• Home
  • News
  • ગુજરાતમાં પહેલીવાર ગૌ પ્રોડક્ટનું પ્રદર્શન:બળદગાડા સાથે શોભાયાત્રા, વજુભાઈએ યજ્ઞમાં આહુતિ આપી, MPએ કહ્યું-બળદથી થતી ખેતી ઘટતાં ગામેગામ આખલા રખડે છે
post

ગાયના સ્ક્લ્પચર સાથે લોકો સેલ્ફી લઈ શકશે

Written By newsonline | Ahmedabad | Published: 2023-05-24 19:00:16

રાજકોટ: રાજકોટના રેસકોર્સમાં પ્રથમ વખત ગૌટેક-2023 એક્સપોનો આજે પ્રારંભ થયો છે. એને લઈને આજે બહુમાળી ચોકથી એક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં રાષ્ટ્રીય ગૌસેવા આયોગના પૂર્વ ચેરમેન વલ્લભ કથીરિયાએ શણગારેલું બળદગાડું ચલાવ્યું હતું. જ્યારે કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા પગપાળા ચાલીને પહોંચ્યા હતા તેમજ ગાયત્રી યજ્ઞમાં આહુતિ આપી હતી. આ તકે સંતો-મહંતોની સાથે સાથે રાજકોટના સાંસદ મોહન કુંડારિયા પણ હાજર રહ્યા હતા તેમજ બેન્ડવાજાના તાલે મહિલાઓ ગરબે ઘૂમી હતી. મોહન કુંડારિયાએ જણાવ્યું હતું કે બળદથી થતી ખેતી ઘટતાં ગામેગામ આખલા રખડે છે.

કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાના હસ્તે આજે બપોર પછી દેશના સૌપ્રથમ ગૌ આધારિત એક્સપો ગૌ-ટેક 2023નું ઉદઘાટન થશે. રૂપાલા વિવિધ સ્ટોલ્સનું નિરીક્ષણ કરશે. ત્યાર બાદ તેમના અધ્યક્ષસ્થાને ઉદઘાટન સમારંભ યોજાશે.

4 વિશાળ AC ડોમ
ગૌટેક એક્સપોનો 2.30 લાખ સ્કવેર ફૂટ જગ્યામાં 4 વિશાળ AC ડોમમાં આજથી પ્રારંભ થયો છે. બધા ડોમને સુરભિ, સુશીલા, સુભદ્રા અને કપિલા સહિતની ગાયોનાં નામ આપવામાં આવ્યાં છે. ગાય આધારિત ઉદ્યોગો માટે પ્રથમ વખત આયોજન થતું હોવાના કારણે ખેડૂતોને પશુપાલકોમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આ એક્સપો સરકારથી વ્યવસાય (જી.ટુ.બી.) તથા વ્યવસાયથી વ્યવસાય (બી.ટુ.બી.) માટે એક મહત્ત્વનો મંચ પુરવાર થશે. ચાર દિવસના એક્સપોમાં ગૌમૂત્રમાંથી બનતા ફિનાઈલ, સાબુ, જૈવ-કીટનાશક ઉપરાંત ગોબરમાંથી બનતી અન્ય જીવનજરૂરી તથા સુશોભનની અનેકવિધ નવતર વસ્તુઓ જોવા મળશે.

આખલાને નંદી ઘરમાં રાખી જતન કરવાનું ચાલુ
કુંડારિયાએ વધુમાં જણાવ્યું હતું કે ગાય માટેનો આ સૌપ્રથમ એક્સપો છે, જેનાથી લોકો ગાય માતાના ફાયદાઓ અંગે જાણી શકશે. અહીં દેશ-વિદેશના લોકો પણ આવશે. ગાય અંગે વિવિધ વૈજ્ઞાનિક શોધની આપ-લે કરાશે. બીજી તરફ રખડતા આખલાને લઈ તેમણે કહ્યું હતું કે હાલમાં બળદ આધારિત ખેતી ઓછી થઈ છે. આ કારણે ગામેગામ રખડતા આખલાઓ જોવા મળે છે. જોકે આખલાને નંદી ઘરમાં રાખીને તેનું જતન કરવામાં આવી રહ્યું છે. આ માટે રાજ્ય સરકાર તત્પરતાથી કામ કરી રહી છે અને ટૂંક સમયમાં લોકોને આખલાના ત્રાસમાંથી મુક્તિ મળશે તેમજ આખલાનું પણ ખૂબ સારી રીતે જતન થશે.

