• Home
  • News
  • પૂર્વ સિન્ડિકેટ સભ્યએ કહ્યું- ગિરીશ ભીમાણીએ ખોટી રીતે મારું પદ છીનવી લીધું, હું ફોજદારી કરી કાયદેસરની કાર્યવાહી કરીશ
post

ડો. કલાધર આર્યએ વધુમાં જણાવ્યું હતું કે, જામજોધપુર તાલુકામાં આંબરડી નામના 5 ગામ છે. જ્યાંની મતદાર યાદી કઢાવી અને જાતે તપાસ કરી છે.

Written By newsonline | Ahmedabad | Published: 2023-02-13 17:50:29

રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ સિન્ડિકેટ સભ્ય ડો.કલાધર આર્યનું પદ છીનવાતા કાર્યકારી કુલપતિ ડો.ગિરીશ ભીમાણી અને રજિસ્ટ્રાર અમિત પારેખ પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેઓએ જણાવ્યું છે કે, જામજોધપુરના આંબરડી ગામના નંદાભાઈ કડમૂલ નામના વ્યક્તિએ મારી વિરૂદ્ધ કાર્યકારી કુલપતિને અરજી કરી હતી. પરંતુ મેં જાત તપાસ કરી તો નંદાભાઈ કડમુલ નામનો કોઈ વ્યક્તિ જ ન હોવાનો ખુલાસો થયો છે. કાર્યકારી કુલપતિએ ડો.ગિરીશ ભીમાણીએ તરકટ રચ્યું અને ખોટી રીતે મારું પદ છીનવી લીધું છે. હું IPC કલમ 420, 419, 409 અને 120 (બી) હેઠળ ફોજદારી કરી કાયદેસરની કાર્યવાહી કરીશ.

 

અરજી કરનારની મેં જાત તપાસ કરી
ડો. કલાધર આર્યએ વધુમાં જણાવ્યું હતું કે, જામજોધપુર તાલુકામાં આંબરડી નામના 5 ગામ છે. જ્યાંની મતદાર યાદી કઢાવી અને જાતે તપાસ કરી છે. હું રૂબરૂ જઈને પણ નરેન્દ્ર પી. કરમૂર નામના વ્યક્તિનો સંપર્ક કર્યો હતો. તેણે કોઈ જ આવી અરજી કરી ન હોવાનું સ્વીકાર્યું છે. બાદમાં એ વ્યક્તિએ મને 100 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર સોગંદનામું કરી આપ્યું છે કે, મેં આવી કોઈ જ અરજી કરી નથી.

 

વિદ્યાનું ધામ ભાઈલોગની દુનિયામાં પરિવર્તિત થઈ રહ્યું છે
ડો.કલાધાર આર્યએ વધુમાં જણાવ્યું હતું કે, મેં કલમો વિશે અભ્યાસ કર્યો છે. પણ એ કલમો ઉપર કામ થઈ શકે કે કેમ તેના માટે મેં મારા વકીલો સાથે વાતચીતનો આરંભ કર્યો છે. હું કાર્યકારી કુલપતિ અને રજિસ્ટ્રાર તેમજ આ પ્રકારની પ્રવૃત્તિમાં જે લોકોના નામ ખુલે તેની સામે વિધિવત પોલીસ ફરિયાદ કરવાનું પ્લાનિંગ કરી રહ્યો છું. વિદ્યાનું ધામ ભાઈલોગની દુનિયામાં પરિવર્તિત થઈ રહ્યું છે. ભીમાણી ગેરકાયદેસર કોલેજોને મંજૂરી આપવી અને રૂપિયા કટકટાવવા માટેના કાર્યો કરે છે. જ્યાં સુવિધા નથી તેવી કોલેજોને મંજૂરી આપવામાં આવી છે. અનેક કોલેજોને મંજૂરી આપી કૌભાંડો આચર્યા છે.

