વેચાણ ચાર ગણું વધ્યું છે. 2015થી ભારત ગ્લોબલ ઈનોવેશન ઈનેડ્ક્સ પર 81મા સ્થાને હતું, હવે 40મા સ્થાને છે. ભારતમાં પહેલાં 100 જેટલા રજિસ્ટર્ડ સ્ટાર્ટઅપ હતા, જે હવે તેની સંખ્યા 90 હજાર છે.

તીર્થોનો વિકાસ કરી રહ્યા છીએ તો બીજી તરફ ભારત દુનિયાનું મોટું સ્પેસ પાવર પણ બની રહ્યું છે. ભારતે પ્રથમ પ્રાઈવેટ સેટેલાઈટ પણ લોન્ચ કર્યો છે. ભારત હાઈટેક નોલેજનું હબ બની રહ્યું છે.

દેશમાં રમકડાની આયાતમાં 70 ટકાનો ઘટાડો થયો છે, જ્યારે નિકાસમાં 60 ટકાનો વધારો થયો છે. આઈએનએસ વિક્રાંત તરીકે આજે આપણી સેનામાં પ્રથમ એરક્રાફ્ટ કરિયર પણ સામેલ થયું છે.

2 વર્ષમાં ભારતમાં 220 કરોડ કરતાં પણ વધુ વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. 2004થી 2014ની વચ્ચે 145 મેડિકલ કોલેજો શરૂ થઈ હતી. 2014 થી 2022 સુધી 260થી વધુ મેડિકલ કોલેજો ખૂલી છે. મેડિકલના વિદ્યાર્થીઓની સંખ્યા પણ બમણી થઈ ગઈ છે. 2014 પહેલાં 725 યુનિવર્સિટી હતી. 8 વર્ષમાં 300થી વધુ યુનિવર્સિટી બની.

અફઘાનિસ્તાનનો ભૂકંપ હોય કે શ્રીલંકાનું સંકટ હોય, સૌથી પહેલા આપણે માનવતાવાદી સહાય લઈને પહોંચ્યા. સંકટમાં ફસાયેલા આપણા નાગરિકોને અફઘાનિસ્તાન અને યુક્રેનમાંથી સલામત રીતે વતન લાવવામાં આવ્યા હતા. ભારતે અન્ય દેશના નાગરિકોને પણ મદદ કરી છે.

આતંકવાદ સામેનો ભારતનો અવાજ દરેક મંચ પર સાંભળવામાં આવે છે. UNમાં ભારતે આતંકવાદ પર પોતાનું વલણ સ્પષ્ટ કર્યું. સાયબર સિક્ટોરિટી બાબતની ચિંતાઓને પણ સરકાર દુનિયાની સામે રજૂ કરી રહી છે. સેનામાં આધુનિકીકરણ પર ભાર આપવામાં આવી રહ્યો છે. લોકશાહીની જનની તરીકે ભારતની અનંત યાત્રા ગૌરવપૂર્ણ રહી છે. આવનારાં વર્ષોમાં પણ ભારત આ દિશામાં વેગવંતું રહેશે.

ભારતનું જ્ઞાન, વિજ્ઞાન અને આધ્યાત્મ સદીઓથી દુનિયાને માર્ગ બતાવી રહ્યાં છે, અને આવનારી સદીઓમાં પણ આવું જ કરશે. ભારતનાં આદર્શ અને મૂલ્યો ગુલામીના સમયમાં પણ મજબૂત રહ્યાં અને આગળ પણ મજબૂત રહેશે. રાષ્ટ્ર તરીકે ભારતની ઓળખ પહેલાં પણ અમર હતી અને આગળ પણ અમર રહેશે.

સીતારમણ આજે રજૂ કર્યો આર્થિક સર્વે, કાલે બજેટ
આ પછી નાણામંત્રી નિર્મલા સીતારમણ આર્થિક સર્વે રજૂ કર્યો. સામાન્ય બજેટ 1 ફેબ્રુઆરી એટલે કે આવતીકાલે સંસદમાં રજૂ કરવામાં આવશે. જણાવી દઈએ કે મોદી સરકારનું આ છેલ્લું પૂર્ણ બજેટ છે. મોદી સરકારે 2014થી અત્યાર સુધીમાં કુલ 9 બજેટ રજૂ કર્યાં છે અને આ વર્ષે 10મું બજેટ રજૂ કરવા જઈ રહી છે.

મોદીએ કહ્યું- મંથન કરીને દેશ માટે અમૃત કાઢીશું
વડાપ્રધાને કહ્યું હતું કે આજનો દિવસ મહત્ત્વપૂર્ણ છે. રાષ્ટ્રપતિ પ્રથમ વખત સંસદના સંયુક્ત સત્રને સંબોધન કરશે. ખૂબ સારી રીતે મંથન કરીને દેશ માટે અમૃત કાઢીશું. આપણા દેશના બજેટ પર સમગ્ર દુનિયાની નજર છે. આપણું લક્ષ્ય દેશ પહેલાં દેશવાસીઓ હોવું જોઈએ.

મોદીએ કહ્યું- રાષ્ટ્રપતિનું અભિભાષણ દેશ માટે ગૌરવની વાત
આજે સંસદનું બજેટ સત્ર શરૂ થતાં પહેલાં વડાપ્રધાન મોદીએ મીડિયાને સંબોધન કર્યું હતું. મોદીએ સંબોધન કરતાં જણાવ્યું હતું કે આજે દેશની અર્થવ્યવસ્થા માટે સકારાત્મક સંદેશ આવ્યો છે. આજે રાષ્ટ્રપતિનું અભિભાષણ પણ થશે, જે દેશ માટે ગૌરવની વાત હશે. મોદીએ વધુમાં જણાવ્યું હતું કે વિપક્ષ પૂરી તૈયારીઓ સાથે આવ્યા છે, માટે ગૃહમાં વિવાદ પણ થશે.

જ્યારે બજેટસત્ર હંગામેદાર રહેવાની શક્યતા છે. વિપક્ષ મોંઘવારી, ચીનની સેનાની ઘૂસણખોરી, BBCની ડોક્યુમેન્ટરી, કાશ્મીરી પંડિતોની સુરક્ષા, હિંડનબર્ગ રિપોર્ટ અને અદાણી જેવા મુદ્દાઓ પર સરકારને ઘેરી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અરવિંદ કેજરીવાલની પાર્ટી AAP, KCRની પાર્ટી BRS સહિત અનેક વિપક્ષી દળો રાષ્ટ્રપતિનાં અભિભાષણનો બહિષ્કાર કરી શકે છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post