• Home
  • News
  • લોકડાઉનમાં છૂટ કેલ્ક્યુલેટેડ રિસ્ક, કેસ વધશે તો છૂટછાટ પાછી લેવાશે : મુખ્યમંત્રી વિજય રૂપાણી
post

જો દુકાનો સુપર સ્પ્રેડર બનશે તો અમે પગલાં લઈશું: રૂપાણી

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-22 08:46:26

અમદાવાદ: રાજ્યમાં 55 દિવસ સુધી લૉકડાઉનના કડક પાલન બાદ કોરોનાનો કેર યથાવત્ હોવા છતાં રાજ્ય સરકારે મોટાપાયે છૂટછાટો આપી છે. ત્યારે લોકોના મનમાં રાહતની સાથે અજંપો પણ છે. રાજ્યભરમાંથી વાચકો પાસેથી એવા સવાલો મેળવ્યા હતા જે તેઓ રાજ્ય સરકારને પૂછવાં માગે છે. વાચકોના આ સવાલો રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીને પૂછ્યાં હતાં. જાણો વાચકોના સવાલોના રૂપાણીએ આપેલા જવાબો...


લૉકડાઉન અને છૂટછાટોના મુદ્દે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વર્તમાન સમયના મહત્ત્વના સવાલોના જવાબ આપ્યા હતા. તેમણે સ્પષ્ટ સંકેત આપ્યો હતો કે જો કેસોની સંખ્યા વધશે અને લોકો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન નહીં કરે તો અપાયેલી છૂટછાટો પાછી ખેંચાઈ શકે છે. સાથે જ રૂપાણીએ એ પણ કહ્યું છે કે વતન પરત ફરેલા શ્રમિકોને પરત લાવવા માટે પણ આગામી દિવસોમાં સરકાર દ્વારા પૂરતી વ્યવસ્થા કરાશે. તેમણે રાજ્યમાં વધી રહેલા કેસો પાછળના કારણો પણ રજૂ કર્યાં હતાં. 


સવાલ: રાજ્યમાં છેલ્લા 10 જ દિવસમાં જ 4,368 કેસ નોંધાઈ ચૂક્યાં છે, સ્થિતિ આટલી  હદે ખરાબ છે છતાં મોટાપાયે છૂટછાટો કેમ
રૂપાણી: લૉકડાઉન મજબૂરી છે, છૂટછાટો નહીં. સરકાર માટે શહેર કે રાજ્યના વિસ્તારો બંધ રખાવવા પડે તે મજબૂરી છે. આપણે જાણીએ કે જ્યાં સંક્રમણ વધુ નથી ત્યાં અમે આ કેલ્ક્યુલેટેડ રિસ્ક લીધું છે એટલે તમે વ્યૂહ અને રિસ્કનું મિશ્રણ કહી શકો. ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધીઓ, મંત્રીમંડળ, અધિકારીઓ, આરોગ્ય અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. કોરોનાથી બચીને જીવન જીવવાનું છે અને આગળ વધવાનું છે.  


સવાલ: લૉકડાઉનના 53 દિવસમાં કેસો 10 હજારને પાર  થઈ ચૂક્યાં હતાં, ગુજરાતમાં કોરોના પૉઝિટિવ  કેસોમાં મોટો ઉછાળો કેમ ? 
રૂપાણી: ખાલી ગુજરાત જ નહીં મહારાષ્ટ્ર કે તામિલનાડુ અને ગુજરાતમાં પણ કેસના આંકડા વધુ છે. અમે પહેલેથી જ કહ્યું છે કે પરિસ્થિતિ કંટ્રોલમાં હતી પણ નિઝામુદ્દીન મરકઝના તબલીગી જમાતના લોકોએ ટ્રાવેલ હિસ્ટરી છૂપાવી અને અમદાવાદ અને સુરતમાં એકદમ કેસ ખૂબ વધી ગયાં. છેલ્લાં પંદર દિવસથી આંકડાનો ગ્રાફ લગભગ સ્ટેબલ છે અને હવે તે નીચો જશે એવી આશા છે. અગાઉ શહેરોમાં સુપર સ્પ્રેડર્સને કારણે કેસ વધ્યાં હતાં.


