• Home
  • News
  • મહિલા ASIના પતિ દર 3 કલાકે 1 વર્ષના પુત્રને ફીડીંગ કરાવવા પોલીસ સ્ટેશને લઇ આવે છે, 12 કલાકની નોકરી
post

રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા ASIની સંઘર્ષગાથા

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-17 10:58:39

રાજકોટ: પોલીસ, ડોક્ટરો, આરોગ્ય વિભાગના કર્મચારીઓ સાચા રાષ્ટ્રરક્ષક બની કોરોનાની જંગ સામે ઝઝૂમી રહ્યા છે. પોતાના પરિવારની ચિંતા કર્યા વગર રોજ કોરોનાના ભય વચ્ચે પોતાની ફરજ પર નીકળી પડે છે. કોઇના ઘરે માતા-પિતા બીમાર છે તો કોઇને નાના બાળકો છતાં પોતાની ફરજ પ્રત્યેની નિષ્ઠા બખૂબી નિભાવી રહ્યા છે. આવો જ એક કિસ્સો રાજકોટના મહિલા પોલીસ સ્ટેશનમાં જોવા મળ્યો છે. મહિલા ASI રેખાબેન રમેશભાઇ સાવલીયાને સંતાનમાં બે બાળકો છે. જેમાં બીજું બાળક હાલ એક વર્ષનું છે. એક વર્ષના પુત્રને ફીડીંગ કરાવવા તેમના પતિ દર ત્રણ કલાકે પોલીસ સ્ટેશન આવે છે. રેખાબેન પોલીસ સ્ટેશનમાં 12 કલાક નોકરી કરી રહ્યા છે. 

ઇન હાઉસ (અરજી નિવારણ શાખા)માં ફરજ બજાવે છે

રેખાબેન મહિલા પોલીસ સ્ટેશનમાં ઇન હાઉસ (અરજી નિવારણ શાખા)માં ફરજ બજાવી રહ્યા છે. પોલીસ સ્ટેશનમાં ઘોડીયું પણ રાખ્યું છે. જો બાળક રોવે તો તેને ઘોડીયામાં જ સુવડાવી દે છે. પતિ દિવસમાં ત્રણ-ચાર વખત ફીડીંગ કરાવવા પોલીસ સ્ટેશન આવે છે. પતિ ફીડીંગ કરાવવા આવે ત્યારે પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવેલા સેનેટાઇઝર મશીનમાં બાળક સાથે સેનેટાઇઝ થાય છે. બાદમાં રેખાબેન પણ હાથમાં સેનેટાઇઝર લગાડીને જ બાળકને સ્પર્શ કરે છે. કારણ કે ફરજ દરમિયાન અરજદારો અરજી લઇને આવ્યા હોય તો કોરોનાનું સંક્રમણ વધારે હોય છે. આથી પોતે પણ તકેદારી રાખી બાળકને સ્પર્શ કરે છે.

પતિ રમેશભાઇ કહે છે દેશને તારી જરૂર છે બાળકોને હું સાચવી લઇશ

રેખાબેનના પતિ રમેશભાઇ ખાનગી કંપનીમાં નોકરી કરે છે. હાલ લોકડાઉન હોવાથી તેઓ ઘરે જ રહે છે. રમેશભાઇએ જણાવ્યું હતું કે, મારી પત્નીને કહ્યું છે કે, તારી દેશને જરૂર છે. આવા સમયે જ આપણી ફરજ ન ચૂકવી જોઇએ. તું ફરજ પર જા હું બાળકોને સાચવી લઇશ. જ્યારે આપણા પુત્રને ભૂખ લાગશે ત્યારે હું પોલીસ સ્ટેશન ફીડીંગ માટે પહોંચી જઇશ. દિવસમાં ત્રણ-ચાર વખત પોલીસ સ્ટેશન જવું પડે છે. ઘરના કામમાં પણ હું મદદ કરી રહ્યો છું

ફરજ પહેલા, દેશને આવા સમયે જ જરૂર હોય: ASI રેખાબેન

ASI રેખાબેને જણાવ્યું હતું કે, હાલ કોરોનાની મહામારીમાં લોકડાઉન ચાલી રહ્યું છે. કોરોનાના સંક્રમણનો ભય રહે છે. પરંતુ  આવા સમયે જ દેશને મારી જરૂર હોય. આથી હું મારી ફરજ ચૂકી નથી. હું રજા રાખું તો અન્ય કર્મચારી પર કામનો બોજ આવી પડે. પોલીસ પરિવારના કર્મચારીઓ પણ મારા બાળકને સાચવી લે છે. આથી ફરજ પહેલા અને પરિવાર પછી. 

 

adv

Related News

post
post
post
post
post
post
post