 

યુનિવર્સિટીના તમામ કર્મચારીઓને દબાવે છે
ડો.કલાધાર આર્યએ વધુમાં જણાવ્યું હતું કે, કાર્યકારી કુલપતિ એક કુલપતિ પદની ગરીમાને સાજે એ રીતનું વર્તન નહીં કરતા સંપૂર્ણપણે પોતાના એકહથ્થું શાસન અને પોતાના અણગમાથી પ્રક્રિયાઓ કરી રહ્યા છે, નાના કર્મચારીઓથી શરૂ કરી અધિકારીઓ સુધી બધાને દબાવીને પોતાના મનનું ધાર્યું કરે છે. જેના અનુસંધાને અને મારી મૂળ આર્ટ્સ પરફોર્મિંગ શાખાની તબલા સમિતિમાં થયેલી નિમણૂકને ગેરકાયદેસર રીતે અસંવૈધાનિક પ્રક્રિયાથી રદ કરી મારા ક્રમશઃ ચૂંટણી જીતીને પ્રાપ્ત કરેલા પદોથી મને વંચિત કર્યો છે. આ અંગે અરજી કરનાર વ્યક્તિનું કોઈ અસ્તિત્વ નહીં હોવાનું મેં સવા મહિનાની મહેનતના અંતે પ્રાપ્ત કર્યું છે. જે વ્યક્તિનું એફિડેવિટ છે તે 100 રૂપિયાના સ્ટેમ્પ પેપરનું છે. તે વ્યક્તિએ પોતે એફિડેવિટમાં સહી કરી આપી છે. આ નોટરી સમક્ષ થયેલી પ્રક્રિયા છે.


28 ડિસેમ્બર 2022ના રોજ અરજી થઈ હતી
ડો.કલાધાર આર્યએ વધુમાં જણાવ્યું હતું કે, નંદાભાઈ કડમુલની 28 ડિસેમ્બર 2022ના રોજની અરજી છે. આ અરજી પર 29 ડિસેમ્બરના રોજ કુલપતિ કાર્યાલયમાં પ્રક્રિયા હાથ ધરાઇ હતી. સામે મેં કાર્યકારી કુલપતિને પત્ર લખ્યો હતો કે, અધૂરા સરનામા અને સ્પષ્ટ વિગત ન હોવાની અરજી અંગે કોઈ પગલા ન લો એવો હું અનુરોધ કરું છું. આમ છતાં તેમણે પોતાના અહમને સંતોષવા માટે એકેડેમિક વિભાગમાં અરજન્ટ મેટર તરીકે કાર્યવાહી હાથ ધરી. એકેડિમિક વિભાગના કર્મચારીઓ રજા પર હોવા છતાં જુનિયર આસિસ્ટન્ટ રજા પરથી બોલાવી દબાવી આ કરવામાં આવ્યું છે.


આક્ષપો થતા શું કહ્યું કાર્યકારી કુલપતિએ?
આ અંગે કાર્યકારી કુલપતિ ડો.ગિરીશ ભીમાણીએ જણાવ્યું હતું કે, યુનિવર્સિટીમાં જે અરજી આવી તેના આધારે તપાસ કરી છે. કોણે અરજી કરી અને એ વ્યક્તિ છે કે નહીં તે યુનિવર્સિટી તપાસ ન કરે. ભાઈગીરી શબ્દનો ઉપયોગ તે તેમનો વિચાર છે. અરજી કરનાર વ્યક્તિનું પણ જરૂર પડશે તો નિવેદન લેવામાં આવશે. કોલેજોને યુનિવર્સિટીના નિયમો મુજબ જ મંજૂરી આપવામાં આવી છે. રૂપિયા કટકટાવ્યા તે અંગે ગિરીશ ભીમાણીએ જણાવ્યું હતું કે, એ કોઈ પણ આરોપ લગાવી શકે છે. 5 એકર જમીનના નિયમ મુજબ કોલેજોને મંજૂરી આપવામાં આવી છે.

adv

Related News

post
post
post
post
post
post
post