ગૌ પ્રોડક્ટથી અર્થતંત્રને ફાયદો થશે
બીજી તરફ, વલ્લભ કથીરિયાએ જણાવ્યું હતું કે આ એક્સપોના માધ્યમથી ગૌ આધારિત વસ્તુઓનું પ્રદર્શન 200 જેટલા સ્ટોલમાં જોવા મળશે. આ એક્સપો દ્વારા લોકોને સાચા અર્થમાં ગાયનું મહત્ત્વ સમજાવવા પ્રયાસ કરવામાં આવશે. આરોગ્ય સહિતની અનેક બાબતે ગાય અને એને આધારિત વસ્તુઓ ખૂબ મહત્ત્વની છે, જેની લોકોને જાણકારી આપવામાં આવશે. ગાયની ઉપયોગિતા દ્વારા આર્થિક ઉપાર્જન કઈ રીતે કરી શકાય એ પણ આ એક્સપોના માધ્યમથી જાણી શકાશે. અર્થતંત્રને ગૌ આધારિત ઉત્પાદનો દ્વારા આગળ વધારવા માટે પણ આ એક્સપો મહત્ત્વનો ભાગ ભજવશે.

ગૌ આધારિત વસ્તુઓનું પ્રદર્શન 200 જેટલા સ્ટોલમાં
આ એક્સપોમાં ડેરીના ધંધાર્થીઓ, દૂધ-પાઉડર વેચનાર, ડેરી મશીનરી વિક્રેતા, દૂધ પરીક્ષણની લેબોરેટરી સાધન વિક્રેતા, સાબુ બનાવનાર, કોસ્મેટિકના ઉત્પાદકો, સહકારી સંગઠનો, અર્ક વિતરકો, ગાયના છાણના વિવિધ મૂર્તિ ઉત્પાદકો, ધૂપ બનાવનાર, દવા બનાવનાર, કાષ્ટ બનાવનાર, ગોબર ગેસના પ્લાન્ટ નિર્માતાઓ પણ ભાગ લેશે. આ સાથે જ રંગ રસાયણ ઉત્પાદકો, જૈવિક ખાતરના ઉત્પાદકો, બાયો ડીએપી ઉત્પાદકો, ખાણદાણ માટેની કંપનીઓ, પંચગવ્યના ઉત્પાદકો, ગર્ભ સંસ્કાર કેન્દ્રોના આગેવાનો હાજરી આપશે.

ગાયના સ્ક્લ્પચર સાથે લોકો સેલ્ફી લઈ શકશે
રાજકોટ ભાજપના પ્રવક્તા રાજુ ધ્રુવે જણાવ્યું હતું કે એક્સપોમાં વિશ્વભરના ગૌપ્રેમી, ગૌપાલકો, પશુપાલકો તેમજ ઉદ્યોગ સાહસિકો પણ ભાગ લેશે. ગાયના ગોબર અને ગૌમૂત્રમાંથી કયા પ્રકારની વસ્તુઓ બનાવી શકાય, એમાં કેવી રીતે નવું નવું રિસર્ચ કરી શકાય આ તમામ બાબતો એક્સપોમાં જોવા મળશે. સાથે જ ગૌ પ્રોડક્ટના 200થી વધુ વિવિધ સ્ટોલ તેમજ સેમિનાર માટે ખાસ ડોમનું નિર્માણ કરવામાં આવ્યું છે. સ્થાપિત સપ્તમંદિરની મુલાકાતીઓ પ્રદક્ષિણા કરી શકશે. વિવિધ દેશી નસલની સાત ગાયના વાછરડાનાં દર્શન-પૂજન કરી શકશે. સમગ્ર એક્સપોમાં વિવિધ સ્થાનો પર ગાયોની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી છે. જ્યાં મુલાકાતીઓ સેલ્ફી પણ લઇ શકશે.

ગૌ એક્સપો-2023 દ્વારા મળનારા મુખ્ય લાભ

·         ગૌ આધારિત એક્સપોથી ગાયોની સંખ્યા વધશે

·         દેશભરના ખેડૂતોને આર્થિક ફાયદો થશે

·         દેશનાં વિવિધ ગામડાં આત્મનિર્ભર બનશે

·         વધુમાં વધુ લોકો પશુપાલન ક્ષેત્રે જોડાશે

·         ખેડૂતોને પણ ઘણુંબધું નવું શીખવા મળશે

·         ગૌ આધારિત પ્રોડક્ટ દ્વારા મેઇક ઇન ઇન્ડિયા મોડલ

·         વિશ્વભરમાં ગૌ ઉત્પાદનોનો ડંકો વાગશે

 

adv

Related News

post
post
post
post
post
post
post