• Home
  • News
  • સ્કૂલો ક્લાસમાં 6 ફૂટનું સોશિયલ ડિસ્ટન્સ જાળવે તોપણ ધો. 9થી12માં 1.71 લાખ વધારાના ક્લાસ રૂમની જરૂર પડે
post

સામાન્ય દિવસોમાં ધોરણ 9થી 12ના અંદાજે 28 લાખ વિદ્યાર્થી 62,222 ક્લાસ રૂમમાં બેસે છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-12 11:34:55

પ્રધાનમંત્રીએ કોરોનાથી બચવા દો ગજ કી દૂરીરાખવા આહવાન કર્યું હતું અને તે મુજબ હવે રાજ્ય સરકારે 23 નવેમ્બરથી સ્કૂલોમાં ધો. 9થી 12ના વર્ગો શરૂ કરવાની જાહેરાત કરી છે. આવામાં જો વિદ્યાર્થીઓ વચ્ચે 6 ફૂટનું ડિસ્ટન્સ રાખી સ્કૂલો શરૂ કરવામાં આવે તો એક ક્લાસમાં 12 વિદ્યાર્થી જ બેસી શકે અને તે મુજબ ગુજરાત બોર્ડની તમામ સ્કૂલોમાં 9થી 12માં વધારાના 1.71 ક્લાસ રૂમની જરૂર ઊભી થાય.

સીબીએસઈ સ્કૂલોમાં એક ક્લાસ 500 સ્ક્વેર ફૂટનો અને ગુજરાત બોર્ડની સ્કૂલોમાં 400 સ્ક્વેર ફૂટનો હોય છે. સામાન્ય દિવસોમાં સીબીએસઈના એક ક્લાસમાં 40 જ્યારે ગુજરાત બોર્ડની સ્કૂલોમાં એક ક્લાસમાં 60 વિદ્યાર્થી હોય છે, પરંતુ જો ક્લાસમાં વિદ્યાર્થીઓ વચ્ચે 6-6 ફૂટનું અંતર રખાય તો એક ક્લાસમાં 12 વિદ્યાર્થી બેસી શકશે. માત્ર ગુજરાત બોર્ડની સ્કૂલોમાં જ જો એક ક્લાસમાં 12 વિદ્યાર્થી બેસાડાય તો ધો. 9થી 12માં 1.71 લાખ વધારાના ક્લાસની જરૂર પડશે.

રાજ્યમાં ઘણી સ્કૂલો પહેલેથી જ બે પાળીમાં ચાલી રહી છે. એટલે કે અત્યારે જેટલા ક્લાસ છે તેની સામે તેના ડબલ વર્ગો છે. હવે સ્કૂલો પાસે ક્લાસ રૂમ વધારવાની જગ્યા જ નથી. સ્કૂલ સંચાલકોનો દાવો છે કે, 9થી 12 શરૂ થવાની સ્થિતિએ ધો.1થી 8ના ક્લાસ તો વપરાશ વગરના હશે, પરંતુ ઘણી સ્કૂલોમાં સવારે ધો. 1થી 8 હોય છે અને બપોર પછી 9થી 12 હોય છે. આ સ્થિતિમાં ક્લાસ રૂમની સંખ્યા તો વધી જ રહી નથી, માત્ર ક્લાસ વધી રહ્યા છે.

હાલની સ્થિતિએ રાજ્યમાં કુલ 2.33 લાખ ક્લાસ રૂમ જોઈએ
હાલ ધોરણ 9થી 12માં સરકારી, ગ્રાન્ટેડ, ખાનગી સ્કૂલોના અંદાજે 28 લાખ વિદ્યાર્થીઓ છે. જો એક ક્લાસમાં સરેરાશ 45 વિદ્યાર્થી ગણીએ તો રાજ્યમાં સામાન્ય દિવસોમાં 62,222 વર્ગખંડોમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકે છે, પરંતુ હાલની સ્થિતિમાં એક ક્લાસમાં 12 વિદ્યાર્થીનો સમાવેશ થઈ શકે તેમ છે. એટલે કે કુલ 2.33 લાખ ક્લાસ રૂમની જરૂર પડે.

કોમર્શિયલ કોમ્પલેક્સમાં ચાલતી સ્કૂલોમાં 3 ફૂટની જ લોબી હોય છે
અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત વગેરે મોટાં શહેરોમાં ઘણી સ્કૂલો કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં ચાલતી હોય છે. આ સ્કૂલોની લોબી જ 3થી 4 ફૂટની હોય છે. તેમના ક્લાસ રૂમમાં હવા ઉજાસનો સદંતર અભાવ હોય છે. આ સ્થિતિમાં કોવિડ ગાઇડલાઇનના અમલ સાથે જો સ્કૂલ શરૂ કરવામાં આવશે તો સ્કૂલ સંચાલકોએ સ્કૂલમાં મોટા પ્રમાણમાં ફેરફાર કરવા પડશે.

કમ્યુનિટી હોલ, ખુલ્લી જગ્યામાં વિદ્યાર્થીઓને બેસાડી શકાય
રિટાયર્ડ ડીપીઓ કે. આર. પોટાએ જણાવ્યું કે, ક્લાસ રૂમની સંખ્યા વધારવી શક્ય નથી, કારણ કે આ ટેમ્પરરી વ્યવસ્થા છે, પરંતુ સ્કૂલો નજીકના કમ્યુનિટી હોલ, જાહેર જગ્યા લઈ શકે છે. શિયાળો હોવાથી વિદ્યાર્થીઓને મેદાનમાં પણ બેસાડી શકાય છે. ઉપરાંત સ્કૂલનો સમય ઓછો રહે તે માટે સિલેબસ ઘટાડવો જોઈએ, કારણ કે હાલના સમયે સ્કૂલોમાં એક નાની ભૂલ મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post