સવાલ: અમદાવાદમાં અત્યાર સુધીમાં 619 લોકોના  મોત નોંધાયા છે, સિવિલ હોસ્પિટલમાં સૌથી વધારે મોત પાછળ શું કારણ
રૂપાણી: પહેલું એ કે સિવિલ હોસ્પિટલમાં 2019ના માર્ચ, એપ્રિલ અને મે દરમિયાન થયેલાં મૃત્યુની સંખ્યા અને આ વર્ષે આ જ મહિનાઓના ગાળામાં થયેલાં મૃત્યુના કિસ્સા વચ્ચે આંકડાની દૃષ્ટિએ મોટો ફરક નથી. આપણે પહેલેથી આંકડા છૂપાવ્યા નથી તેથી તે મોટો આંક લાગે છે. એમ્સના ડિરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ કહ્યું હતું કે છેલ્લી ઘડીએ દર્દી આવતા હોવાથી મૃત્યુનું પ્રમાણ વધુ છે. અમે ટ્રીટમેન્ટમાં ધ્યાન આપીએ છીએ. 


સવાલ: અમદાવાદમાં છેલ્લા  દિવસોમાં 250થી વધુ કેસ રોજ નોંધાયા છે, શું કેસ વધ્યા તો લોકડાઉનની છૂટછાટ ખત્મ થઇ જશે?
રૂપાણી: એ પહેલેથી જ સ્પષ્ટ છે કે જે વિસ્તારોમાં કેસ વધશે ત્યાં કન્ટેઇનમેન્ટ ઝોન લાગુ કરી દેવાશે અને તે જ રીતે જો કેસોની સંખ્યા ઘટે તો કન્ટેઇનમેન્ટ ઝોનમાંથી જે તે વિસ્તાર બહાર પણ આવે. એટલું જ નહીં, સોશિયલ ડિસ્ટન્સિંગ ન જળવાય તો પણ અમે તે વિસ્તારોમાંથી છૂટછાટ પાછી ખેંચી લઇશું. છૂટછાટ એ નિયમોના પાલનને આધીન છે જેથી કેસો ન વધે અને જનજીવન બહાલ થાય. નિયમભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરીશું.  


સવાલ: ગત દિવસોમાં ટ્રેનથી  9 લાખથી વધુ  શ્રમિકો એ ગુજરાત છોડ્યું છે, ગુજરાત છોડી ગયેલા પ્રવાસીને પાછા લાવવા માટે શું કરશો?
રૂપાણી: અમે શ્રમિકોને એટલા માટે મોકલ્યાં,તેમના દિલમાં વતન જવાની તીવ્ર લાગણી હતી.  લોકો હજારો કિલોમીટર દૂર ચાલીને જવા નીકળી ગયા હતા. અત્યાર સુધીમાં 9 લાખ, ગઇ કાલે 71 ટ્રેન 1.10 લાખ મજૂરો રવાના થયા.  તેમને કામધંધો જોઇશે અને તેમને ફરી પાછું આવવું પડશે. અમે વ્યવસ્થા કરીશું. બધુ થાળે પડતાં પંદર દિવસ કે મહિનો લાગશે પરંતુ તેઓ પાછા આવશે જ. 


