• Home
  • News
  • ખેડૂત આંદોલનનો 31મો દિવસ:ખેડૂતોની આજે બેઠક, સરકાર સાથે ચર્ચા અંગે નિર્ણય શક્ય; રાજસ્થાનથી 2 લાખ ખેડૂત કૂચ કરશે
post

આ પહેલાં સરકારે 20 ડિસેમ્બરે પણ ખેડૂત નેતાઓને પત્ર લખીને વાતચીતનો સમય નક્કી કરવા માટે કહ્યું હતું, જેને ખેડૂતોએ ફગાવી દીધો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-26 12:49:59

નવા ખેડૂત કાયદાના વિરુદ્ધ ચાલી રહેલા ખેડૂત આંદોલનને એક મહિનો પૂરો થઈ ગયો છે. 26 નવેમ્બરે દિલ્હીની બોર્ડર પર ભેગા થયેલા ખેડૂતો આ કાયદાઓને રદ કરવાની માગ કરવા માટે અડગ છે. આ બધાની વચ્ચે સરકાર સાથે વાતચીત અંગે ખેડૂત સંગઠનોની આજે મહત્ત્વની મીટિંગ થઈ શકે છે, જેમાં શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખેડૂતોને આપવામાં આવેલા સંબોધન પર ચર્ચા થઈ શકે છે.

આ પહેલાં સરકારની ચિઠ્ઠી અંગે શુક્રવારે ખેડૂતો વચ્ચે ચર્ચા થઈ હતી. મીટિંગમાં અમુક ખેડૂતોએ મામલાનો નિવેડો લાવવા માટે સરકાર સાથે વાતચીત ફરી શરૂ કરવાના સંકેત આપ્યા. ખેડૂત સંગઠનોના જણાવ્યા પ્રમાણે, તે આજે ફરીથી મીટિંગ કરશે, જેમાં કેન્દ્ર સરકાર સાથે વાતચીતના નિમંત્રણ અંગે નિર્ણય લેવાશે.

રાજસ્થાનમાં 2 લાખ ખેડૂત દિલ્હી કૂચ કરશે
આંદોલનના સમર્થનમાં રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટી(RLP)ના સંયોજક અને નાગૌરના સાંસદ હનુમાન બેનીવાલના નેતૃત્વમાં હજારો ખેડૂત અને RLPના કાર્યકર્તા આજે રાજસ્થાનથી દિલ્હી કૂચ કરશે, જેના માટે રાજસ્થાનના વિવિધ જિલ્લાથી આવી રહેલા ખેડૂત જયપુર જિલ્લામાં દિલ્હી હાઈવે પર કોટપૂતલીમાં ભેગા થશે. અહીં સવારે 11.30 વાગ્યે બેનીવાલ શાહજહાંપુર બોર્ડર તરફ રવાના થશે. હાલ અહીં પોલીસફોર્સ તહેનાત કરી દેવાઈ છે.

30 હજાર ખેડૂત દિલ્હી પહોંચશે
હરિયાણા અને પંજાબ સહિત ઘણાં રાજ્યોમાંથી ખેડૂતોનો દિલ્હી પહોંચવાનો સિલસિલો યથાવત્ છે. 26 ડિસેમ્બરે પંજાબના ખનૌરીથી અને 27 ડિસેમ્બરે હરિયાણાના ડબવાલીથી 15-15 હજાર ખેડૂત દિલ્હી માટે રવાના થશે.

ગુરુવારે કેન્દ્રએ ચિઠ્ઠી લખી હતી
સરકારે ગુરુવારે વધુ એક ચિઠ્ઠી લખીને ખેડૂતો સાથે વાતચીત કરવા માટે દિવસ અને સમય નક્કી કરવાની અપીલ કરી હતી. ચિઠ્ઠીમાં કહેવામાં આવ્યું હતું કે ખેડૂતોના મુદ્દાઓનો નિવેડો લાવવા માટે સરકાર ગંભીર છે. સરકારે એવું પણ સ્પષ્ટ કરી દીધું છે કે મિનિમમ સપોર્ટ પ્રાઈઝ સાથે જોડાયેલી કોઈ પણ નવી માગ જે નવા કૃષિ કાયદાના રડારથી બહાર છે, તેને વાતચીતમાં સામેલ કરવી તર્કસંગત નહીં હોય.

આ પહેલાં સરકારે 20 ડિસેમ્બરે પણ ખેડૂત નેતાઓને પત્ર લખીને વાતચીતનો સમય નક્કી કરવા માટે કહ્યું હતું, જેને ખેડૂતોએ ફગાવી દીધો હતો.

હરિયાણામાં 27 ડિસેમ્બર સુધી ટોલ ફ્રી
હરિયાણામાં ખેડૂતોએ શુક્રવારથી ટોલ ફ્રી કરી દીધા. આ સિલસિલો 27 ડિસેમ્બર સુધી યથાવત્ રહેશે. તો આ તરફ ભારતીય ખેડૂત યુનિયન(લોકશક્તિ)એ કાયદાને રદ કરવાની માગ અંગે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. ભાકિયુ(ભાનુ)જૂથ પહેલાંથી જ સુપ્રીમ કોર્ટ પહોંચી ગયું છે. બન્ને મામલાની સુનાવણી એકસાથે થઈ શકે છે.

ખેડૂતોના મુદ્દા પર 7 અમેરિકન સાંસદોએ લેટર લખ્યો
અમેરિકાના 7 સાંસદે વિદેશમંત્રી માઈક પોમ્પિયોને પત્ર લખ્યો છે, જેમાં ભારતીય મૂળનાં પ્રમિલા જયપાલ પણ સામેલ છે. પત્રમાં પોમ્પિયોને અપીલ કરવામાં આવી છે કે તે ખેડૂત આંદોલનના મુદ્દા પર ભારત સરકાર સાથે વાતચીત કરે. ચિઠ્ઠીમાં લખ્યું છે કે ખેડૂત આંદોલનના કારણે ઘણા ભારતીય- અમેરિકનને અસર થઈ રહી છે. તેમનાં સગાંવહાલાં પંજાબ અથવા ભારતના અન્ય કોઈ રાજ્યમાં રહે છે. એટલા માટે તમે તમારા ભારતીય સમકક્ષ(વિદેશમંત્રી એસ જયશંકર)સામે આ મુદ્દો ઉઠાવો.

 

adv

Related News

post
post
post
post
post
post
post