• Home
  • News
  • ગુજરાતમાં ફર્ઝી સિરીઝ કાંડ:શોર્ટકટથી રૂપિયા કમાવવા 4 યુવકોએ 25 લાખની નોટો છાપી, 50% ભાવમાં આપતા પોલીસે ઝડપી પાડ્યા
post

આરોપીઓએ નકલી નોટ છાપવા દાસ્તાન સર્કલ પાસે મકાન ભાડે રાખ્યું હતું

Written By newsonline | Ahmedabad | Published: 2023-03-21 18:59:29

અમદાવાદ: તાજેતરમાં જ બોલિવૂડ અભિનેતાની એક ફર્ઝી સિરીઝ આવી છે, જેમાં શોર્ટકટથી પૈસા કમાવવા નકલી નોટો છાપીને લોકોને અડધી કિંમતમાં વહેંચવામાં આવતી હતી. તેવી જ રીતે અમદાવાદના 4 યુવકોએ એક મહિનામાં 25 લાખની નકલી નોટ બનાવી હતી. જો કે, આ નકલી નોટ બજારમાં આવે તે પહેલાં જ પોલીસે ગ્રાહક બનીને ઝડપી લીધી છે. પોલીસે નકલી નોટ બનાવીને વેચતા ચારેય યુવકોને ઝડપી લીધા છે.

આરોપીઓને પકડવા પોલીસે ટ્રેપ ગોઠવી
ઈન્ચાર્જ ઝોન 2 ડીસીપી સફિન હસનના LCB સ્કોડ પાસે બાતમી હતી કે, 4 યુવકો નકલી નોટ બનાવે છે. જેથી પોલીસે જ આરોપીઓને પકડવા ટ્રેપ ગોઠવી હતી. પોલીસ દ્વારા જ નકલી નોટ ખરીદવાનો ગ્રાહક તરીકે ઓર્ડર આપવામાં આવ્યો હતો. ત્યારે શૈલેષ ક્રિશ્ચયન નામનો યુવક ઇકો ગાડીમાં નકલી નોટ લઈને આવ્યો હતો. પોલીસે ગ્રાહક બનીને નોટ સાથે શૈલેષની ધરપકડ કરી હતી. શૈલેષ પાસેની બેગમાંથી 500ના દરની 10 લાખ રૂપિયાની નકલી નોટ મળી આવી હતી. હજુ 3 આરોપી સુધી પોલીસે પહોંચવાનું હતું જેથી પકડેલા આરોપીની પૂછપરછ કરી હતી.

 

500 રૂપિયાના દરની વધુ 15 લાખની નોટો
ઝડપાયેલા શખસે અન્ય 3 આરોપીનું ઠેકાણું પોલીસને આપ્યું જેથી પોલીસે દાસ્તાન પાસેના મકાનમાં રેડ કરી તો ત્યાંથી પરાગ ઉર્ફે પકો વાણિયા, જગદીશ પટેલ અને બિગ્નેશ પટેલની ધરપકડ કરી હતી. પકડાયેલ આરોપીઓ પાસેથી 500 રૂપિયાના દરની વધુ 15 લાખની અને 200 રૂપિયાના દરની 98,800 રૂપિયાની નકલી નોટ મળી આવી હતી. આમ પોલીસના હાથે વધુ 15,98 લાખની નકલી નોટ લાગી હતી. પોલીસે કુલ 25.98 લાખની નકલી નોટ સાથે ચારેય આરોપીની ધરપકડ કરી હતી. ચારેય વિરુદ્ધ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.

પરાગ નકલી નોટના ગુનામાં અગાઉ પકડાયેલો હતો
પોલીસે આરોપીની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે મુખ્ય આરોપી પરાગ ઉર્ફે પકો નકલી નોટ બનાવતો હતો. અગાઉ પણ પરાગ SOGમાં નકલી નોટના ગુનામાં પકડાયેલો છે. આરોપી શૈલેષ ક્રિશ્ચયને પાંચમા ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે અને ડ્રાઇવિંગનું કામ કરતો હતો. જગદીશ પટેલે બારમા ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે અને નરોડામાં ઇડલીની લારી ચલાવે છે. બિગ્નેશે બી.ટેક સુધીનો અભ્યાસ કર્યો છે અને બેકાર છે.

છેલ્લા 1 મહિનાથી નોટ છપાતા હતા
આરોપીઓએ નકલી નોટ છાપવા દાસ્તાન સર્કલ પાસે મકાન ભાડે રાખ્યું હતું. છેલ્લા 1 મહિનાથી નોટ છપાતા હતા. આરોપીઓએ એક બંડલ અડધી કિંમતમાં વેચવાનું નક્કી કર્યું હતું. પોલીસે નોટ છાપવાનું લેપટોપ, કલર પ્રિન્ટર, કાગળ કટર, કોરા કાગળ કબજે કર્યાં છે. આરોપીની ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post