• Home
  • News
  • ધોરણ 10 અને 12 ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થઈ
post

રિપીટર વિદ્યાર્થીઓ દ્વારા માસ પ્રમોશનની માંગણી કરાઈ હતી. પણ તેને ફગાવવામા આવી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2021-07-15 12:37:35

અમદાવાદ :રાજ્યભરમાં આજથી ધોરણ 10 અને 12 ના રિપીટર, ખાનગી અને પૃથ્થક વિદ્યાર્થીઓની પરીક્ષા (board exam) શરૂ થઈ છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત સહિત આજે રાજ્યમાં ધોરણ 10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા યોજાઈ રહી છે. ત્યારે કોરોનાની ગાઈડલાઈનના પાલન સાથે વિદ્યાર્થીઓને ક્લાસરૂમમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, રિપીટર વિદ્યાર્થીઓ દ્વારા માસ પ્રમોશન (mass promotion) ની માંગણી કરાઈ હતી. પણ તેને ફગાવવામા આવી હતી. 

આજે ધોરણ 10 (10th board) ના રિપીટર (repeater exam), ખાનગી અને પૃથ્થક વિદ્યાર્થીઓની પ્રથમ ભાષાની પરીક્ષા શરૂ થઈ છે. સવારે 10 વાગ્યાથી બપોરે 1.20 દરમિયાન ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, મરાઠી, ઉર્દુ, સિંધી, તામિલ, તેલુગુ, ઉડીયાની પરીક્ષા યોજાનાર છે. તો ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓની ભૌતિક વિજ્ઞાનની પરીક્ષા લેવાનાર છે. ધોરણ 12 કોમર્સ અને ઉ.ઉ.બુના વિદ્યાર્થીઓની ચિત્રકામ, કમ્પ્યુટર, સંગીત, નામાના મૂળતત્વો, સામાજિક વિજ્ઞાન, સહકાર પંચાયતના વિષયોની પરીક્ષા યોજાશે. તો ધોરણ 12 (12th board) ના વ્યવસાયલક્ષી પ્રવાહ માટે ઉદ્યોગ સાહસિકતા વિષયની પરીક્ષા લેવાશે. 

ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓની પરીક્ષા બપોરે 3 વાગ્યાથી સાંજે 6.15 સુધી લેવાશે. ધોરણ 12 કોમર્સ માટે જુદા જુદા વિષયોની પરીક્ષા બે તબક્કામાં લેવાશે, જેમાં પ્રથમ તબક્કામાં પરીક્ષાનો સમય સવારે 10 થી બપોરે 1.20 વાગ્યા સુધી જ્યારે બીજા તબક્કાની પરીક્ષા બપોરે 3 વાગ્યાથી 6.15 વાગ્યા સુધીનો રહેશે. 

અમદાવાદમાં 53,369 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં ધોરણ 10 ના 34,721 વિદ્યાર્થીઓ, જ્યારે કે ધોરણ 12 ના 18,668 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. અમદાવાદ શહેર અને ગ્રામ્યની શાળાઓમાં ધોરણ 10 અને 12 ના કુલ 53,369 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. અમદાવાદ શહેરમાં આવેલી 7 ઝોનની 108 શાળાઓમાં ધોરણ 10ના 19,531 વિદ્યાર્થીઓ જુદા જુદા વિષયોની પરીક્ષા આપશે. અમદાવાદ શહેરમાં ધોરણ 12ના કુલ 11,337 વિદ્યાર્થીઓ માટે 32 શાળાઓમાં પરીક્ષાની વ્યવસ્થા કરાઈ છે. અમદાવાદ શહેરમાં ધોરણ 12 કોમર્સના 9,598 વિદ્યાર્થીઓ માટે 24 શાળાઓ જ્યારે સાયન્સના 1,739 વિદ્યાર્થીઓ માટે 8 શાળાઓ ફાળવવામાં આવી છે. 

રાજકોટમાં 23936 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
રાજકોટમાં 23936 રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થઈ છે. ત્રણ ત્રણ અધિકારીઓની 4 ફ્લાઈંગ સ્કવોડ બનાવવામાં આવી છે. કોરોના ગાઇડલાઈન મુજબ રાજકોટમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે. રાજકોટમાં ધોરણ 10માં 48 અને ધોરણ 12માં 9 સંવેદનશીલ કેન્દ્રો પર વર્ગ 1 અને વર્ગ 2ના કર્મચારી  ફરજ બજાવશે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post