સવાલ: આંકડા જોઇને લોકોમાં ભય છે, સરકાર શું કરી રહી છે?
રૂપાણી: સિવિલ હોસ્પિટલમાં દરેક વોર્ડની અંદર સીસીટીવી કેમેરા ગોઠવેલાં છે અને હું લાઇવ તેની ગતિવિધિ  ડેશબોર્ડથી જોઉં છું. સંપૂર્ણ પરિસ્થિતિ પર અમારી નજર રહે છે. તમે જુઓ કે ગુજરાતમાં રીકવરી રેટ ખૂબ વધ્યો છે અને કુલ પોઝિટીવમાંથી 42 ટકા લોકો સાજાં થયા છે. અમે હાલ પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ વ્યવસ્થા ઊભી કરી છે. જેથી દર્દીઓની સંખ્યા વધે તો પણ તેમને સારવાર મળી રહે.


સવાલ: બાંધકામ ક્ષેત્ર માટે શું કરશો. કરવેરામાં લાભ આપશે?
રૂપાણી: 20 લાખ કરોડનું કેન્દ્રનું પેકેજ છે તે લાંબાગાળાનો વિચાર કર્યો છે. નાણાંની તરલતા બજારોમાં જળવાઇ રહે તે જોવાયું છે. નાણાંની તરલતા બજારમાં જળવાય અને દરેક ક્ષેત્રને તેનો લાભ મળે. કાયદાઓમાં પણ ઘણી છૂટછાટ જાહેર કરી છે. તેથી કોઇપણ ક્ષેત્ર હોય તેને લાભ મળશે. મનરેગામાં પૈસા આપ્યાં છે તેથી નાના વર્ગના લોકોને પણ હાથમાં પૈસા મળશે અને તેમની ખરીદશક્તિ વધશે તો બજારમાં તે પૈસા આવશે અને તમામ વર્ગને તેનો લાભ મળશે અને સરકાર હજુ પણ સહુને માટે વ્યવસ્થા કરશે.


સવાલ: લૉકડાઉન હળવું રહે તે માટે નિષ્ણાંતોના મંતવ્ય લીધાં છે?
રૂપાણી: રેડ ઝોન લીવાયના વિસ્તારોમાં ધંધા રોજગાર શરૂ કરવા છૂટ આપી જ હતી. પરંતુ ત્યાં કેસોમાં મોટો વધારો થઇ ગયો નથી. જે શહેરો બંધ હતાં ત્યાં પણ પોઝિટીવ કેસ વધુ હોય ત્યાં આ લૉકડાઉન તબક્કા દરમિયાન પણ વધુ છૂટછાટો નથી આપી. જેમ કે અમદાવાદના પશ્ચિમ અને પૂર્વ વિસ્તારમાં અમે વ્યૂહાત્મક નિર્ણય લઈ ધીરે-ધીરે બધું ખુલ્લું કર્યું છે.


સવાલ: ઘણી દુકાનો ખૂલી ગઇ છે તેના કારણે ચેપ ફેલાય તેવું બને તેમ નથી લાગતું?
રૂપાણી: અમે પરિસ્થિતિને આધારે નિર્ણય કરીએ છીએ. જો ભવિષ્યમાં કોઇ તેની વિપરીત અસરો દેખાશે તો અમે ચોક્કસ પણ અમુક કડક પગલાં ફરી ભરીશું જ.


સવાલ: લૉકડાઉન હળવું કરવાના નિષ્કર્ષ પર કેવી રીતે આવ્યા
રૂપાણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે લૉકડાઉન 4 નવા રંગરૂપ સાથે આવશે. કેન્દ્ર સરકારે સંકેત આપ્યો હતો કે છૂટછાટ આપવી જોઇએ. અહીં પણ લાગણી પ્રવર્તતી હતી કે 55 દિવસનું લોકડાઉન હળવું કરવું જોઇએ કારણ કે રોજનું કમાઇને ખાનારા લોકો, મજદૂરો, નાનો-મોટો રોજગાર કરનારા લોકો કે ખેડૂતો માટે આર્થિક ગતિવિધી શરુ કરાવવી જોઇએ, સાથે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન પણ થવું જોઇએ જેથી સંક્રમણ ન ફેલાય.

adv

Related News

post
post
post
post
post
post
post