• Home
  • News
  • ઇંગ્લેન્ડના ઓપનર એલેક્સ હેલ્સમાં કોરોનાવાઇરસના લક્ષણ જોવા મળ્યા
post

હેલ્સ તાજેતરમાં પાકિસ્તાન સુપર લીગની પાંચમી સિઝનમાં રમી રહ્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-20 13:23:35

ઈંગ્લેન્ડ : ઇંગ્લેન્ડના ઓપનર એલેક્સ હેલ્સમાં કોરોનાવાઇરસ લક્ષણ જોવા મળ્યા છે અને તેને આઇસોલેશનમાં રાખવામાં આવ્યો છે. હેલ્સ તાજેતરમાં પાકિસ્તાન સુપર લીગની પાંચમી સિઝનમાં રમી રહ્યો હતો. તે શનિવારે ઇંગ્લેન્ડ પરત ફર્યો. તેણે પાકિસ્તાન સુપર લીગ (PSL)માં 5 ઇનિંગ્સમાં 59.75ની એવરેજથી 239 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે બે ફિફટી મારી અને 156.20ની સ્ટ્રાઈક રેટથી રમ્યો હતો.

 

હેલ્સે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું કે, કોરોનાવાઇરસને ધ્યાનમાં રાખતા હું વહેલો ઘરે પરત ફર્યો હતો. પરિવાર સાથે રહેવું મને વધુ વ્યાજબી લાગ્યું હતું. હું શનિવારે સવારે ઇંગ્લેન્ડ પહોંચો. જોકે રવિવારે મારી તબિયત બગડી હતી. ત્યારબાદ સરકારની સલાહ પ્રમાણે હું સેલ્ફ આઇસોલેશનમાં રહી રહ્યો છું. બહુ જલ્દી ટેસ્ટ કરાવ્યા બાદ મારા હેલ્થ સ્ટેટ્સની સંપૂર્ણ જાણકારી મળશે.

 

હેલ્સ PSLમાં કરાચી કિંગ્સનો સભ્ય હતો. આ ટીમમાં બાબર આઝમ, ઇમાદ વસીમ, મોહમ્મદ આમિર જેવા પાકિસ્તાનના સ્ટાર ખેલાડીઓ છે. ટૂર્નામેન્ટ દરમિયાન હેલ્સ આ બધા સાથે સંપર્કમાં હતો, જેથી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ચિંતિત હોવાનું સામે આવ્યું છે.